Team Chabuk-Gujarat Desk: જામનગરમાં ઢોર પછી સૌથી જટિલ સમસ્યા વાહનોની છે. વાહનોની સંખ્યા વધારે અને પાર્કિંગની મથામણ તેનાથી પણ વધારે. ગાડીને બરાબર પાર્ક ન કરી હોય, કે જ્યાં પાર્કિંગ ન હોય ત્યાં ઊભી રાખી દીધી હોય, તો આવી ગાડીઓને ટ્રાફિક પોલીસ ટોઈંગ કરીને લઈ જાય છે. હવે ગઈકાલે વાહન ટોઈંગ કર્યા પછી જામનગરમાં જે બન્યું તેનાથી વાહનચાલક અત્યંત ચિંતિત છે. ચિંતા કરવાનું કારણ એ છે કે એમની ગાડીમાંથી 35 હજાર રૂપિયા ગુમ થઈ ગયા. વિગતે વાત કરીએ.
પાંત્રીસ હજાર રૂપિયા ગાયબ
મંગળવારની સવારે એસ.ટી રોડ પર બેંક ઓફ બરોડા પાસે પાર્ક કરવામાં આવેલી એક્ટિવાને નો-પાર્કિંગમાં ખપાવી ટોઈંગના કર્મચારીઓ હેડક્વાર્ટર લઈ ગયા હતા. જ્યાં માલિકના વાહનમાંથી 35 હજાર રૂપિયા ગાયબ થયાની વાત કાને પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ટોઈંગના કર્મચારીઓએ તેમને મનાવવાની કોશિશ કરી હતી પણ વાહનના માલિક માન્યા ન હતા અને અંતે વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગઈ હતી.
બેન્કમાંથી પાછા આવ્યા તો ગાડી નહીં
મહાવીરસિંહ રાણા. મહાવીરસિંહ રાણા એ વ્યક્તિ છે જેઓ ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા છે અને બેન્કમાંથી પરત આવી પોતાની ગાડી શોધતા હતા. મહાવીરભાઈને માહિતી મળી કે એમની ગાડી તો ટોઈંગ કરી ગયા છે એટલે તેઓ તાબડતોડ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ કર્મચારીઓ અને ટોઈંગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં એક્ટિવાની ડેકી ખોલી અંદર ડોકિયું કરતા તેમાંથી 35 હજાર ગાયબ હતા. થોડીવારમાં વાત વણસી હતી અને હડકંપ મચી ગયો હતો.
ટોઈંગ કરી ત્યાંથી ચોરી થયા કે અહીંથી?
કર્મચારીઓએ સમજાવવાના અથાગ પ્રયાસો કર્યાં હતા પણ મહાવીરસિંહ ટસ ના મસ નહોતા થયા. જો પૈસા પરત ન મળે તો તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે મક્કમ બન્યા હતા. બાદમાં આ ઘટનાની પોલીસ તપાસ શરૂ થઈ છે. આ અંગે જામનગર ટ્રાફિકના પી.એસ.આઈ ગોહિલ સાહેબે જણાવ્યું હતું કે, જે જગ્યાએથી ગાડી ટોઈંગ કરવામાં આવી ત્યાંથી પૈસા ચોરી થયા છે કે પછી અહીંથી તે તપાસનો વિષય છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ