Team Chabuk-Literature Desk: સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2020 માટેના પુરસ્કારોનો વિતરણ સમારોહ યોજાયો હતો. કમાની સભાગારમાં આયોજીત સન્માન સમારોહમાં વિભિન્ન ભારતીય ભાષાઓનાં 22 સાહિત્યકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં મુખ્ય અતિથી તરીકે હિન્દીના વરિષ્ઠ લેખક વિશ્વનાથ તિવારી હતા. સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ચંદ્રશેખર કંબાર અને ઉપાધ્યક્ષ માધવ કૌશિકે સાહિત્યકારોને સ્મૃતિ ચિહ્ન, પ્રશસ્તિ પત્ર અને એક લાખ રૂપિયાની નકદ રાશી એનાયત કરી હતી. સમારોહમાં જે લેખકોને સન્માનિત કરવામાં આવ્યા તેમાંથી કેટલાક લેખકો અને તેમની કૃતિ વિશે જોઈએ.
હ્રદય કૌલ ભારતી – કાશ્મીરી સાહિત્ય
સાહિત્ય અકાદમીએ કાશ્મીરી સાહિત્યકાર હ્રદય કૌલ ભારતીને તેમની રચના તિલિસ્મ-એ-ખાનાબદોશ માટે સન્માનિત કર્યા હતા. હ્રદય કૌલ કાશ્મીરના પ્રખ્યાત વાર્તાકાર, નાટ્યકાર અને પત્રકાર રહી ચૂક્યા છે. ગત વર્ષે જ તેમનું નિધન થયું હતું.
આર.એસ ભાસ્કર
પ્રસિદ્ધ કોંકણી કવિ, લેખક અને અનુવાદક આર.એસ.ભાસ્કરને તેમની કૃતિ યુગપરિવર્તનાંચો યાત્રી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. 4 જુલાઈ 1947ના રોજ કેરળના કોચ્ચિમાં જન્મેલા આર.એસ ભાસ્કર કોંકણી સિવાય હિન્દી, મલયાલમ અને અંગ્રેજી ભાષાના પણ જ્ઞાતા છે.
કમલકાંત ઝા
મૈથીલી સાહિત્ય માટે કમલકાંત ઝાને પુરસ્કાર મળ્યો હતો. તેમને તેમના વાર્તાસંગ્રહ ગાછ રુસલ અછિ માટે પુરુસ્કૃત કરવામાં આવ્યા હતા. કમલકાંત ઝા જયનગર બિહારના ડીબી કોલેજથી મૈથિલી વિભાગના પ્રોફેસર પદ પર સેવાનિવૃત્ત થયા છે. મૈથિલી ભાષામાં તેમના 15થી વધારે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે.
યશોધર મિશ્ર
ઓડિયાના વરિષ્ઠ સાહિત્યકાર યશોધરા મિશ્રને એમના વાર્તાસંગ્રહ સમુદ્રકુલ ઘર માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો. તેમના સાત વાર્તાસંગ્રહ, એક કવિતા સંગ્રહ અને પ્રવાસ સંસ્મરણ પ્રકાશિત થઈ ચૂક્યા છે.
અપૂર્વ કુમાર શઈકીયા
અસમના વાર્તાકાર છે. શઈકીયા ગુવાહાટીમાં ઈએસઆઈસી મોડલ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર છે. તેમના વાર્તાસંગ્રહ ‘બેંગસતા’ને પોંખવામાં આવ્યો છે.
અરુંધિતિ સુબ્રમણ્યમ
પત્રકાર, વિવેચક, લેખિકા અને પ્રસિદ્ધ કવિયિત્રી અરુંધતિ સુબ્રમણ્યમ તેમના અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલા કવિતા સંગ્રહ વ્હેન ગોડ ઈઝ એ ટ્રેવલર માટે પુરસ્કૃત કર્યા છે. 26 સપ્ટેમ્બર 1967માં જન્મેલા અરુંધતી અંગ્રેજીની સાથે સાથે હિંદી અને તમિલ ભાષાઓનું પણ બહોળું જ્ઞાન ધરાવે છે. તેમનો પહેલો કવિતા સંગ્રહ ઓન ક્લીનિંગ બુકશેલ્વસ વર્ષ 2001માં પ્રકાશિત થયો હતો. અત્યાર સુધીમાં તેમના 9 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે.
અનામિકા
હિન્દીની પ્રસિદ્ધ લેખિકા અનામિકાને તેમના કવિતા સંગ્રહ ‘ટોકરી મેં દિગન્ત થેરીગાથા 2014’ માટે એનાયત કરવામાં આવ્યો છે. બિહારના મુઝફ્ફરપુરમાં જન્મેલા લેખિકા ડોક્ટરેટની ઉપાધિ ધરાવે છે. હિંદી અને અંગ્રેજી બંને ભાષા પર તેઓનું પ્રભુત્વ છે.
શંકર દેવ ઢકાલ
શંકર દેવ ઢકાલ નેપાળના પ્રતિષ્ઠિત કથાકાર, કવિ અને વિવેચક છે. પૂર્વી સિક્કિમમાં જન્મેલા શંકર દેવ ઢકાલ બંગાળી, અંગ્રેજી અને હિંદી ભાષાઓના જાણકાર છે. તેમની નવલકથા કિરયાકો કોખ માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. આ નવલકથા નેપાળી મૂળના ભૂટાની શરણાર્થીઓની પીડા અને તેમના સંઘર્ષનું વર્ણન કરે છે.
હુસૈન-ઉલ-હક
ઉર્દુના પ્રસિદ્ધ રચનાકારને તેમની નવલકથા અમાવસ મેં ખ્વાબ માટે એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ હાલ મગધ વિશ્વ વિદ્યાલયમાંથી પ્રોફેસરના પદ પરથી સેવાનિવૃત્ત છે. અત્યાર સુધીમાં તેમના સાત વાર્તાસંગ્રહ, ત્રણ નવલકથા, આત્મકથા અને વિવેચનનું પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે.
મહેશચંદ્ર શર્મા
સંસ્કૃત અને હિન્દીના પ્રખ્યાત લેખક તથા કવિ મહેશચંદ્ર શર્મા ગૌતમને સંસ્કૃત સાહિત્ય માટે ઉત્કૃષ્ટ લેખન માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ સન્માન તેમની નવલકથા વૈશાલી માટે મળ્યો છે. વૈશાલી આધુનિક સંસ્કૃત સાહિત્યની નવલકથા છે.
હરીશ મીનાશ્રુ
ગુજરાતી સાહિત્યકાર હરીશભાઈ મીનાશ્રુને 2016માં પ્રકાશિત થયેલ તેમના કવિતા સંગ્રહ બનારસ ડાયરી માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 3 જાન્યુઆરી 1953ના રોજ આણંદ ખાતે તેમનો જન્મ થયો. તેઓ કવિ સિવાય અનુવાદક પણ છે. ગઝલ, ગીત અને મુક્ત પદ્ય લખે છે. 1988માં ધ્રિબાંગસુંદર એની પેરે ડોલ્યા, 1999માં સુનો ભાઇ સાધો , 1999માં જ તાંદુલ અને 2016માં બનારસ ડાયરી કૃતિઓ પ્રસિદ્ધ થઈ. તેઓ કલાપી પુરસ્કાર, વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત