Homeગુર્જર નગરીજૂનાગઢ: પુત્રીનો જન્મ થયા બાદ ચિંતનભાઈએ જે કર્યું તે દરેકે અનુકરણ કરવા...

જૂનાગઢ: પુત્રીનો જન્મ થયા બાદ ચિંતનભાઈએ જે કર્યું તે દરેકે અનુકરણ કરવા યોગ્ય છે

Team Chabuk-Special Desk: આજે દિન પ્રતિદિન મોંઘવારી વધતી જઇ રહી છે. તો સામે લોકોની આવકમાં પણ વધારો થયો છે. લોકોના જીવન પણ હાઇફાઈ બન્યા છે. જન્મદિવસ પ્રસંગે ડીજે, કપડાં, આમંત્રણ પત્રિકા, ફટાકડા વગેરેમાં બેફામ ખર્ચા થઈ રહ્યા છે. પરંતુ આવા જન્મદિવસની ઉજવણીના ખર્ચમાંથી પર્યાવરણની રક્ષા થઈ શકે? તો એનો જવાબ હા છે. જૂનાગઢના ભેસાણ તાલુકાના રાણપુર ગામના પર્યાવરણપ્રેમી ચિંતનભાઈએ તેમના ઘરે પુત્રીનો જન્મ થતા સુંદર સંદેશ લખેલા ચકલીના માળાનું વિતરણ કર્યું છે. 

લાગણીસભર સ્વભાવ અને પર્યાવરણ પ્રેમી એવા ચિંતનભાઈ ઉંધાડ હાલ ભેંસાણ તાલુકાના ગળથ ગામે પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે. ચિંતનભાઈના ઘરે લક્ષ્મી સ્વરૂપ દીકરીનો જન્મ થતા ચકલીઓ માટેના માળા પર સુંદર મજાનો સંદેશ લખીને માળાઓનું ગામમાં વિતરણ કરવાનું સરસ કામ તો આવા દીર્ઘદ્રષ્ટિ વાળા વ્યક્તિ જ કરી શકે.

ચકલીઓનાં માળાઓ ઉપર દીકરીઓને આપેલા સંદેશ પૈકી આજની ૨૧મી સદીમાં દીકરીઓ માટે આ વાક્ય ખૂબ જ સમજવા જેવું અને સાર્થકતારૂપ હશે અને એ વાક્ય છે  ‘જીંદગીનાં દરેક સંઘર્ષમાં તારો પરિવાર જ તારી ઢાલ બનશે’ રાજકોટ નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલા એ સોશિયલ મીડિયા પર ચિંતનભાઈના પર્યાવરણ પ્રેમને બિરદાવ્યો છે.

આપણા ઘરે આવેલી કંકોત્રીને આપણે લગ્ન સુધી કે એકાદ મહિનો માંડ સાચવતા હોઈ છીએ. આખરે તે પસ્તી બની ક્યાંક પડી રહી છે. પરંતુ કાંઇક કરવા માટે બસ એક સારો વિચાર હોવો કાફી છે, આ વાક્યને ચિંતનભાઈ ઉંધાડે ખરા અર્થમાં સાર્થક કરેલ છે. આજથી ત્રણ વર્ષ પહેલા પોતાના લગ્નની કંકોત્રી ચકલીનાં માળાઓ ઉપર છાપી તેનું વિતરણ સગા સંબંધીઓને વિતરણ કર્યું હતું. સાથે જ સમાજને પ્રકૃતિ અને કુદરતના તમામ તત્વોને યોગ્ય અને થાય એટલી મદદ કરવાનો સંદેશો આપ્યો હતો.

ચિંતનભાઈ પોતાની ફરજ સાથે સાથે સ્વામી વિવેકાનંદ યુવાશક્તિ ટ્રસ્ટ ઉપરાંત બીજા ઘણા બધા સેવાકીય કાર્યોમાં પોતાનુ યોગદાન આપીને સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યાં છે.  આવા પ્રેરણાદાયી કાર્ય માટે ‘ટીમ ચાબુક’ ચિંતનભાઈ ઉંધાડને અભિનંદન પાઠવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments