Homeગુર્જર નગરીજૂનાગઢ: આ વર્ષે કેરી 25 દિવસ મોડી આવી શકે છે, આટલું રહેશે...

જૂનાગઢ: આ વર્ષે કેરી 25 દિવસ મોડી આવી શકે છે, આટલું રહેશે ઉત્પાદન

Team Chabuk-Gujarat Desk: શિયાળાની વિદાય થઈ. કાળઝાળ ઉનાળાના દિવસો શરૂ થવાના છે અને એ સાથે જ શરૂ થશે ફળોના મહારાજા કેરીનું આગમન. દર વર્ષે આંબામાં મોર આવે તે પૂર્વે જ આ વર્ષે કેરીનો પાક કેવો રહેશે તેનો અડસટ્ટો લગાવવામાં આવે છે. ગત વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા અસંખ્ય આબાના ઝાડને નુકસાન પહોંચ્યું હતું. મોટાભાગે એવું થાય છે કે આંબામાં કેટલાક મોર ખરી પડે છે, કેટલાક ખાખડીમાં જાય છે, કેટલીકને વાતાવરણ અને ઈયળ નુકસાન કરે છે અને બાકીના કેરીમાં પરિણમે છે. ત્યારે આ વર્ષે કેરીની સિઝન કેવી રહેશે વિશે જાણીએ.

આ વર્ષે વાતાવરણમાં પરિવર્તનનું વર્ષ રહ્યું. ગમે ત્યારે મેઘરાજા આકાશમાં આવી ચડતા આંબાના પાકને નુકસાન તો પહોંચ્યું જ છે. આ વર્ષે એક તો ફૂટ મોડી પડી છે. ગીર સોમનાથ સિવાય જૂનાગઢ જિલ્લાની નજીક આવેલા વંથલી, માંગરોળ અને કેશોદ તાલુકામાં પણ કેરી થાય છે. આ તાલુકાઓને તો કેસર કેરીનું જન્મસ્થળ ગણવામાં આવે છે. ત્યારે અહીં પણ બંધારણ મોડું થયું છે.

આ વર્ષે કેરી ક્યારે આવશે તેના પર પ્રકાશ પાડતા ખેડૂતોએ જણાવ્યું હતું કે આંબાવાડીઓમાં સામાન્ય રીતે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં મોર આવી જતા હોય છે. જે આ વર્ષે માર્ચ મહિનામાં પણ બંધારણ જોવા મળી રહ્યું છે. ઉત્પાદન પણ 30 થી 35 ટકા જ થવાનો અંદાજ છે. જેથી કેશોદ અને વંથલી પંથકની કેસર કેરી બજારમાં 25 દિવસ મોડી આવી શકે છે. જો ચોમાસાની સિઝન નજીક આવી જશે તો ખેડૂતોને ગત વર્ષની જેમ આ વર્ષે પણ નુકસાન સહન કરવું પડી શકે છે.

વાતાવરણ અને બંધારણ સિવાય કેરીમાં ઈયળનો ઉપદ્રવ પણ રહે છે. ખેડૂતોનું એમ પણ કહેવું છે કે આંબાવાડીઓમાં હોળીના તહેવાર બાદ સરેરાશ કેટલું ઉત્પાદન રહશે તેનો અંદાજ લગાવી શકાય છે. જણાવી દઈએ કે વંથલી મેંગો માર્કેટમાં આશરે 20 કિમીની ત્રિજ્યામાંથી કેરીની આવક થાય છે. જેમાં શાપુર, કાજલીયાળા, ધંધુસર, નાવડા, સાંતલપુર, કેશોદનાં મઘરવાડા, માણેકવાડા સહિતના ગામોમાંથી ખેડૂતો કેરીના વેચાણ અર્થે આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments