Team Chabuk-Gujarat Desk: રાજકોટના પેડક રોડ પર મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન કરનારી એક યુવતીના પરિવારજનોએ યુવકના ઘર ઉપર હુમલો કર્યો હતો. હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
આ ઘટના પેડક વિસ્તારના નારાયણ નગર રોડમાં રહેતા રાહુલભાઈની સાથે બની છે. રાહુલને કોલેજમાં પોતાની સાથે ભણતી નેહા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિવારજનોની અવગણના કરી નેહાએ રાહુલની સાથે વેવિશાળ કરી લીધા હતા, જેથી પરિવારજનો ગુસ્સે ભરાયા હતા. તેઓ રાહુલને અવાર નવાર ધાક ધમકી આપતા હતા. જેની ભૂતકાળમાં રાહુલે બી ડિવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ પણ નોંધાવી હતી.
રવિવારની આ ઘટના છે. જ્યારે રાહુલ તેની પત્ની નેહા અને માતા ગીતાબહેનની સાથે ઘરમાં હતો. આ સમયે નેહાના કૌટુંબિક કાકાઓ મહિપતભાઈ, રામદેવભાઈ સહિત એક અજાણ્યો શખ્સ તલવાર લઈ ધસી આવ્યો હતો. ઘરમાં ઘુસેલા આ ત્રણે લોકોએ હોબાળો મચાવ્યો હતો. ઘરના દરવાજા અને બારીમાં તલવાર ફટકારી હતી. નેહાએ દરવાજો ખોલતા ગુસ્સામાં ઓતપ્રોત નેહાના કાકાએ નેહાને સાથે લઈ જવાની માગણી કરી હતી અને ગાળો ભાંડી હતી. એટલું જ નહીં રાહુલની માતા અને નેહાની સાસુ ગીતાબહેન મામલો થાળે પાડવા વચ્ચે પડતા, જેમને થપ્પડ મારી હોવાની વિગતો પણ સામે આવી રહી છે.
થોડીવાર માટે આ સમગ્ર ઉહાપોહ બરકરાર રહ્યો હતો. નેહાએ તેમની સાથે જવાની ના પાડતા આ ત્રણે શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ધોળાદિવસે મચાવેલી ધબધબાટીના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં તલવાર લઈ રમઝમાટી બોલાવતા શખ્સો જોવા મળ્યા હતા. વાતાવરણ ડહોળાયું હતું અને આસપડોશના લોકો પણ ડઘાઈ ગયા હતા. પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ