Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યા. ચોમાસાએ અહીં સિઝનના 100 ટકા વરસાદની હેટ્રીક નોંધાવી છે. સતત ત્રણ વર્ષ સાતત્યસભર અને સો ટકા પરિણામ આપતો વરસાદ! પણ ડેમ અને જંગલ વિસ્તાર હોવાના કારણે પાણીને સમાવાનો મોકો મળી ગયો છે અને જામનગર જેવી સ્થિતિ નથી સર્જાય. છતાં જૂનાગઢની આસપાસના તાલુકાઓ અને ગામડાના ખેતરો જળબંબાકાર બની ચૂક્યા છે.
બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ડેમ, તળાવ, નદી, ચેકડેમ બધુ છલકાય ગયું છે. પાણીની કિલ્લતનો અહીં શૂન્યઅવકાશ સર્જાયો છે. જૂનાગઢમાં પડેલા વરસાદ અને સંગ્રહાયેલા પાણીના જથ્થાને જોતા તો તેના આસપાસના તાલુકાઓની પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવી ગયો છે.
એવામાં જૂનાગઢ જિલ્લાના માણવદર તાલુકાના સરાડિયા ગામ પાસે ભાદર નદીનાં પાણી ફરી વળ્યાં હતાં. હાઈવેનું તો ધોવાણ થયું જ હતું પણ ખેડૂતોના ખેતરમાં પણ પાણી ઘુસી ગયું હતું. આ તસવીરો જોતા એવું લાગે છે કે ખેતર નહીં પણ નદી છે. પાણીના ભારે ધસારાના કારણે હાઈવેને બે દિવસ વાહન ચાલકો માટે બંધ કરવાની નોબત આવી ગઈ છે.
ગઈકાલે સાંજથી માત્ર ભારે વાહનોને પ્રવેશ મળ્યો હતો જ્યારે નાના વાહનો માટે હજુ પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ઉપરવાસમાંથી પાણીની ગતિ વધી જાય અને ક્યાંક નાના વાહનો તણાય જાય અને કોઈ અણછાજતો બનાવ બને આ માટે નાના વાહનોની પ્રવેશબંધી રાખવામાં આવી છે.
બીજી બાજુ ભાદરમાં ભરપૂર નવા નીરની આવક તો થઈ જ છે જેનો ગેરલાભ ખેતરોને થયો છે. ખેતરોમાં પાણી ઘુસી ગયા છે અને કેટલાય પાકને નુકસાન પહોંચ્યું છે. અસંખ્ય ગામો એવા છે જે સંપર્કવિહોણા બન્યા છે. બુધવારથી ધીમે ધીમે પાણીનું જોર ઘટતા અને નીર ઓસરવા લાગતા લોકો હાશકારાનો અનુભવ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે બે દિવસમાં સિઝનનો ત્રીસ ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ચાર મહિનાનું સાટું ચાર દિવસમાં વાળી નાખ્યું છે. જૂનાગઢ જિલ્લામાં તો આ સિઝનનો 100 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જૂનાગઢ જિલ્લા માટે તો આ સતત ત્રીજું એવું વર્ષ છે જ્યાં 100 ટકા વરસાદ ખાબક્યો હોય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત