Homeતાપણુંયોગી આદિત્યનાથના કોલેજના દિવસો : બસને રોકવા જીવ જોખમમાં નાખતા છોકરાની વાત

યોગી આદિત્યનાથના કોલેજના દિવસો : બસને રોકવા જીવ જોખમમાં નાખતા છોકરાની વાત

Team Chabuk-Political-Desk: યોગી આદિત્યનાથ. ચર્ચામાં રહ્યા. લવ-જેહાદને લઈને. મુખ્યમંત્રી તરીકે કાર્યકાળની શરૂઆત કરી હતી ત્યારે ઈમારતો અને સ્થળોના નામ બદલીને સોશિયલ મિડિયાને લીલા-લહેર કરાવી દીધેલા.

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના પર પ્રથમ પુસ્તક પ્રવીણ કુમારે લખ્યું હતું. પુસ્તકનું નામ છે યોદ્ધા યોગી. યોદ્ધા યોગી પુસ્તકનાં થોડાં સમય પછી એક બીજું પુસ્તક પ્રકાશિત થયું. યદા યદા હી યોગી. આ પુસ્તક વિજય ત્રિવેદીએ લખ્યું હતું. યદા યદા હી યોગી વધારે ખરીદાયું તેની પાછળનું કારણ વિજય ત્રિવેદી છે. વિજય ત્રિવેદી આ પહેલા અટલ બિહારી વાજપેયીના જીવન અને રાજનીતિના ઉતાર-ચઢાવનું પુસ્તક હાર નહીં માનુંગા લખી ચૂક્યા હતા. તેની સાપેક્ષે યદા યદા હી યોગી તેમની કામગીરી પર છે. તેમાં યોગી આદિત્યનાથ એટલા ખીલતા નથી જેટલા પ્રવીણ કુમારની ઓછી ચર્ચાયેલી પુસ્તક યોદ્ધા યોગીમાં ચમકે છે.  

યોગી આદિત્યનાથ શું છે ? એ જાણવું હોય તો તેમના પર લખાયેલું યોદ્ધા યોગી પુસ્તકને વાંચવું. અજય સિંહ બિષ્ટમાંથી યોગી આદિત્યનાથ બનેલા આ મુખ્યમંત્રી આટલા આક્રામક કેમ છે તેની ખબર પડી જશે ?

1990ની એ સાલ હતી. રામ મંદિરની વાતોનો વાયરો દેશમાં ધીમે ધીમે વાવાઝોડું બનવા તરફ હતો. યોગી આદિત્યનાથ જેનું ત્યારે નામ અજયસિંહ બિષ્ટ હતું એ કોલજના બીજા વર્ષમાં હતો. તેણે ઉત્તરાખંડના રાજ્ય આંદોલનમાં પણ ભાગ લીધો હતો. કોલેજમાં છોકરીઓ સાથે ઓછું બોલતો હતો. છોકરાઓ સાથે પણ કામ સિવાય વાત નહીં કરવાની. કોઈને મદદની જરૂર હોય તો તે હાથને બીજા હાથ સાથે પછાડી જગ્યા પરથી ઉભો થઈ જતો, ‘મૌન ક્યૂં હો આપ લોગ…’ બોલી અન્યાય વિરૂદ્ધ અવાજ ઉઠાવતો હતો.

કોલેજની વિદ્યાર્થીઓની ચૂંટણીમાં તે સક્રિયતાથી ભાગ લેતો હતો. તેણે પોતાની સહપાઠી છોકરી સરસ્વતી રાવતને બીજા વર્ષે ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતારી. એ માનતી નહોતી પણ યોગીએ તેને મનાવી લીધી.

કોટદ્વાર એક નાની જગ્યા હતી. કોલેજની ચૂંટણીનો પ્રચાર ત્યાં ન થઈ શકે. ઉમેદવારો અને ઉમેદવારોના સમર્થકો મતદાતાઓને પોતાની તરફ આકર્ષવા તેમના ઘર સુધી જઈ ચડતા હતા.

આમ જ એક દિવસ ત્રણ છોકરીઓ અન્ય છોકરાઓ સાથે દુગડ્ડાની નજીક રહેતા વિદ્યાર્થીઓના નિવાસસ્થાને ચૂંટણીનો પ્રચાર કરવા પહોંચ્યા.

પ્રચાર લાંબો સમય ચાલ્યો. વિદ્યાર્થીઓને પોતાની તરફ ખેંચવા માટે યુવાઓ આકરી મહેનત કરવા લાગ્યા. હવે સંધ્યા ટાણું થઈ ગયું હતું. મંદિરમાં ઝાલર વાગવાની તૈયારી હતી. આજના દિવસનો પ્રચાર પૂર્ણ કરી તમામ સહપાઠીઓ ઘરે જવા માટે બસની રાહ જોવા લાગ્યા. પ્રથમ બસ આવી અને રોકાયા વિના ચાલી ગઈ. બીજી બસ આવી તેના કન્ડક્ટર અને ડ્રાઈવરે પણ બસને રોકવાની જગ્યાએ ભગાવી દીધી. બે બસ પસાર થયા પછી એક ટ્રક આવ્યો. ટ્રકને રોકવા માટે વિદ્યાર્થીઓ આડા પડ્યા તો ટ્રક માતેલા સાંઠની જેમ માથે ચડી જાત. સમયસૂચકતા વાપરી વિદ્યાર્થીઓ ત્યાંથી હટી ગયા.

આવું થઈ શું કામે રહ્યું હતું? એટલા માટે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બસમાં બેસતા હતા. કન્ડક્ટર પૈસા માગે તો ભાડું ન આપતા. યુપીની મનમાની કરવા લાગતા હતા. રોજ રોજની માથાકૂટથી કન્ડક્ટર અને ડ્રાઈવર પરેશાન થઈ ગયા હતા. પણ આજે પ્રચાર કરવા માટે આવેલું સમૂહ આવું ન હતું. એ પૈસા દઈ બસમાં બેસવા માગતા હતા, પણ એક કેરી ટોકરીની તમામ કેરીઓને બગાડી નાખે એ રીતની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી.

વિદ્યાર્થીઓની ટોળકીમાં બબિતા રાણા નામની છોકરી હતી. તેનું મોઢું પડી ગયું. એ બોલી ઉઠી, ‘હું ઘરે મોડી ગઈ તો ખીજાશે. કંઈક કરો. બસ તો રોકાતી જ નથી. કોઈ વાહન બેસવા માટે ઊભું નથી રાખતું.’

એક બસ આવી. યોગી ઉર્ફ અજયસિંહ બિષ્ટ કોઈને પણ પૂછ્યા કારવ્યા વિના રોડ વચ્ચે કૂદી પડ્યો. અજયને રસ્તામાં અચાનક આવેલો જોઈ ડ્રાઈવરે બસની બ્રેક મારી દીધી. ધીમે ધીમે એક પછી એક છોકરાઓ અને છોકરીઓ બસમાં ચડવા લાગ્યા. ગુસ્સે ભરાયેલા ચહેરા સાથે અજય ત્યાં સુધી બસની આગળથી હટ્યો નહીં, જ્યાં સુધી તેના તમામ સહપાઠીઓ ચડી ન જાય.

બસની અંદર અજય કરડાકીભર્યા ચહેરા સાથે સૌથી છેલ્લે ચડ્યો. કન્ડક્ટરને રૂપિયા આપ્યા અને પછી બસ નથી રોકતા આ માટે ખોંખરો કરી નાખ્યો. ડ્રાઈવર અને કન્ડક્ટર કંઈ બોલી ન શક્યા.

ઈશ્ક ફિલ્મ યાદ છે ? અજય દેવગન અને આમીર ખાનની રામ… રામ… રામ… જેમાં સામેના છેડે આપણા ગુજરાતી નાટ્ય કલાકાર સંજય ગોરડીયા પાઈપ કાપતા હોય છે. આ ફિલ્મમાં જુહી ચાવલા એક શર્ટ મોલમાં પરત કરવા આવે છે જેમાં નાનું એવું કાણું હોય છે. દુકાનદારને દેખાતું નથી તો તે એ કાણાને હાથેથી ફાડી મોટું કરી નાખે છે. યોગી આદિત્યનાથે કોલેજ સમયે આ ફિલ્મી ઘટનાને સાચકે કરી બતાવી હતી. અલબત્ત ફિલ્મની પણ પહેલા.

વાત એવી હતી કે તેમના મિત્ર કૌશલેશની બહેનના લગ્ન હતા. કૌશલેશ એ શિક્ષકનો છોકરો હતો. સૌથી શાંત અને હોશિયાર વિદ્યાર્થી. અજય તેને પોતાની સાથે જ રાખતો હતો. તેના બહેનના વિવાહની સંપૂર્ણ તૈયારી અજય કરી રહ્યો હતો. લગ્ન પહેલા અજય અને કૌશલેશ ડ્રાઈ ક્લિનીંગ માટે આપવામાં આવેલી સાડી પરત લેવા ગયા. ચપળતાપૂર્વક દુકાનદાર સાડીને કોથળીમાં પેક કરતો હતો. કૌશલેશનું ધ્યાન ન હતું. અજયનું ધ્યાન હતું. એ જોઈ ગયો કે સાડીમાં કાણું છે. તેણે સાડી ખોલવાની કહી. પેલો ન માન્યો. લાંબી રકઝક પછી સાડી ખોલી તો અંદર સાચેક કાણું હતું.

દુકાનદારે ગ્રાહકને પટાવતા કહ્યું કે, ‘આ કોઈ મોટી વાત નથી. નાનું એવું કાણું જ છે. સાડી પહેરશે ત્યારે તો દેખાશે પણ નહીં. ખાલી ટપકું છે.’  

મિત્ર કૌશલેશ તેની વાત માનવા તૈયાર હતો, પણ અજય નહીં. તેણે સાડીના એ કાણાની અંદર પોતાની આંગળી નાખી અને જોતજોતામાં કાણું બ્લેક હોલની માફક મોટું કરી નાખ્યું. દુકાનદારને આંખે અંધારા આવી ગયા!! કાણાને જોઈ તેની આંખો વિસ્ફારિત થઈ ગઈ. દુકાનદારે પોતાની ભૂલ બદલ એ સાડીની પૂરતી કિંમત ચૂકવી દીધી.

કોલેજનું બીજું વર્ષ. કોલેજમાં વેકેશન પડતું તો અજય તેના મિત્ર સંદીપની સાથે ગામડે ફરવા ચાલ્યો જતો હતો. કોલેજના બીજા વર્ષમાં પંચૂરમાં છ દિવસ પસાર કર્યા પછી. ફરી પરત ફરવાની તૈયારીઓ ચાલી રહી હતી. બસની રાહ જોઈ રહ્યા હતા ત્યાં અજયે કહ્યું, ‘પહેલા ઋષિકેશ જઈએ પછી ત્યાંથી કોટદ્વાર જઈશું.’

સવાર હતી. બસ ત્રણ કલાકમાં ઋષિકેશ પહોંચાડી શકતી હતી. અજયે મિત્ર સંદીપને કહ્યું, ‘જો આપણે ઋષિકેશમાં ત્રણ કલાક પસાર કર્યા તો પણ કોટદ્વારાની છેલ્લી બસ પકડીને દિવસ આથમતા પહેલા પહોંચી જઈશું.’

ઋષિકેશની બસ પકડવાની જગ્યાએ અજય પગપાળા ચાલવા માંડ્યો.

સંદીપે પૂછ્યું, ‘ઋષિકેસ જવા બસ નથી પકડવી?’

‘ના આપણે પગપાળા જઈશું. 52 કિલોમીટર જ તો છે. મારી સાથે ચાલ. દૂર નથી. પગે ચાલતા ચાલતા જંગલમાંથી રસ્તો કરી લઈશું.’

પગપાળા જ્યારે ઋષિકેશ પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. જલ્દી જલ્દી બસ સ્ટેન્ડ પહોંચ્યા. એ પહોંચ્યા ત્યારે કોટદ્વારા જનારી બસ સ્ટેન્ડ પરથી નીકળી ચૂકી હતી. એ ત્યાં જ રોકાઈ ગયા અને બસ તો હવે સામે જ આવે છે, માની તેના રોકાવાની રાહ જોવા લાગ્યા, પણ બસ ઊભી ન રહી.

સંદીપ રડવા જેવો થઈ ગયો. એક સામટા કેટલા વિચારો તેને ઘેરી વળ્યા. અજયની પાછળ ફર્યા વિના તેણે પગ જમીન પર પછાડ્યા અને અજયને ખરી ખોટી સંભળાવવા માટે પાછો ફર્યો તો અજય ત્યાં નહોતો. એ બસની પાછળ કોઈ ઘોડાની જેમ દોડી રહ્યો હતો. અજયે કન્ડક્ટરની બસ પાસેની બારી પકડી લીધી. બસ ચાલતી રહી અને અજય લટકતો હતો.

હવે બસ ઊભી રાખવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. બસ ઊભી રહી ગઈ. સંદીપ જે હમણાં અજયને ખરી ખોટી સંભળાવતો હતો, એ બસ માટે દોડ્યો. બંને બસમાં સવાર થયા અને કન્ડક્ટરનો આભાર માન્યો.

કોલેજનું ગણિતનું પેપર પૂર્ણ થયું. કૌશલેશે હતાશ થઈ કહ્યું કે, ‘આ વખતે પાસ થવાના ચાન્સ નથી.’ એ શરમાળ અને શાંત રહેતો હતો. દુવિધામાં પડી ગયો કે ફેલ થઈશ તો??? તેને સમસ્યામાંથી ઉગારવા માટે અજયે કહ્યું, ‘ચાલો ફિલ્મ જોવા જઈએ.’ આસપાસ ઉભેલા બીજા છોકરાઓ પણ દંગ રહી ગયા, કારણ કે અજય ફિલ્મો જોતો જ નહોતો. અને તેમાં પણ થીએટરની વાત હોય તો કોણ માને.

એ વખતે ટોકિઝમાં રાજેશ ખન્ના અને નિલમની ઘર કા ચિરાગ ફિલ્મ લાગી હતી. જે બલરાજ સહાનીની જ ફિલ્મ એક ફુલ દો માલીની ઉઠાંતરી હતી. મનાલીના દૃશ્યો જોઈ મઝા આવી બાકી ફિલ્મમાં કંઈ ન હતું. ટિકિટના બધા પૈસા અજય બિષ્ટે ખર્ચયા હતા. કૌશલેશને કહ્યું હતું કે, ‘પાસ થા તો તારા ખર્ચે બીજી ફિલ્મ બતાવજે.’ પરિણામ આવ્યું અને કૌશલેશને 50માંથી 34 માર્ક આવી ગયા. એ અજયને ભેટી પડ્યો કે તે ફિલ્મ દેખાડી અને મારું નબળું પેપર ગયું છે, તેમાંથી ધ્યાન હટી ગયું એટલે આ થયું. તેણે શરત માની અને પછી અજયને પોતાના ખર્ચે ફિલ્મ દેખાડી. કૌશલેશે દેખાડેલી એ ફિલ્મ પછી અજયે આજ સુધી એક પણ ફિલ્મ નથી જોઈ, કારણ કે એ સંન્યાસ તરફ વળી ગયા.

એ જ્યાં રહેતા ત્યાંનો એક કિસ્સો મકાન માલિકે ખૂદ સંભળાવેલો. કોટદ્વારામાં અજયના મકાન માલિકનો છોકરો સાઈકલ ચલાવતા ચલાવતા ઉંધે માથ પડ્યો. નજીક કોઈ હોસ્પિટલ નહોતી અને રીક્ષા પણ નહોતી. કરવું શું ? અજયે છોકરાને ખભા પર નાખ્યો અને લોહી લુહાણ હાલતમાં જ દોઢ કિલોમીટર સુધી દોડી હોસ્પિટલ પહોંચ્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments