Homeગુર્જર નગરીજૂનાગઢ: મહાકાય સમડી પતંગના દોરામાં ફસાતા ઉંધેમાથ લટકાઈ, બે કલાકની જહેમત બાદ...

જૂનાગઢ: મહાકાય સમડી પતંગના દોરામાં ફસાતા ઉંધેમાથ લટકાઈ, બે કલાકની જહેમત બાદ ઉતરી

Team Chabuk-Gujarat Desk: મકરસંક્રાતિના તહેવારની વિદાયને પાંચ દિવસ વિતી ગયા છે પણ જૂનાગઢ શહેરમાં ક્યાંક રસ્તા પર તો ક્યાંક ઝાડ પર, ક્યાંક દિવાલ પર તો ક્યાંક અવાવરુ જગ્યાએ દોરાઓ વેલની જેમ લટકી રહ્યા છે. એમાંય જૂનાગઢમાં તો જંગલનું સામ્રાજ્ય છે. કપાયેલી પતંગના દોરાઓ પણ ઝાડ પર જ લટકતા હોય છે. એવામાં પક્ષીઓની ઝડપમાં આવી જવાની ઘટનાઓ વારંવાર બને છે. પણ આજ રોજ એક વૃક્ષ પર સમડી માટે પતંગ ચગાવવાનો દોરો ફાંસીના ફંદો બન્યો હતો. પતંગનો દોરો પગમાં ફસાઈ જતા સમડી ઉંધેમાથ લટકી ગઈ હતી અને હિંચકાની જેમ જોલા ખાઈ રહી હતી. આ સમડીને જીવદયા પ્રેમીઓ દ્વારા રેસક્યૂ કરી બચાવી લીધી હતી.

આ ઘટના જૂનાગઢ જિલ્લાના ઉપરકોટ વિસ્તારમાં બની હતી. ઘાસવાડામાં એક સો ફૂટની ઊંચાઈનું તોતિંગ ઝાડ છે. આ ઝાડની ઉપર પતંગનો દોરો હતો. જ્યાં સમડી બેસવા ગઈ અને તેનો પગ ફસાઈ ગયો. પતંગનો દોરો કોઈ મજબૂત જગ્યાએ ફસાઈ ગયો હોવાથી ઉંધી લટકેલી સમડીના અથાગ પ્રયાસો છતાં પતંગનો દોરો તેના પગમાંથી છૂટતો નહોતો. અંતે જૂનાગઢની રેસક્યૂ ટીમ સમડીની મદદે આવી હતી અને તેને આ સમસ્યામાંથી છૂટકારો અપાવ્યો હતો.

જ્યારે સમડીનું રેસક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે ઘાયલ સમડી નીચે પડી મોતને ન ભેટી જાય આ માટે કેટલાક લોકો વૃક્ષની નીચે ચાદર લઈ ઊભા હતા. બે કલાકની ભારે જહેમત બાદ સમડીનો પતંગના દોરાથી છૂટકારો થયો હતો. તેને યોગ્ય સારવાર આપી ફરી આકાશમાં વિહરવા માટે છોડી મૂકવામાં આવી હતી. મકરસંક્રાંતિ તો પૂર્ણ થઈ પણ દોરાઓ હજુ પક્ષીઓ માટે મોતના તાર બની ગુજરાતભરમાં લટકી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments