Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં દરગાહ હટાવવાની નોટિસ મળતાં જ તોફાની તત્વોએ આતંક મચાવ્યો. લઘુમતી કોમના 500 જેટલા લોકોના ટોળા પર પોલીસ પર પથ્થરમારો કર્યો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. DySP સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત ટોળાએ વાહનોમાં તોડફોડ કરી આગચંપી પણ કરી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં પોલીસે 174 લોકોની અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી. પાંચ દિવસમાં તંત્રએ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે સૂચના આપી હતી. જો કે, કેટલાક લોકોએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો અને મોડી રાત્રે લઘુમતી સમાજના લોકોનાં ટોળાં એકત્રિત થયાં હતાં. પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થઈ હતી. એમાં પથ્થરમારો થતાં પોલીસ દ્વારા ટીયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા.
જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા પીએસઆઇ મારુ તેમજ અન્ય પોલીસકર્મીઓને ઈજા થઈ હતી. હાલમાં સમગ્ર સ્થિતિને કાબૂમાં લેવા જૂનાગઢ પોલીસે 174 લોકોને ઝડપી લીધા છે તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ શરૂ રાખવામાં આવ્યું છે.
#WATCH | Stones pelted, cops injured after a mob protest against the anti-encroachment drive in Gujarat’s Junagadh last night
— ANI (@ANI) June 17, 2023
(Note: Abusive language) pic.twitter.com/8wRw0YgO3z
જૂનાગઢ જિલ્લા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે મજેવડી ગેટ પાસે ગેબનશા પીરની દરગાહને લઇ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નોટિસ લગાવવામાં આવી હતી અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા બે નોટિસ લગાવવામાં આવી હતી, જેને લઇ મુસ્લિમ સમાજ એકઠો થયો હતો, જેમાં 500થી 600 લોકો એકત્રિત થયા હતા. એને લઇ કોઈપણ પ્રકારનો પણ બનાવ ન બને એ માટે ડીએસપી સહિતનો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતે પોલીસ અને એકત્રિત થયેલા માણસો વચ્ચે સમજૂતીની એક કલાક સુધી વાત ચાલી હતી, ત્યારે જે લોકોએ રોડ બંધ કરવા માટે તૈયારી બતાવી હતી એને લઈ પોલીસ દ્વારા આ લોકોને રોકવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસની એક બાઇકની પેટ્રોલની ટાંકીમાં દીવાસળી ચાપીને સળગાવવામાં આવી હતી. જ્યારે અહીંથી પસાર થતી જૂનાગઢ-વિજયનગર એસટી બસને રોકી હતી અને એમાં તોડફોડ કરી હતી અને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત બેકાબૂ બનેલા ટોળાએ મજેવડી ગેટ પાસે આવેલી મજેવડી પોલીસચોકી ઉપર હુમલો કર્યો હતો અને એમાં પણ તોડફોડ કરી હતી. પોલીસ અને એકત્રિત થયેલા લોકો સામસામે આવી ગયાં હતાં, જેમાં જૂનાગઢ ડીએસપી તેમજ બીજા પોલીસકર્મીઓને ઈજા થઈ હતી.
ઘટના બનતાં જૂનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી અને કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. મજેવડી ગેટ વિસ્તારમાં પૂરી રાત કોમ્બિંગ કરાયું હતું, જે બાદ 174થી વધુ લોકોને રાઉન્ડ ઓફ કર્યા હતા તેમજ સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
બીજી તરફ સવાલ એ છે કે, ઘટના પૂર્વઆયોજિત હતી કે અચાનક બનેલી ઘટના હતી ? જો પૂર્વઆયોજિત કાવતરું ન હતું તો મોટી માત્રામાં પથ્થરો ક્યાંથી આવ્યા ? હાલ પોલીસે આ તમામ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત