Team Chabuk-Political Desk: ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓચિંતિ મુલાકાત લેતા નીતનવીન તર્કો વહેતા થયા છે. નીતિન પટેલની મુલાકાત બાદ ગુજરાતમાં ચર્ચા ચાલી રહી છે કે શું નીતિનભાઈને અન્ય કોઈ જવાબદારી આપવાની છે? સોશિયલ મીડિયા પર નીતિન પટેલ અને નરેન્દ્ર મોદીની તસવીર નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર અપલોડ કરી હતી. જ્યાં આ બંને પ્રસન્નચિત્ત મુદ્રામાં દેખાયા હતા. આ મુલાકાતમાં નીતિન પટેલે પ્રધાનમંત્રીની સાથે ચાલીસ મિનિટ સુધી ચર્ચા કરી હતી.

નીતિન પટેલે મીડિયામાં પ્રધાનમંત્રી સાથેની મુલાકાતને તદ્દન ઔપચારિક ગણાવી હતી. આ સિવાય તેમણે કશું કહ્યું ન હોવાથી, હવે બસ પ્રતીક્ષા કરવાની છે. અગાઉ એવી વાતોનો વાયરો વહેતો થયો હતો કે નીતિન પટેલને હવે કોઈ રાજ્યના રાજ્યપાલ તરીકેની જવાબદારી આપવામાં આવશે. જોકે નીતિન પટેલે એ વાતનો પણ નનૈયો ભણ્યો હતો. પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ હવે ગામનાં ચોરે એવી વાતો ચાલી રહી છે કે, નીતિન પટેલને કેન્દ્ર સરકારમાં મહત્વના વિભાગમાં કે કચેરીમાં સ્થાન મળી શકે છે.

ગુજરાતમાં હવે નીતિનભાઈ પટેલ માત્ર ધારાસભ્ય રહ્યા છે. ચૂંટણીના 15 મહિના પહેલા કેબિનેટમાં ધરમૂળ પરિવર્તન આવી જતાં દિગ્ગજ નેતાઓ કદ પ્રમાણે વેતરાઈ ગયા હતા. હવે સી.આર.પાટીલ આગામી ચૂંટણીમાં 100 જેટલા નવા ચહેરાઓને સ્થાન આપવાની વાત ઉચ્ચારી ચૂક્યા છે. ગુજરાતના રાજકારણમાં નીતિન પટેલને બીજી વખત હતાશ થવાની નોબત આવી હતી. ચર્ચા હતી કે નીતિન પટેલને નવા મુખ્યપ્રધાન બનાવાવમાં આવશે તેની જગ્યાએ ભુપેન્દ્ર પટેલ બાજી મારી ગયા હતા. આમ નીતિનભાઈનું મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન રોળાયું હતું. તેમનું આ દર્દ ટીવી પર પણ છલકાતું જોવા મળ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા