Team Chabuk Gujarat Desk: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ચૂંટણી આવતા જ જનતાના કહેવાતા સેવકો પ્રજાને રિઝવવા નીકળી પડ્યા છે. વાયદા અને વચનોની લ્હાણી ખુલ્લેઆમ અને બેફામ થઈ રહી છે. જનતાના મત મેળવવા નેતાઓ ટોપલામાં ભરી ભરીને વાયદા અને વચનો આપી રહ્યા છે. પરંતુ જનતા સાવ મુર્ખ નથી. જો જનતા જાગી જાય તો શું થાય એ નેતાઓએ સમજવાની જરૂર છે.
હવે વાત એવી છે કે દરેક ચૂંટણીઓમાં રાજકીય પાર્ટીઓ જનતા સમક્ષ વાયદાઓની દુકાન ખોલતી હોય છે. એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી હોય છે. જેમાં મોટા મોટા વચનો આપવામાં આવ્યા હોય છે. જેમાંથી મોટાભાગના તો પૂરા નથી જ થવાના એ જનતાને પણ ખબર હોય છે. પરંતુ જો જનતા જ ચૂંટણી ઢંઢેરો બનાવીને રાજકીય પાર્ટીઓને આપે તો કેવું થાય ? આવો જ એક જનતાનો ચૂંટણી ઢંઢેરો હાલ ચર્ચામાં છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જનતા પણ હવે પોતાની માગણીઓ પૂરી કરાવવા માટે રાજકીય પાર્ટીઓ પાસે માગ કરી રહી છે. વાત સુરેન્દ્રનગરની છે, જ્યાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને સુરેન્દ્રનગરના સ્વરાજ ફાઉન્ડેશન અને સુરેન્દ્રનગરનો અવાજ ગ્રુપ દ્વારા એક ‘જનતાનો ચૂંટણી ઢંઢેરો’ બહાર પાડવામાં આવ્યો છે. આ ચૂંટણી ઢંઢેરો હાલ સોશિયલ મીડિયામાં અને સમાચારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ચૂંટણી ઢંઢેરામાં લખવામાં આવ્યું છે કે, સુરેન્દ્રનગર-વઢવાણ-રતનપર-જોરાવરનગર અને દુધરેજના મતદારો આ ઢંઢેરો બહાર પાડીએ છીએ. જનતાના આ ચૂંટણી ઢંઢેરામાં જ્ઞાતિ, જાતિ, ધર્મ કે કોઈપણ પ્રકારની લાલચમાં આવ્યા વગર 12 મુદ્દાઓની લેખિતમાં બાહેંધરી આપનાર કોઈપણ પાર્ટી કે અપક્ષના ઉમેદવારને જ મત આપવાની વાત કરવામાં આવી છે.
જનતાના ચૂંટણી ઢંઢેરાના 12 મુદ્દાઓ
- બંધારણીય 73 અને 74મા સુધારા મુજબ દરેક વોર્ડમાં વોર્ડસભાનું નિયમિતપણે આયોજન કરવાનું રહેશે.
- દરેક વોર્ડ દીઠ નગરપાલિકાની ઓફિસ એક વર્ષમાં શરૂ કરવામાં આવશે.
- શહેરમાં દર 1000 મીટરના અંતરે મહિલાઓ માટે સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવશે, જો નવા બનાવી શકાય એમ ના હોય તો કોમ્પલેક્ષના શૌચાલય નગરપાલિકા હસ્તક લઈ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે.
- દરેક વોર્ડમાં બાળકો તેમજ સિનિયર સિટીઝન માટે બગીચાની વ્યવસ્થા એક જ વર્ષમાં કરવામાં આવશે.
- રખડતાં પશુની ફરિયાદનો તાત્કાલિક નિવારણ લાવીશું તેમજ રખડતાં પશુ દ્વારા જો કોઈ નાગરિકને જાન-માલનું નુકશાન થાય તો દવાખાનાનો તમામ ખર્ચ તેમજ યોગ્ય વળતર આપવામાં આવશે.
- નગરપાલિકા દ્વારા જે વિકાસના કામો કરવામાં આવશે તે કામો ચાલુ હોય તે સ્થળ પર ટેન્ડરને લગતી માહિતી તમામ નાગરિકને મળી રહે તેવી રીતે બોર્ડ લગાડવામાં આવશે.
- મુખ્ય માર્ગોની સફાઈ વેક્યુમ ક્લિનરથી કરવામાં આવશે, તેમજ સોસાયટીના માર્ગોની સફાઈ, સફાઈ કર્મચારીઓ દ્વારા નિયમિતપણે કરવામાં આવશે તેમજ જો નિયત સમયમાં સફાઈ ના થાય તો તેના માટે અલગથી હેલ્પલાઈન નંબર જાહેર કરી તેના પર આવતી ફરિયાદોનું સત્વરે નિરાકરણ કરવામાં આવશે.
- રોગચાળાની સિઝન દરમિયાન ફોગિંગ કરી મચ્છરોના ઉપદ્રવથી નાગરિકોને રાહત આપવામાં આવશે.
- રોડ,લાઈટ,ગટર તેમજ પાણી ભરાવવાને લગતી કોઈપણ કામની ફરિયાદ મળે 48 કલાકમાં તેનું કાયમી/કામચલાઉ ધોરણે નિવારણ કરવામાં આવશે, અને જો સમયમર્યાદામાં કામનું નિવારણ ના થાય તો જે તે જવાબદાર વ્યક્તિની જવાબદારી ફિક્સ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
- સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભાને યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
- નગરપાલિકાની બોડીની રચનાના એક વર્ષની અંદર સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ, રતનપર તેમજ જોરાવરનગરના વિવિધ વિસ્તારોને જોડતી સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે.
- વર્ષમાં ભોગાવો નદીને સ્વચ્છ બનાવવામાં આવશે તેમજ તેમાં જતું ગટરનું પાણી કાયમી માટે અટકાવામાં આવશે.
ઉપરની કૂલ 12 માગણીઓ પૂરી કરવા માગતા હોય તો અમે તમને મત આપીશું એવું આ ચૂંટણી ઢંઢેરા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જનતાના આ ચૂંટણી ઢંઢેરામાં લખવામાં આવ્યું છે કે, ‘આ ઢંઢેરો ચોરે ચોકે, સોસાયટીઓના પ્રવેશદ્વાર, ઘરની બહાર લગાડી અને મત માંગનાર દરેક ઉમેદવાર પાસે બાંહેધરી રીતે અને સોગંધનામા તરીકે અથવા મતદાર પાસેની પ્રિન્ટ પર સહી કરીને માંગવામાં આવશે અને જો આ મુદ્દાઓની અમલવારી કરાવી ના શકું તો હું રાજીનામું આપી દઈશ તેમજ આજીવન ચૂંટણી નહીં લડું કે કોઈના માટે મત માંગવા આવીશ નહીં.’
જનતાના ચૂંટણી ઢંઢેરા પર વોર્ડ નંબર, ઉમેદવારનું નામ, પાર્ટીનું નામ લખી અને ઉમેદવારની સહી લેવામાં આવી રહી છે.

જનતાના ચૂંટણી ઢંઢેરામાં સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં જે-જે સમસ્યાઓની વાત કરવામાં આવી છે તે વર્ષોથી નડી રહી છે અને હવે તેને દૂર કરવાની માગણી કરવામાં આવી છે. જનતાના ચૂંટણી ઢંઢેરામાં રહેલી આ માગણીઓ અને સુવિધાઓ પૂર્ણ થવી જોઈએ તેવી છે પરંતુ સુરેન્દ્રનગરમાં અત્યાર સુધી આ માગણીઓ પ્રત્યે એક પણ પાર્ટીઓએ કે સત્તાધિશોએ ધ્યાન આપ્યું નથી. વિકાસના નામે શહેરમાં મીડું છે. રસ્તા પર રખડતાં ઢોર અને ધૂળિયા રસ્તાઓ, ચોમાસામાં ગંદકીની સમસ્યા આજે પણ સુરેન્દ્રનગરમાં યથાવત છે. ટ્રાફિક, ગંદા પાણીની સમસ્યા પણ જનતાને વર્ષોથી પરેશાન કરી રહી છે. ચૂંટણીઓ આવે ને જાય છે પરંતુ જનતાની માગણીઓ પૂર્ણ થતી નથી. ત્યારે હવે નગરપાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે જનતાએ પણ પોતાનો મિજાજ દેખાડવાનું નક્કી કરી લીધું છે. સુરેન્દ્રનગર શહેરની જેમ આ ચૂંટણી ઢંઢેરો અન્ય શહેરોમાં પણ બંધ બેસતો હશે. જરૂર છે જનતાએ જાગવાની. જો જનતા જાગી જાય તો બધું થઈ શકે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત