Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગરવા ગઢ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. એટલું જ નહીં, યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે 3 મીટર પહોળો કરીને નવા જ પગથિયાનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ સૈદ્ધાંતિક મંજૂરી તેમણે આપી છે.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગિરનાર પર્વત પર તળેટીથી દત્તાત્રેય ટૂંક સુધી સમગ્ર પાયાની સુવિધાઓ ઉભી કરવા તેમજ ગિરનાર પર પાણી, વીજળીની વ્યવસ્થા હાથ ધરવા પણ આ વિકાસ યોજના અન્વયે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એવી દરખાસ્ત પણ રજુ કરવામાં આવી હતી કે રાજ્યના નાના-મોટા કુલ 22 જેટલા તીર્થધામોમાં કુલ 48 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્વાર, મરામત અને પાયાની સુવિધાના વિકાસ કામો હાથ ધરવામાં આવે. મુખ્યમંત્રી સમક્ષ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ બેઠકમાં રજુ કરવામાં આવેલી બધી જ દરખાસ્તોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

એટલું જ નહી, અંબાજી, પાવાગઢ અને દ્વારિકા યાત્રાધામોના વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરીને કેટલાક અગત્યના સૂચનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા હતા. તેમણે આગામી ભાદરવી પૂનમનો જે લોકમેળો અંબાજીધામ ખાતે સપ્ટેમ્બર મહિનામાં યોજાવાનો છે તેમાં યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવા સુદૃઢ આયોજન માટે સંબંધિત તંત્રવાહકોને સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના ધ્યેય મંત્ર સાથે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દરેક યાત્રાધામોમાં આવનારા યાત્રિકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરે તેવો પણ અનુરોધ કર્યો હતો. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અગ્ર સચિવ શ્રીમતિ મમતા વર્મા તેમજ પ્રવાસન સચિવ હરિત શુક્લા અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રાવલ સહિતના અધિકારીઓ જોડાયા હતા.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત