Homeગુર્જર નગરીજામનગરના પ્રતિષ્ઠિત પરિવાર સામે પુત્રવધૂએ ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી

જામનગરના પ્રતિષ્ઠિત પરિવાર સામે પુત્રવધૂએ ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી

Team Chabuk-Gujarat Desk: જામનગર શહેરના એક પ્રતિષ્ઠિત પરિવાર સામે પુત્રવધૂએ ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. જામનગરમાં વરસો સુધી શોના આયોજનનું કામ કરતાં વેપારીના પુત્ર સાથે સત્તર વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોની શંકા પડતાં તેણીને પતિ, સાસુ અને સસરાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હોવાનો આરોપ લગાવાયો છે. પુત્રવધૂને માર મારીને પહેરેલાં કપડે ઘરમાંથી હાંકી કઢાતા અમદાવાદથી પીયર આવી જઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર બનાવની વાત કરીએ તો, જામનગરના ઈન્દિરા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતાં મધુકર મોહનભાઈ ઓઝાની પુત્રી પાયલબેન (ઉ.વ.40)ના લગ્ન વર્ષ 2004માં જામનગરમાં અગાઉ ઈલક્ટ્રીકનો એક શો-રૂમ ચલાવતા અને કેટલાક શોનું આયોજન કરતાં પ્રમોદ પટેલના પુત્ર મિતુલ સાથે થયા હતા. લગ્ન બાદ પાયલ અને મિતુલ અમદાવાદ રહેવા ચાલ્યા ગયા હતા.

જ્યારે જામનગરના વિકાસગૃહ રોડ પર શ્યામગંગા નામના બંગલામાં પાયલબેનના સાસુ પ્રવીણાબેન તથા સસરા પ્રમોદભાઈ મોહનભાઈ પટેલ રહેતા હતા. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેવા ગયેલા મિતુલે ત્યાં પેઈંગગેસ્ટને સુવિધા આપવાની કામગીરી શરૂ કર્યાં બાદ પાયલને કેટલીક શંકાઓ પડવા લાગી હતી. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું લાગતાં પાયલે તે બાબતે પૂછપરછ કરતાં પતિ મિતુલ તેમજ સાસુ પ્રવીણાબેન અને સસરા પ્રમોદ પટેલે તેની સાથે ઝઘડા શરૂ કર્યાં હતાં.

ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર ઘરના કામ બાબતે અવાર નવાર વાંક કાઢી ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરાએ તેણીને માવતરે જવાની પણ ના પાડી દીધી હતી અને મારકૂટ શરૂ કરી હતી. સતત 17 વર્ષ સુધી ઉપરોકત ત્રાસ સહન કરનાર પાયલબેનને ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકવામાં આવતા હાલમાં પીયર પરત ફરેલા પાયલબેને જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના પ્રતિષ્ઠિત પરીવારમાં બનેલા આ બનાવથી શહેરમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments