Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં નાના અમથા સરકારી કામકાજ માટે પણ ટેબલ પર વજન મૂકવો પડે છે. એટલે કે સરકારી બાબુઓને લાંચ આપવી પડે છે. ત્યારે જામનગરના એક નાયબ મામલતદાર બીજી વખત લાંચ લેતાં ઝડપાઈ ગયા છે. દિવાળીનો તહેવાર આવતા મામલતદાર કચેરીમાં લાંચિયા બાબુઓને મોજ પડી ગઈ છે. કેમ કે દિવાળીમાં ફટાકડાના લાઈસન્સ માટે અનેક વેપારીઓ આવી રહ્યા છે. અને આ વેપારીઓ પાસેથી લાઈસન્સ માટે લાંચિયા બાબુઓ મલાઈ ખાવા માટે તલપાપડ થઈ રહ્યા છે. જામનગરમાં ફટાકડાના લાઈસન્સ માટે લાંચ માગતા સિનિયર નાયબ મામલતાદ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે. નાયબ મામલતદારને 10 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ પકડી લીધા છે. એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયેલા આ મામલતદાર અગાઉ પણ એસીબીના છટકામાં આવી ચૂક્યા છે.
જામનગરમાં હાલ દિવાળીના તહેવારો નજીક આવતા વેપારીઓ લાઈસન્સ માટે સરકારી કચેરીના પગથિયા ઘસી રહ્યા છે. આવા સમયે જામનગરની સિટી મામલતદાર ઓફિસના સિનિયર નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય દ્વારા ફટાકડાના લાઇસન્સ બાબતે 10 હજાર રૂપિયાની લાંચ માગી હતી અને આ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પાડયા છે.
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં જામનગરના સિટી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચેતન વિનોદચંદ્ર ઉપાધ્યાય 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે ટ્રેપ ગોઠવવામાં હતી. ત્યારે જ ગોકુલ ટ્રેડર્સ કરિયાણાની દુકાન પાસે, ખુલ્લા પ્લોટમાં, રડાર રોડ, ગોકુલનગર, જામનગર પાસે સિનિયર નાયબ મામલતદાર લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
આ સમગ્ર ટ્રેપ ની વિગત એવી છે કે, એસીબી ટીમ જામનગરને ખાનગી રાહે આધારભુત માહિતી મળેલ કે જામનગર શહેર મામલતદારની કચેરીના કર્મચારીઓ ફટાકડાના લાઇસન્સ આપવાના અભિપ્રાય આપવા માટે 5 હજારથી 10 હજાર રૂપિયા લાંચ પેટે માંગણી કરી રહ્યા છે. અને આવા લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી ફટાકડા વેચનાર વેપારીને લાઇસન્સ મેળવવા અભિપ્રાય મળતો ના હોય, જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા સહકાર આપનાર ડિકોયરનો સંપર્ક કરી લાંચના ડિકોય છટકાનું આયોજન કર્યું હતું.
સિનિયર નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાયે અરજદાર સાથે હેતુલક્ષી વાતચીત કરી લાઇસન્સના અભિપ્રાય આપવાના અવેજ પેટે ગેરકાયદેસર લાંચની રકમ રૂપિયા 10 હજારની માંગણી કરી હતી. જે સ્વીકારતાં જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને નાયબ મામલતદારને રંગેહાથ પકડી લીધા હતા. જામનગર એન્ટીકરપ્શન બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર એ. ડી. પરમાર અને સ્ટાફે રાજકોટ એકમના મદદનીશ નિયામકના સુપરવિઝન અધિકારી એ.પી.જાડેજાની દેખરેખમાં આ ટ્રેપ ગોઠવી હતી અને સતત બીજીવાર લાંચ સ્વીકારતાં જામનગરના સિનિયર નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાયને રંગેહાથ ઝડપી પાડયા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત