Homeગુર્જર નગરીધર્મેશ પરમારની હત્યાનો મુખ્ય સૂત્રધાર ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ નીકળ્યો

ધર્મેશ પરમારની હત્યાનો મુખ્ય સૂત્રધાર ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ નીકળ્યો

Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા જૂનાગઢના ધર્મેશ પરમાર (Dharmesh Parmar) મર્ડર કેસમાં પોલીસને હત્યાનો મૂળ સૂત્રધાર હાથમાં આવી ગયો છે. આ ચકચારી મર્ડર (Murder) કેસમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. ધર્મેશ પરમારની (Dharmesh Parmar) હત્યા કરનારો મુખ્ય આરોપી ભારતી જનતા પાર્ટીના મહિલા કોર્પરેટરનો પતિ હોવાનું સામે આવતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિલાના પતિની પોલીસે એક શખ્સ સાથે મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે.

આ કેસમાં અગાઉ શકમંદ તરીકે ફરિયાદ લખાવી 19 જણાના નામ લખાવ્યાં હતાં. જેમાં ભાજપના બે કોર્પોરેટરો અને શહેર ઉપાધ્યક્ષનું નામ પણ સપાટી પર આવ્યું હતું. જોકે પોલીસને તેમના વિરૂદ્ધ કોઈ પણ પ્રકારના પુરાવા હાથ ન લાગતા, કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી. મહિલા કોર્પોરેટરનો પતિ સંજય ઉર્ફ બાડીયો સોલંકી અને તેના ભાઈ કમલેશ ઉર્ફ મચ્છર સહિતના છ શખ્સો ઝડપાયા છે.

ધર્મેશ પરમારની હત્યા પાછળ રાજકીય સાઠગાઠ હોવાનું પ્રારંભિક તબક્કે લાગી રહ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ હતી જેથી લોકો આ પ્રકારની અટકળો લગાવી રહ્યા હતા. જેમાં વોર્ડ નંબર 15ની પેટા ચૂંટણીએ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું લાગતું હતું. જોકે પોલીસે આ અંગે જણાવ્યું કે, મૃતક ધર્મેશ અને સંજય બાડીયા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી મન દુ:ખ ચાલી રહ્યું હતું. જેનો ખાર રાખીને ધર્મેશ પરમારની હત્યા કરવામાં આવી છે.

ધર્મેશનું કાસળ કાઢી નાખવા માટે બાડીયાએ પોતાની સુરક્ષા માટેનો દરવાજો ખોલી લીધો હતો. એણે ખૂદ ગુજરાતની બહાર જાય ત્યારે ધર્મેશને મારવાનું કાવતરું ઘડ્યું હતું. જેથી શહેરમાં તે ન હોય અને કોઈને તેના પર શંકા ન જાય. સંજય ગુજરાતમાંથી આઉટ થઈ ગયો હતો અને બાદમાં ધર્મેશને મારવાનું કામ કમલેશે પોતાના બે સાળા, રામજી અને ભૂરિયાને આપ્યું હતું.

આ સિવાય એક બાતમીદાર પણ હતો જેણે ધર્મેશ પર વોચ ગોઠવીને રાખી હતી. જે દિવસે બનાવ બન્યો એ દિવસે પણ બાતમી મળતા છ લોકો ધર્મેશનું ઢીમ ઢાળી દેવા માટે નીકળ્યાં હતાં. ધર્મેશ પરમાર જ્યારે સ્કૂટર લઈ બિલખા રોડ પર રામનિવાસ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં ધર્મેશ પરમારનું મોત થયું હતું.

પોલીસે હત્યાના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા તમામ હથિયારો કબ્જે કર્યા છે. સમગ્ર હત્યાકાંડનો મુખ્ય આરોપી સંજય બાડીયો રહ્યો જે ગુજરાતમાંથી મધ્યપ્રદેશ ચાલ્યો ગયો હતો. તેને ફોર વ્હિલ સહિત પકડી પાડવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments