Team Chabuk-Gujarat Desk: આપણામાંથી કેટલાય લોકો વિચારતા હોય છે કે કેદીઓની જેલમાં સ્થિતિ કેવી હશે? આપણને એ બિચારાઓ પર દુ:ખ થાય, પણ દુ:ખી થવાની જરૂર નથી. જેલમાં કેદીઓને જલસા હોય છે તેના પૂરાવા રૂપે એક વીડિયો સામે આવ્યો છે. વાતો થઈ રહી છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો જૂનાગઢ જિલ્લાની જેલનો છે. જેમાં આરોપીઓને લીલા લહેર છે. કોઈ યુવરાજ નામેરી કેદીનો જન્મદિવસ હોવાથી કેક કટીંગ થઈ રહી છે. ધડામ… ધડામ… ફટાકડા ફૂટી રહ્યા છે. મોબાઈલમાં વીડિયો શૂટ થઈ રહ્યા છે. આ વીડિયોના સ્ટેટસ રાખવામાં આવી રહ્યા છે.
આમ તો બીડી અને ગુટખા જેલમાં હોવા એ સામાન્ય વાત છે, પણ હવે જેલમાં બર્થડે પાર્ટીઓ પણ થવા લાગી છે. કેક એક નથી પણ આઠ-આઠ છે. જાણે જેલ નહીં કોઈ અત્યાધુનિક રેસ્ટોરન્ટ હોય! મૌજે દરિયા ચાલી રહ્યા છે. કેદીની જગ્યાએ રૂમ રાખીને રહેતા હોય એમ ડિલ ઉઘાડું રાખીને જ્યારે કોઈનો ખૌફ જ ન હોય તેવી રીતે કેદીવીરો રખડી રહ્યા છે. સવાલો એવા ઉઠી રહ્યા છે કે સત્તાધીશો આખરે કરે છે શું ? શું જવાબદાર વ્યક્તિની રહેમ નજર હેઠળ આઠ-આઠ કેક કપાઈ રહી છે?
સામાન્ય રીતે જેલમાં ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પણ કોઈના ચોક્કસ દિવસને ધ્યાનમાં રાખીને બર્થડેની ઉજવણી કરવામાં આવતી નથી. ગુજરાતની જેલમાં મોબાઈલ પકડાયાના અવાર નવાર સમાચારો આવતા રહેતા હતા, પણ અહીં તો જ્યારે કોઈની બીક જ ન હોય તેમ સ્માર્ટફોનથી વીડિયો ઉતારાય છે અને સ્ટેટસ પણ રખાય છે.
જવાબદાર વ્યક્તિઓ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ‘વાઈરલ વીડિયોમાં જે બે કાચા કામના કેદીઓ દેખાઈ રહ્યા છે, તેમાંનો એક લખન મેરુભાઈ ચાવડા 22 ડીસેમ્બરે જેલમુક્ત થઈ ચૂક્યો છે. જ્યારે યુવરાજ પ્રતાપભાઈ માંજરીયા નામનો કાચા કામનો કેદી હાલ જૂનાગઢ જેલમાં જ બંધ છે.’ અને વીડિયોમાં તો સ્પષ્ટ દેખાય છે કે જન્મદિવસ યુવરાજનો છે અને કાચા કામનો કેદી યુવરાજ હજુ જેલમાં છે. સત્તાધીશો તો હજુ પણ કહે છે કે વીડિયો બનાવટી હોવાની વાત નકારી શકાય નહીં.

તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા