Team Chabuk-Gujarat Desk: સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા કોરોના વોરિયર્સ ડોક્ટર, પોલીસ, જવાનોને રસીકરણમાં અગ્રતા આપી છે. ત્યારે ભારતીય વાયુસેનામાં જામનગર ખાતે ફરજ બજાવતા એક કર્મચારીએ કોરોનાની રસી લેવાની ના પાડી દીધી હતી. આ જવાને રસી લેવાની ના પાડતા વાયુસેના દ્વારા તેને ફરજ મુક્ત કરવા માટે શો કોઝ નોટિસ પાઠવી હતી. આ શો કોઝ નોટિસને વાયુસેનાના જવાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. આ અંગે ગુજરાત હાઈકોર્ટે જવાન વિરુદ્ધ 1 જુલાઈ સુધી કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ.જે. દેસાઈ અને ન્યાયમૂર્તિ એ.પી. ઠાકરની બેન્ચે આ મામલે આદેશ કરીને ભારતીય વાયુસેના અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરવા કહ્યું છે. આ ઉપરાંત વાયુસેનાના કર્મચારી સામે 1 જુલાઈ સુધી કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે તેવા આદેશ આપ્યા છે.
જામનગર ખાતે ઈન્ડિયન એરફોર્સમાં કોર્પોરલ તરીકે ફરજ બજાવતા યોગેન્દ્ર કુમારે કોરોનાની રસી લેવા અંગે અનિચ્છા દર્શાવી હતી ત્યારબાદ વાયુસેનાએ યોગેન્દ્ર કુમારને ફરજ મુક્ત કરવા માટે શો કોઝ નોટિસ પાઠવી હતી. આ નોટિસ રદ કરવા માટે યોગેન્દ્ર કુમારે હાઈકોર્ટનું શરણ લીધું હતું. વાયુસેનાએ શો કોઝ નોટિસમાં કહ્યું હતું કે, રસીકરણ અભિયાન વિરુદ્ધ યોગેન્દ્ર કુમારનું આ પ્રકારનું વલણ ઘોર અનુશાસનહીનતા દર્શાવે છે. આવા વલણમાં તેમનું વાયુસેનામાં સેવારત રહેવું અન્ય કર્મચારીઓ અને નાગરિકોના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.
શો કોઝ નોટિસમાં યોગેન્દ્ર કુમારને કહેવાયું હતું કે, ભારતીય વાયુસેના અનુસાર, વાયુસેના જેવા અનુશાસિત દળમાં તમારી સેવા અનિચ્છીય છે અને તેમને સેવામાંથી હટાવવાની જરૂર છે. સામે અરજીમાં યોગેન્દ્ર કુમારે કહ્યું હતું કે, રસી ન લેવાથી તેઓને સેવામાંથી હટાવવા એ ભારતીય સંવિધાનના અનુચ્છેદ 14 અને 12નું ઉલ્લંઘન છે. યોગેન્દ્ર કુમારે એમ પણ કહ્યું હતું કે, કોરોનાની રસી લેવા અનિચ્છા દર્શાવવાના કારણોસર તેમને નોકરીમાંથી કાઢવા એ ગેરકાયદેસર, અસંવિધાનિક અને મનમાની ભર્યો નિર્ણય છે. યોગેન્દ્ર કુમારે હાઈકોર્ટમાં અપીલ કરી છે કે તેઓ સામે વાયુસેના દ્વારા જાહેર કરાયેલી શો કોઝ નોટિસ રદ કરવામાં આવે અને તેઓને રસી લેવા મજબૂર ન કરે.
યોગેન્દ્ર કુમારે ગત 26 ફેબ્રુઆરીના રોજ પોતાના સ્કોવડ્રનના કમાન્ડિંગ ઓફિસરને પત્ર લખીને કોરોનાની રસી લેવા અનિચ્છા વ્યક્ત કરી હતી. યોગેન્દ્ર કુમારે કહ્યું હતું કે, તેઓ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે છે. તેઓ આકસ્મિક સ્થિતિમાં જ એલોપથી દવાઓ લે છે. તેથી તેઓ રસી નહીં લે. હાલ આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત