Team Chabuk-Gujarat Desk: હાલમાં રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદાને લઈને પશુપાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. ત્યારે રાજ્યમાં રસ્તે રખડતાં ઢોરના કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે અને ઘણા લોકોને જીવ પણ ગુમાવવા પડી રહ્યા છે. જામનગર શહેરમાં રસ્તે રઝળતાં ઢોરના કારણે વધુ એક વૃદ્ધનું મોત થયું છે. જામનગર શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. તેમ છતાં મહાનગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી અને નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.
જામનગર શહેરમાં ઓશવાળ-2માં રહેતા 75 વર્ષીય દામજીભાઈ બુસા પત્ની સાથે ગત તારીખ 9 માર્ચના રોજ એક્ટિવા પર જઈ રહ્યા હતા. તે દરમિયાન વિશ્રામ હોટલ પાસે અચાનક ખૂંટિયો ટુ-વ્હીલરની વચ્ચે આવી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો. ખૂંટિયાએ અડફેટે લેતા વૃદ્ધ દંપતિને ઈજા પહોંચી હતી. દામજીભાઈને માથામાં ઘણા ફ્રેક્ચર થઈ ગયા હતા અને તેમના પત્નીને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેમાં દામજીભાઈ બુસા લાંબી સારવાર બાદ મોતને ભેટ્યા છે. જ્યારે તેઓના પત્ની હજુ પણ સારવાર હેઠળ છે. આ ઘટનાથી મૃતકના પરિવારજનો અને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વૃદ્ધને સારવાર માટે જામનગર અને બાદમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા પરંતુ કોમામાં રહેલા વૃદ્ધ ભાનમાં આવ્યા ન હતા અને બાદમાં તેમનું મૃત્યુ થતા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. પરંતુ આ ઘટનામાં વૃદ્ધનો જીવ ગયો અને તેમની પત્ની પથારીવશ બન્યા છે ત્યારે મહાનગરપાલિકાની રખડતાં ઢોર પ્રત્યેની કામગીરીને લઈને લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.

મૃતક દામજીભાઈ બુસાના પુત્ર નિલેશભાઈએ જણાવ્યું કે, મારા પિતા અને માતા મોટરસાઇકલ પર જતા હતા. તેઓ ઉંમરલાયક હોય એટલે માંડ 20-30ની સ્પીડ પર ગાડી સાઈડમાં ચલાવતા હતા. ખૂંટિયો અચાનક દોડતો તેમના પર પડ્યો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પિતા એક મહિના જેવો સમય કોમામાં રહ્યા હતા અને વેન્ટિલેટર પર પણ રહ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. માતા પણ પથારીવશ છે. આ ઢોરોના કારણે અમારા પરિવારને ઘણું સહન કરવાનું આવ્યું છે.
આ ઘટના અંગે જામનગર મહાનગરપાલિકાના ડીએમસી એ.કે. વસ્તાણીએ કહ્યું કે, આ ઘટના અંગેની મને જાણ નથી, પણ ક્યા વિસ્તારમાં થઈ છે એ જાણી લઉં છું અને અધિકારીઓ પાસેથી વિગત માંગી લઉં છું. શહેરમાં હાલ રખડતા ઢોરની સાથે ગાયો પણ પકડવાનું ચાલુ છે. આ કિસ્સામાં જો માલિકીનું ઢોર હશે તો ચોક્કસપણે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
