Team Chabuk-Gujarat Desk: વર્ષ 2019થી પ્રથમ ચીન બાદમાં સમગ્ર વિશ્વને રંઝાડનારો કોરોના હવે ક્યાં છે? આ પ્રશ્ન ઉપસ્થિત થવો જોઈએ. શિયાળામાં સંભવિત ત્રીજી લહેરના આગામનની ઊંચી ઊંચી વાતો થતી હતી, એ શરદી-ઉધરસમાં ખપી ગઈ. તોપણ કોરોના કેટલાક નિર્દોષોનો જીવ લઈ ગયો. હવે દેશ દુનિયામાં કોરોનાના કેસનો ગ્રાફ સતત નીચો જઈ રહ્યો છે.
આનંદની વાત જામનગર જિલ્લાની છે. જામનગર જિલ્લામાં કોરોનાએ પહેલી અને બીજી લહેરમાં તાંડવ મચાવ્યું હતું. કેસનો રાફડો ફાડ્યો હતો. જી.જી.હોસ્પિટલમાં દર્દીઓનું કિડીયારું ઊભરાયું હતું. પરંતુ આખરે કોરોનાના વોર્ડને તાળા મારવાની નોબત આવી છે, કારણ કે અહીં કોરોનાના કેસ શૂન્ય થઈ ગયા છે. જેટલા દર્દીઓ સાજા થયા તેમને રજા આપી દેવામાં આવી છે. હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોનાના કેસની અનુપસ્થિતિથી આનંદમાં છે.
જામનગરની આધારસ્તંભ એવી જી.જી.હોસ્પિટલમાં એક સમયે એક સાથે ત્રણસો જેટલા દર્દીઓ દાખલ હતા. કેટલાક દર્દીઓ કોરોનાને પરાસ્ત કરી ઘરે પરત ફર્યાં તો કેટલાક દર્દીઓના મૃત્યુ પણ નીપજ્યા. હવે છેલ્લા કેટલાક સમયથી સંભવિત ત્રીજી લહેર પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે. છેલ્લા અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો ત્રણ દર્દીઓ સારવાર હેઠળ હતા. હવે અંતિમ દર્દીને પણ સ્વસ્થ થતાં રજા આપી દેવામાં આવી છે.
આ સિવાય જામનગર જિલ્લા માટે આનંદની વાત એ પણ કહી શકાય કે કોરોનાના કેસનો આંકડો છેલ્લા ત્રણ દિવસથી શૂન્ય આવી રહ્યો છે. કોરોનાના વળતા પાણી થતાં હવે જામનગરના આરોગ્ય તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત