Team Chabuk-Gujarat Desk: અઠવાડિયા પહેલાનો એક વીડિયો જેની લોકો પ્રશંસા કરતા થાકતા નહોતા તે હવે પ્રેમભાઈ કાછડિયા માટે વનવિભાગનું તેડું બન્યું છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા જોખમી ચઢાણ એવા ભૈરવજપ પર પ્રેમભાઈ સડસડાટ ચડી ગયા હતા. કોઈએ વીડિયો ઉતારી લીધો હતો. મીડિયાને TRP દેખાતા વીડિયો ચલાવ્યા ચલાવ થઈ હતી. હવે સ્પાઈડર મેનની જેમ પર્વત સર કરી જનારા પ્રવીણભાઈને વન વિભાગે તેડું મોકલતા જનતામાં રોષની લાગણી પ્રવર્તી છે.
વનવિભાગે તેમને ગીરનાર રોડ પર આવેલ ગેસ્ટ હાઉસ ખાસે જવાબ લખાવવા બોલાવ્યા હતા. આ વાતની જાણ સોશિયલ મીડિયામાં થઈ હતી અને લોકોએ વનવિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ સમયે પ્રેમભાઈની સાથે સંતો, આગેવાનો, વકીલો પણ પ્રેમભાઈની પડખે ઊભા રહ્યા હતા. સૌનું એક સૂરમાં આક્રોશ વ્યક્ત કરતા એ જ કહેવું હતું કે જે વ્યક્તિ વીસ વર્ષથી ભૈરવદાદાની પૂજા માટે ભૈરવજપ કરે છે તેની ગિરનાર આરોહણ અવરોહણમાં સન્માન કરવાની જગ્યાએ જવાબ લખવા માટે બોલાવે છે.
જોકે બીજી તરફ વન વિભાગનો જે જવાબ હતો તેનાથી કોઈને સંતોષ નહોત થયો. વનવિભાગના સૂત્રો તરફથી મળેલા જવાબમાં એવું કહેવામાં આવ્યું હતું કે, અમે તો કોઈ વન્યજીવ તેમને હાની ન પહોંચાડે તે અંગેનું ધ્યાન રાખવા માટે બોલાવ્યા હતા.
ગિરનારમાં કયા સ્થાને આવેલો છે ભૈરવજપ?
ગિરનાર પર બિરાજતા મા અંબાજી અને ગુરુદત્ત ભગવાનના દર્શન કરવા માટે બે માર્ગ છે. એક નવી સીડી અને બીજી જૂની સીડી. હાલ મોટા ભાગના યાત્રાળુઓ નવી સીડીનો ઉપયોગ ચઢવા ઉતરવા કરે છે. જોકે હવે તો રોપ-વે ત્રીજો માર્ગ બન્યો છે. જૂની સીડી પર જટાશંકર, ભરતવન, શેષવાન વગેરે જગ્યા આવે છે. આ સીડી ગૌમુખી ગંગા પાસે નવી સીડીને મળી જાય છે. ગૌમુખી ગંગાથી ડાબી બાજુ આગળ વધતા પથ્થરચટ્ટીનું સ્થાન આવેલું છે. જે હિન્દુ ધર્મના રામાનુજ સંપ્રદાયની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. પથ્થરચટ્ટી જગ્યાની સામે ભૈરવજપ નામની જગ્યા આવેલી છે.
ભૈરવજપ શું છે?
ગિરનાર પર્વતના ફોટાને ઊભી સાઈઝમાં નીરખીને જોવામાં આવે તો તેનો આકાર ઋષિના મુખ જેવો દેખાય છે. તેમાં આંખ, નાક, હોઠ વગેરેનો આભાસ થાય છે. આ ફોટોમાં જે નાક આકારે દેખાય છે તે ભૈરવજપ જગ્યા છે. ભૈરવજપ એક વિશાળ શીલા પથ્થર છે. જેની એક બાજુ ઊંડી ખીણ આવેલી છે. ભૈરવજપ ઉપર ભૈરવદાદાનું સ્થાનક આવેલું છે. ભૈરવજપની ઉપર પહોંચવું સામાન્ય લોકોનું કામ નથી.
ભૈરવજપ ક્યાં સંતની જગ્યા છે?
ગિરનારમાં નવ નાથ અને ચોર્યાસી સિદ્ધો વસવાટ કરતા હોવાની માન્યતા છે. આ ઉપરાંત ગિરનાર અનેક સંતો, મહંતો, યોગીઓની તપ ભૂમિ પણ છે. ગિરનારમાં એક આવા જ સેવાદાસજી નામના સંત વસતા હતા. આ ભૈરવજપની જગ્યા સંત સેવાદસજીની હોવાનું મનાય છે.
ભૈરવજપ ક્યારે ધજા ચડે છે ?
ભૈરવજપ પર બિરાજતા ભૈરવદાદાને શિવરાત્રી અને ગિરનારની લીલી પરિક્રમા સમયે ધજા ચઢાવવામાં આવે છે. એટલે કે મહા વદ નવમી અને કાર્તિક માસની સુદ નોમના દિવસે ભૈરવદાદાને ધજા ચડે છે. આ ધજા હાલ ભૈરવજપ પર ચઢતા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા જૂનાગઢ તાલુકાના વડાલ ગામના પ્રેમભાઈ કાછાડિયા ચઢાવતા હોવાનું જાણવા મળ્યું છે.
પહેલા સાંકળ પણ હતી
અહીં જવા માટે સેવાદાસની જગ્યાએથી મંજૂરી લેવી પડે છે. જે જગ્યા અંબાજી મંદિરથી નીચે આવેલી છે. પહેલા સાંકળ હતી. જે પકડીને જઈ શકાતું હતું. તોપણ ડરના માર્યા મોટાભાગના લોકો જતા નહીં. પથ્થરની ઊંચાઈ 125 ફૂટ છે તો તેનો ઘેરાવો 200થી વધારે ફૂટ છે. નજીક જોતા ખ્યાલ આવે કે આ કોઈ સામાન્ય પથ્થર નથી. તેની સામે માણસનું અસ્તિત્વ કિડી જેટલું છે. જે તમે વીડિયોમાં જોઈ જ ગયાં હશો.
ભૈરવજપનો ભગવદગૌમંડલમાં શુ અર્થ કર્યો છે?
ભગવદગૌમંડલ જ્ઞાનકોષ અનુસાર ભૈરવજપનો અર્થ જોખમના કે મુશ્કેલ કામમાં આંધળિયાં કરીને પડવું. મોક્ષ માટે જપ કરતાં કરતાં પર્વત ઉપરથી પડતું મૂકવું તે; ઊંચેથી પડીને મરવું તે. ગિરનાર ઉપર એ નામની એક ટેકરી છે. તેના શિખર ઉપરથી યાત્રાળુઓ પડતું મૂકીને આત્મહત્યા કરતા એમ કહેવાય છે.
ભૈરવજપ અંગે શું હતી માન્યતા?
ગિરનારમાં ભૈરજપના વિશાલ પથ્થર પરથી નીચે પડે તો આવતા જન્મમાં રાજા બને તેવી માન્યતા હતી. આ અંધશ્રદ્ધાના કારણે ઘણા લોકોએ વર્ષો પહેલા પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું કહેવામાં આવે છે. આજથી 150 વર્ષ પૂર્વે વર્ષ 1872માં જૂનાગઢના નવાબ દ્વારા ભૈરવજપ પર જવા માટે મનાઈ ફરવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત