Homeગુર્જર નગરીજૂનાગઢની મહિલા કોન્સ્ટેબલના માતા-પિતાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા

જૂનાગઢની મહિલા કોન્સ્ટેબલના માતા-પિતાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેંદરડા ગામે વૃદ્ધ દંપતિના માથા પર બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ સાત લાખની લૂંટે સમગ્ર જિલ્લાને અચંભામાં મૂકી દીધું છે. મૃતકનું નામ રાજાભાઈ દેવદાનભાઈ જીલડિયા જ્યારે તેમની પત્નીનું નામ જાલુબહેન છે. તેઓ સીમમાં આવેલી પોતાની જમીનમાં બનાવેલ મકાનમાં રહેતા હતા અને તેમની પુત્રી જૂનાગઢમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે.

હત્યા થયાની જાણ કેવી રીતે થઈ?

આ ઘટના એવા સમયે બની જ્યારે બંને દંપતિ રાતના ઓસરીમાં ઘસઘસાટ ઉંઘતા હતા. એવામાં કોઈ અજાણ્યા શખ્સોએ તેમના માથા પર બોથડ પદાર્થના ઘા ઝીંકી તેમની હત્યા નીપજાવી નાખી હતી અને ઘરમાં રહેલા સાત લાખ રૂપિયા લઈ રફુચક્કર થઈ ગયા હતા. મોડી સવાર સુધી કોઈને પણ કમકમાટી ઉપજાવતી આ ઘટનાની ભનક સુદ્ધા લાગી નહોતી, પરંતુ સવારના 8-45 વાગ્યે ગામના કાજલબહેન આવ્યા ત્યારે તેઓ બેઉં પતિ-પત્નીની લાશ જોઈ ડઘાઈ ગયા હતા. ઓસરીમાં લોહીથી ખદબદતા મૃતદેહો પડ્યા હતા. બાદમાં તેમની જૂનાગઢમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી પુત્રી અને ટીનમસ ગામમાં ખેતી કરતા તેમના પુત્ર અશ્વિનને આ અંગેની જાણ કરી હતી. આસપાસના લોકોને પણ જ્યારે રાજાભાઈ અને જાલુબહેનની હત્યાના સમાચાર મળ્યા તો તેમના શરીરમાંથી લખલખુ પસાર થઈ ગયું હતું.

સાત લાખની લૂંટ મચાવી

ડબલ મર્ડરની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તેમને ઘરવખરી અસ્તવ્યસ્ત જોવા મળી હતી. ઘરમાંથી દાણા ભરવાની કોઠીમાં સ્ટીલના ડબ્બામાં રહેલા ત્રણ લાખ રૂપિયા જ્યારે અન્ય એક પેટીમાં ચાર લાખ જેવી કિંમતના રહેલા ઘરેણા ગાયબ થયા હોવાનું અશ્વિનભાઈ અને કુંવરબહેને જણાવ્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની અને હત્યારો કોઈ જાણભેદુ છે કે અપરિચિત તે દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments