Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં હાલ કોરોના બેકાબૂ બન્યો છે બીજી તરફ કેટલીક હોસ્પિટલ તકનો લાભ લઈને દર્દીઓના પરિવારના ખિસ્સા ખંખેરી રહી છે. કેટલીક ખાનગી હોસ્પિટલના તબીબ પોતાની ફરજ અને સેવાને ભૂલીને સારવારના નામે લાખો રૂપિયા પડાવી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં જ કેટલાક એવા ડોક્ટર્સ છે જેમણે કોરોનાની મહામારીને ધ્યાને રાખી દર્દીઓની વ્હારે આવ્યા છે. જામનગરના એક તબીબે પોતાની ખાનગી હોસ્પિટલમાં વર્તમાન કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઈને વિનામૂલ્યે ઓપીડી શરૂ કરી માનવતા મહેકાવી છે.
જામનગર શહેરના વલકેશ્વરી નગરીમાં આવેલી આદર્શ હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરતા ENT સર્જન ભાવેશ મહેતાએ આ પહેલ કરી છે. ડૉક્ટર ભાવેશ મહેતાએ કોરોનામાં તાવ, શરદી-ઉધરસ જેવા ફ્લૂના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે જ ઓપીડી શરૂ કરી છે. સતત ત્રણ અઠવાડિયા ડોક્ટર ભાવેશ મહેતા દર્દીઓ પાસેથી કોઈ ચાર્જ નહીં લે અને મફતમાં જ સેવા આપશે.
ડૉ.ભાવેશ મહેતાની આ પહેલથી અનેક દર્દીઓને ફાયદો થશે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે તેમની આ સેવા આશીર્વાદ રૂપ સાબિત થશે. હાલ સૌરાષ્ટ્રમાં પણ હોસ્પિટલો દર્દીઓથી છલોછલ ભરાઈ ગઈ છે. જામનગરના જ કેટલાક ગામડાઓમાં ઘરે ઘરે બીમારીના ખાટલા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સામાન્ય શરદી-ઉધરસને પણ લોકો કોરોના સમજી બેસીને ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. એવામાં ટ્રીટમેન્ટની સાથે સાથે ડોક્ટર ભાવેશ મહેતા લોકોને કોરોના અંગે જાગૃત પણ કરી રહ્યા છે અને માસ્ક, સોશિયલ ડિસ્ટંસ તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી રહ્યા છે.
મફતમાં સારવાર શરૂ થયાના પહેલાં દિવસે જ હોસ્પિટલમા દર્દીઓનો જમાવડો થયો હતો. પહેલાં દિવસે જ હોસ્પિટલમા 100થી વધુ દર્દીઓનું ચેકઅપ કરાયું હતું. જે દર્દીઓને કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાય તેમને ડોક્ટર હોમ આઈસોલેટ થવા અને વધુ લોકોના સંપર્કમાં ન આવવા માટે સૂચના આપી રહ્યા છે. સાથે જ જરૂરી દવા પણ આપી રહ્યા છે.
હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીના એક સગાએ ટીમ ચાબુકને કહ્યું હતું કે, ભાવેશ સરની સારવાર ઉત્તમ છે. તેવામાં તેઓની ફ્રીમાં દર્દીઓની તપાસની પહેલ પણ આવકારદાયક છે. આ તબીબ ખરેખર ભગવાનનું રૂપ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ભાવેશ સાહેબ પાસેથી અન્ય ડોક્ટર્સે પણ શીખ લેવાની જરૂર છે. તબીબો મફતમાં સારવાર ન આપે તો કંઈ નહીં પરંતુ સેવાના નામે લોકોને લૂંટવાનું બંધ કરે તો પણ ઘણું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત