Team Chabuk-Gujarat Desk: જામનગરના એક યુવાનનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં યુવાન ઝેરી દવા ગટગટાવી રહ્યો છે અને એવા આક્ષેપ લગાવી રહ્યો છે કે તે પોલીસના ત્રાસના કારણે ઝેરી દવા પીવે છે. 22 વર્ષીય યુવાને ઝેરી દવા પી લેતા જામનગર પંથકની આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઝેરી દવા પી લીધેલા યુવાનને બાદમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.
ઝેરી દવા પીનાર 22 વર્ષીય યુવાન
સૂત્રોના જણાવ્યા અનુસાર આ યુવકની ઉંમર 22 વર્ષની છે. તેનું નામ કિશન ભરતભાઈ મકવાણા છે અને તે જામનગર નજીક આવેલા આલીયા બાડા ગામમાં રહે છે. સોમવારની બપોરે તેણે કોઈ નિર્જન વિસ્તારમાં જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા ગટગટાવતા પૂર્વે તેણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે આક્રંદ કરતો જોવા મળી રહ્યો છે અને પોતાની સમસ્યાની રજૂઆત કરે છે. વીડિયોના અંતમાં તે રડવા લાગે છે અને ઝેરી દવા પી ઢળી પડે છે. ઝેરી દવા પીતો વીડિયો અમે તમને નહીં બતાવી શકીએ પરંતુ યુવકે વીડિયોમાં શું શું કહ્યું તેના શબ્દેશ: આપ નીચે વાંચી શકો છો.
શું કહે છે વીડિયોમાં?
‘‘દવા પીવ છું, પોલીસવાળાવના ત્રાસથી અને કોઈ જાતનો દારૂનો ધંધો કરતો નથી. મને મારા બાપાએ ઘરેથી કાઢી મૂઈકો. ઈ આઈવા ઈ લોકો એના માટે કે કાયમી ઉઠીને એમ કે છે કે તું દારૂનો ધંધો કરે છે. ગમે ત્યારે ઉપાડી જાય છે. મારે કરવાનું શું? પોલીસવાળાવના ત્રાસથી દવા પીવ છું હું આ. બરોબર… કિશોરભાઈ ને શૈનુભાઈની કાયમી આવીને આંયા એમ કરે છે, કે તું આ કરે છ, તું ઓલું કરે છ, બરોબર… મારે કરવાનું શું? એના ત્રાસથી…. ને એ સસ્પેન્ડ થાવા જોઈએ. મને જીવવાનું હરામ કરી દીધું છે આ બે ચાર જણાએ… અટાણેય ચાર જણા આવ્યા તા, મને મારા બાપાએ કાઢી મૂક્યો… મારે કરવાનું શું?’’
ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે તપાસ
ઉલ્લેખનીય છે કે ઝેરી દવા ગટગટાવતા પૂર્વે યુવકે પોતાની કેફિયત બયાન કરતો વીડિયો બનાવ્યો હતો અને બાદમાં ઝેરપાન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો પરિવારજનો દ્વારા વાઈરલ કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્થાનિક પોલીસ તેના ઘરે વારંવાર આવતી હોય કિશનના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત