Homeસાહિત્યચુનીલાલ મડિયાના પ્રતિનિધિ નિબંધો વિશે-મયૂર ખાવડુ

ચુનીલાલ મડિયાના પ્રતિનિધિ નિબંધો વિશે-મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: ચુનીલાલ મડિયાની વાર્તાકાર અને નવલકથાકાર તરીકેની ઓળખ જેટલી અચિરપ્રભા બની ત્રાટકી છે એટલી નિબંધકાર તરીકેની ઓળખ વિશે ભાગ્યે જ ચર્ચા થાય છે. વાર્તાકાર અને નવલકથાકાર મડિયાની સામે નિબંધકાર મડિયા ટૂંકા પડે છે. કદાચ મડિયાને પોતાના નિબંધકૌશલ્યને પૂરેપૂરું ખીલવવા જેટલો અવકાશ જોઈતો હતો, એટલો મળ્યો નથી, કારણ કે તેઓ આપણી વચ્ચેથી નાની ઉંમરે ચાલ્યા ગયા, છતાં મડિયા પાસેથી એવા પાંચેક નિબંધો તો મળે જ છે જેના પર ગુજરાતી સાહિત્ય ગર્વ કરી શકે. જેને કોઈ સંગ્રહમાં સ્થાન આપી શકાય અને મણિલાલ.હ.પટેલે આપ્યું પણ છે.

મડિયાના નિબંધોમાં ઘટનાઓ છે, પોતાના સમયમાં જીવેલા સાહિત્યનો ઈતહાસ છે, સાહિત્યકારો વિશેની વાતો છે. નિબંધતત્વમાં આવતી કાવ્યાત્મક શૈલીની લઢણ તેમાં દેખાતી નથી. નવલકથા અને વાર્તામાં જે ગામઠી શબ્દોના ઉસ્તાદ મડિયાવૈભવના દર્શન થાય છે એવું નિબંધમાં દેખાતું નથી. વાર્તાકાર અને નવલકથાકાર મડિયાની અંદર એક છુપો હાસ્ય લેખક આપણને દેખાય છે. તેમની સઘરા જેસંગનો સાળો કે સઘરા જેસંગનો સાળાનો સાળો કે પછી ઈચ્છાકાકા વાર્તામાં જે હાસ્યનો રણકો સ્મિત લહેરાવવા આવે છે, એ જ ક્યાંક ક્યાંક મડિયાના નિબંધોમાં દેખાશે.

નિબંધમાં મડિયા કડક બની જાય છે. જાણે કોઈ વડીલ ખખડાવતા હોય. નિબંધની અંદર ભલે નરમ સ્વરૂપના દર્શન થતા હોય પણ નિબંધનું શીર્ષક તો ડોળા કાઢતું જ દેખાય છે. ગુજરાત ગાંડી ગાંડી રે… મૂષક અને મૂળાક્ષરો, સત્યના શોધકો, આ શીર્ષકમાં ક્યાંક ને ક્યાંક મડિયાનો રોષ છતો થતો જોવા મળે છે. તેમની ભાષામાંથી પત્રકારત્વનો, કડક મિજાજનો સ્વાદ આવવા લાગે છે. કોઈ કોઈ જગ્યાએ એ હાસ્ય અને કટાક્ષ કરી નાખે છે. ધ્યાનથી વાંચીએ તો મડિયાના નિબંધનો મિજાજ કાઠલો પકડી ઘઘલાવી નાખવાનો છે. આવું એટલા માટે પણ શક્ય બને કે મડિયાએ એક સમયે પત્રકારત્વની ધૂણી પણ ધખાવેલી. મડિયાના નિબંધમાં આપણને પાક્કા કાઠિયાવાડિના દર્શન થશે.

અથ શ્રીગંદર્ભપ્રશસ્તિ નિબંધ જ જોઈ લો,‘વરસો પહેલાં વડોદરા ખાતે સાહિત્ય પરિષદ મળેલી ત્યારે કાઠિયાવાડના એ વેળાના એક રિયાસતી દીવાને પોતાના પ્રદેશનાં જંગલી ગધેડાઓનાં મોંફાટ વખાણ કરીને શ્રોતાઓને અનેકાઅનેક તર્કવિતર્કમાં નાખી દીધેલા. આ ગંદર્ભપ્રશસ્તિ સાંભળીને કવિલોકો તો આ નવા ભાવપ્રતીક ઉપર ભોળે ભાવે મુગ્ધ થઈ ગયેલા અને નટખટ પત્રકારોએ તો જંગલી ગધેડાંઓ વિશેના આ આખા વક્તવ્યને તત્કાલીન દેશસ્થિતિના નખશીખ રૂપક તરીકે જ ઘટાવેલું….’

શ્રોતાઓમાં સર્જકો પણ બેઠા હોય અને ગધેડા વિશે આવું આવું હશે તેવી તો એમને કોઈ દિવસ ખબર પણ નહીં હોય. મડિયાએ નિબંધમાં હંસ અને મયૂર નામના વાહન સરસ્વતીના છે અને તેના વિશે કંઈક લખી શકાય, પણ આ ગધેડાનું આવ્યું અને ગધેડામાં આવું આવું પણ હોય એ જાણીને તો સાહિત્યકારો/રસિકોની આંખો વિસ્ફારીત જ થઈ ગયેલી તે પ્રકારે ટાંક્યું છે.

મડિયાના ઉપર શીર્ષક જણાવ્યા તે ચાર નિબંધો વાંચ્યા હતા અને બાદમાં ગુર્જર પ્રકાશને જવાનું થયું ત્યારે બળવંતભાઈ જાની દ્વારા સંપાદિત ચુનીલાલ મડિયાના પ્રતિનિધિ નિબંધોનો ભેટો થઈ ગયો. એ કેટલા બધા પુસ્તકોની હારમાળા વચ્ચે નીચે દબાઈને પડ્યા હતા. સાવ જર્જરીત અવસ્થા નથી પણ બાઈડિંગ તૂટી પડે તોપણ ઘરના ગુંદરથી તેનો જીર્ણોદ્ધાર કરી શકું છું. આ પુસ્તકમાંથી આવતી સોડમ શૈશવમાં જે પુસ્તકો ખરીદતા તેનું સ્મરણ કરાવી દે એવી છે. ગમતાં પુસ્તકોમાંથી ગમતી સુવાસ મળે એ પણ ભાગ્યશાળીના લલાટે લખાયેલું હોય છે.

1999માં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ થઈ હતી. મારા હાથમાં જે પુસ્તક આવ્યું છે તે 1999ની પ્રથમ આવૃતિનું જ છે. તેને પાછળથી મૂષક મહારાજે કોતરી ખાધાનું સ્પષ્ટ દેખાય આવે છે. ને તોપણ આ પુસ્તકનું સૌષ્ઠવ મડિયાના કદ કાઠી જેટલું જ મજબૂત છે કે હજુ એક પણ પાનું છૂંટું નથી પડ્યું. આ પુસ્તકથી ખ્યાલ આવે છે કે પૂર્વસૂરીઓના પુસ્તકો તેમના લખાણ જેટલા જ મજબૂત બનતા હતા. ચુનીલાલ મડિયાના પુત્ર અને અચ્છા ચિત્રકાર અમિતાભભાઈ મડિયાએ તેનું મુખપૃષ્ઠ શણગાર્યું છે.  

વિદ્યાપ્રેમી ફાર્બસ નામના પ્રથમ નિબંધમાં મડિયાનું ધ્યાન માહિતી આપવા ઉપર ગયું છે. ખાસ્સો લાંબો એવો આ માહિતીપ્રદ નિબંધ ફાર્બસની સાથે સાથે ગુજરાતી સાહિત્યની તત્કાલિન સ્થિતિનો ચિતાર આપણી સામે ખડો કરે છે. ઠેકઠેકાણે કવિતાઓ પણ આપણી સામે આવી જાય છે. નિબંધના અંતમાં મડિયાનો ભાષા અને જોડણી પ્રત્યેનો સ્નેહ છલકાય આવે છે. એપ્રિલ-1966માં લખાયેલા આ નિબંધમાં મડિયા નોંધ ટપકાવે છે કે, ‘મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠી આદિ ફાર્બસકાલીન લેખકોના ઉદ્ધત અવતરણોની જોડણી યથાવત્ રાખી છે.’

રમણલાલ વસંતલાલ દેસાઈ ઉપર લખેલી તેમની શબ્દાંજલીનો અંતિમ ફકરો પણ ગુજરાતી ભાષા અને તેના લેખકોની લોકચાહના પર ઘણા સવાલો ઊભા કરે છે. ગુજરાતીમાં કોઈ ખ્યાતનામ લેખક ગુજરી જતો તો બીજા દિવસે અખબાર વાંચતા ખબર પડતી અને ત્યાં સુધીમાં તો તેમની અંતિમક્રિયા પણ થઈ ચૂકી હોય. આજે કોઈ ગુજરાતી લેખક ગુજરી જાય ત્યારે સોશિયલ મીડિયા પર અંજલિ આપવાનો સિરસ્તો શરૂ થયો છે. રુબરુ મુલાકાત તો કોણ લે?

રમણલાલ વસંતલાલ દેસાઈ ગુજરી ગયાના સમાચાર જ્યારે મળ્યા તો તેમની સ્મશાનયાત્રામાં જાણ્યા કરતા અજાણ્યા લોકોની મેદની વધારે હતી અને તે બધા આંસુ સારતા હતા. ગુજરાતીમાં આવું હવે નહીં બને અને ગુજરાતીમાં જ રમણલાલને આજે વાંચનારા નવોદિતો કેટલા? મડિયા લખે છે, ‘ચાર્લ્સ ડિકન્સના મૃત્યુ પ્રસંગે એને અંતિમ પુષ્પાંજલિ અર્પવા માટે ત્રણ દિવસ ને ત્રણ રાત સુધી અંગ્રેજ પ્રજાજનોની લાંબી લાંબી કતારો લાગેલી. અને આજે આટઆટલા દાયકાઓ વીત્યા પછી વેસ્ટમિનિસ્ટર એબીમાં ડિકન્સની કબર ઉપર રોજેરોજ એના પ્રશંસકોની પુષ્પાંજલિઓનો ખાસ્સો ઢગલો થાય છે.’

નિબંધનો આ અંતિમ ફકરો વર્તમાન સમયે ગુજરાતી લેખકોની લોકપ્રિયતા પર સવાલો ઊભા કરે છે. તેઓ જીવે છે, તેઓ લખે છે, તેઓ ગુજરી જાય છે, પછી કાં તેઓ યાદ રહે છે કાં તેઓ અલોપ થઈ જાય છે, કેટલાક દુર્ભાગ્યશાળીઓનાં તો પુસ્તકો પણ નથી મળતા. રમણલાલને એ સમયનો વર્ગ યાદ કરતો, આજે તેમને એટલું કોઈ યાદ કરતું નથી. સામે ચાર્લ્સ ડિકન્સને જુઓ. અમદાવાદના એક ખ્યાતનામ બુકસ્ટોરમાં રમણલાલનું ભારેલો અગ્નિ છેલ્લા બે વર્ષથી ધૂળ ખાતુ પડ્યું છે. બિચારા રમણલાલ.

મડિયાના પ્રતિનિધિ નિબંધોમાં સાહિત્યકારો અને સાહિત્ય ઉપર વધારે ચર્ચા થઈ છે. એ યુગને ફરી જીવવો હોય તો આ નિબંધો શ્રેષ્ઠ છે. સંપાદક બળવંત જાનીએ પુસ્તકની પ્રસ્તાવનામાં ખરું લખ્યું છે, ‘મડિયાએ નિબંધસ્વરૂપમાં વિવિધ પ્રકારનું જે સર્જન કર્યું છે એ બધું એકસાથે ગ્રંથસ્થ કરવાનું અને વિગતે મૂલવવાનું બાકી છે.’ મડિયાની નિબંધકાર તરીકેની ઓળખ તો ક્યારની છતી થઈ ગઈ છે, પણ વાર્તાકાર અને નવલકથાકાર મડિયાનો આજેય ઝળહળતો ને મધ્યાહને તપતો સૂર્ય મડિયાની જ આવી કેટલીય ખાસિયતોની આડે આવી ગયો છે. કોને ખબર છે કે મડિયાએ સરસ સોનેટ પણ લખ્યા છે?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments