Team Chabuk-Gujarat Desk: ગીરનારની લીલી પરિક્રમાને લઈને આખરે ભાવિકોની આસ્થાની જીત થઈ છે. ભાવિકોની અડગ આસ્થા સામે તંત્રએ ઝૂકવું પડ્યું છે. ગીરનારની પરંપરાગત લીલી પરિક્રમામાં ભાવિકોને પ્રવેશ મળે તે માટે થયેલી અનેક રજૂઆતો બાદ આખરે વહીવટી તંત્રએ શ્રદ્ધાળુઓને ગીરનારની લીલી પરિક્રમા કરવા માટેની પરવાનગી આપી છે. મહત્વનું છે કે, હાલ કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે ગીરનારની લીલી પરિક્રમાની મંજૂરી આપવી કે કેમ તે અંગેનો નિર્ણય જિલ્લા કલેક્ટર પર છોડ્યો હતો. ત્યારે જિલ્લા કલેક્ટર રચિત રાજે ભાવિકોને લીલી પરિક્રમા કરવા માટેની મંજૂરી આપી ન હતી. કોરોના ગાઈડલાઈન પ્રમાણે માત્ર 400 સાધુ-સંતોને જ લીલ પરિક્રમા કરવા માટેની છૂટ આપી હતી.
જિલ્લા વહીવટી તંત્રના આ નિર્ણય બાદ સાધુ-સંત સમાજ ઉપરાંત ભાવિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. ભાવિકોએ અને સંસ્થાઓએ પરિક્રમામાં લોકોને પ્રવેશ આપવા માટે વહીવટી તંત્રને અનેક રજૂઆત કરી હતી. ત્યારે આજે અગિયારસથી શરૂ થતી પરિક્રમામાં વહેલી સવારથી જ મંજૂરી ન હોવા છતાં મોટી સંખ્યામાં ભાવિકો જૂનાગઢ ભવનાથ ખાતે પહોંચી ગયા હતા. લોકો પરિક્રમાના રૂટમાં પ્રવેશે નહીં તે માટે તમામ મુખ્ય ગેટ બંધ કરી દઈને બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આમ છતાં ભાવિકો ત્યાંથી હટ્યા ન હતા. આખરે અંતે વહીવટી તંત્ર દ્વારા ગીરનારની લીલી પરિક્રમામાં ભાવિકોને કોરોના ગાઈડલાઈન પ્રમાણે મંજૂરી આપી છે.

ભાવિકો, શ્રદ્ધાળુઓ, સંસ્થા/સંગઠનોની રજૂઆતને ધ્યાને લઈને 14 નવેમ્બર થી 19 નવેમ્બર દરમિયાન પરિક્રમાર્થીઓ કોવિડ-19ની સરકારની ગાઈડલાઈન મુજબ વધુમાં વધુ 400ની મર્યાદામાં જૂથમાં તબક્કાવાર તથા 400થી વધુ સંખ્યામાં કોઈ એક જગ્યાએ વ્યક્તિઓ એકત્ર ન થાય તે રીતે કોવિડ-19ની ગાઈડલાઈના ચુસ્ત પાલનની શરતે મંજૂરી આપી છે. લીલી પરિક્રમામાં તમામ પ્રકારની વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રમાણેનું આયોજન કરાયું છે.
ગરવા ગીરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાનું મહત્વ ખૂબ છે પણ ગત વર્ષે કોરોના મહામારીના કારણે લોકોને જવાની પરવાનગી નહોતી આપવામાં આવી. આ વખતે લીલી પરિક્રમામાં માત્ર 400 લોકોને પ્રવેશની છૂટ આપવામાં આવી છે. પણ ના છતાં ભવનાથની તળેટીમાં તો લોક જુવાળ ઉમટ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. ભાવિકો અને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અને દરેકની જીભે એક જ શબ્દ તરવરતો હતો કે અમને લીલી પરિક્રમામાં જવાની છૂટ આપો. વનવિભાગ અને પોલીસે ખૂબ સમજાવ્યા અગાઉ લીલી પરિક્રમામાં કલેક્ટર દ્વારા લેવાયેલા નિર્ણયમાં માત્ર 400ને પરવાનગી આપવામાં આવી હતી પણ શ્રદ્ધાળુઓને આ વાતને અવગણી ગીરનારની ગોદમાં ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતા પોલીસ અને વનવિભાગના સ્ટાફને અડચણનો સામનો કરવો પડ્યો હતો. લોકોને જવાની પરવાનગી ન આપતા રાજકારણીઓને ચૂંટણી પ્રચારમાં ભીડ ભેગી કરવાની છૂટવાળું જૂનું ભૂત ફરી ધુણ્યું હતું.

બપોરના બાર વાગ્યાથી લોકો એકત્ર થયા
ગીરનારની લીલી પરિક્રમામાં જે 400 લોકોને જવાની પરવાનગી આપવામાં આવી તેમાં સાધુ અને સંતો છે. છેલ્લા એક વર્ષથી શ્રદ્ધાળુઓ પરિક્રમાનો લુત્ફ ઉઠાવવાથી વંચિત રહી રહ્યા હતા. એવામાં હવે લોકોના સબ્રનું બાણ છૂટ્યું હતું. ગિરનારના રૂટમાં આજે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકો બપોરના બાર વાગ્યાથી પરિક્રમા કરવાની છૂટ આપવાની રટ લગાવી બેઠા હતા. સ્થિતિ વણસે નહીં આ માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વનવિભાગ અને પોલીસના અધિકારીઓ દ્વારા શ્રદ્ધાળુઓને મનાવવામાં આવ્યા હતા પણ તેમણે પરિક્રમાની હઠ પકડી રાખી હતી.
શ્રદ્ધાના કામમાં કોરોના નડે છે
શ્રદ્ધાળુઓ ગેટ ખોલવાની માગણી કરી રહ્યા હતા. તેમણે તંત્રને ઉલ્લેખી કહ્યું હતું કે, ‘રાજકીય મેળાવડામાં કોરોના નડતો નથી અને શ્રદ્ધાના કામમાં કોરોના નડે છે આ તે કેવું ? જ્યાં સુધી પરિક્રમા કરવા જવા નહીં દેવામાં આવે ત્યાંા સુધી ગેટ પાસેથી હટીશું નહીં.’ વાતાવરણ શ્રદ્ધાળુઓના ટોળા અને તેમના રાગ-અલાપથી ભરચક થઈ ગયું હતું. એટલું જ નહીં ભક્તજનો દ્વારા ડીસીએફની ગાડીનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
