Homeગુર્જર નગરીભલે પધાર્યા: ખાડાનગરી જૂનાગઢમાં આપનું સ્વાગત છે

ભલે પધાર્યા: ખાડાનગરી જૂનાગઢમાં આપનું સ્વાગત છે

Team Chabuk-Gujarat Desk: નજીવા વરસાદમાં રોડના પોપડા ઉખડી જતાં હોય અને મગરની પીઠ જેવી સ્થિતિ થઈ જતી હોય, તો અનરાધાર બે દિવસ પડેલા વરસાદમાં દૂર સુધીનું વિચારવું રહ્યું. વાત થઈ રહી છે ગરવા ગિરનારની ગોદમાં વસતા જૂનાગઢની, જે ગિરનાર જેટલો જ ચોમાસામાં તૂટી જતા રોડના કારણે પણ સુવિખ્યાત છે, અને આ વાત જરા પણ અતિશ્યોક્તિસભર નથી. હાલમાં જ પડેલા વરસાદે જૂનાગઢના રોડને ક્ષતવિક્ષત કરી નાખ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ રોડ છેલ્લા ત્રણ મહિના થયે જ બન્યા હતા અને તેની પાછળ બાવીસ કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું હતું. જાણે જમીનમાં વીજળી પડી હોય તે રીતે ચિત્રામણ થઈ ગયું છે. બાઈકનું તૂટેલું સીટ કવર હોય એમ પોપડા ઉખડીને પડ્યા છે.

જૂનાગઢ તો પ્રવાસનનું ધામ છે અને જો તમારે જૂનાગઢથી સાસણ તરફના રસ્તે કે અન્ય કોઈ માર્ગે જવું હોય તો સાવચેતી જ રાખવી. મહાત્મા ગાંધી રોડ, બીલખા રોડ, જય શ્રી રોડ, જેવા મહત્વના માર્ગોમાં ગાબડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે. હવે આ રોડ ક્યાં સુધી આવા ને આવા રહે છે એ તો હરિ જાણે!  જૂનાગઢવાસીઓ માટે આ સમસ્યા દર વર્ષની છે. એક એવું શહેર જ્યાં એશિયાનો સૌથી મોટો રોપ-વે આવેલો છે, પણ સારા રોડ નથી.

જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, તેમ છતાં તેમને સવલતના નામે શૂન્યતા હાથમાં આવે છે. હાલમાં જ જૂનાગઢમાં રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ હતી. આ માટે રોડ રસ્તા સાફ કરવામાં આવ્યા હતા, કેટલાક ના સમારકામ પણ કરવામાં આવ્યા હતા. પણ આજે રોડની સ્થિતિ જોતાં એવું બિલકુલ ન લાગે કે ગત મહિને જ અહીં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ હોય.

ભારે વરસાદના કારણે જ બીલખા રોડ તરફ એક મહાકાય બસ જ્યાંથી જતી હતી ત્યાં જ ભૂવો પડી ગયો હતો. બસની સ્થિતિ કંઈક એવી હતી કે, આ ભૂવામાં જાણે બસ ભૂ પીવા માટે આવી હોય. કોણ માનશે કે આ એ ઐતિહાસિક નગરી છે જેની પાસે ગિર છે, ગિરનાર છે, સિંહ છે, કેસર કેરી છે, અશોકનો શિલાલેખ છે, ઉપરકોટ છે, મકબરો છે. જૂનાગઢવાસીઓ માટે તો દર વર્ષ રોડની બાબતે લોટ પાણી અને લાકડા સમાન જ થઈ ગયું છે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં મને ખાડા દેખાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments