Team Chabuk-Gujarat Desk: દિનપ્રતિદિન ઓનલાઈન ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે. જેમાં ક્રમશ: વારો આવ્યો છે પોરબંદરના હોમગાર્ડનો. હોમગાર્ડના આ જવાનને ફેસબુકમાં બાઈક દેખાઈ અને તેને ખરીદવા માટે આપેલ નંબર પર ફોન કર્યો હતો. સામેથી વ્યક્તિએ આર્મીમેન છું એમ કહી વિશ્વાસમાં લઈ એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ગણતરીની સેકન્ડમાં જ 1.86 લાખ ચાઉં કરી ભાગી છૂટ્યો હતો. હોમગાર્ડના જવાનને આ વિશે જ્યારે ભાન થયું કે તેને ચૂનો લગાડી દીધો છે તો તેણે જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર ઘટના પોરબંદરના રાવલિયા પ્લોટ વિસ્તારના રહેવાસી અને હોમગાર્ડમાં ફરજ બજાવતા યોમેશભાઈની સાથે બની છે. તેમણે ફેસબુક પર એક બાઈક જોઈ હતી. તેમને ખરીદવાનું મન થયું તો નીચે આપેલા નંબર પર ફોન જોડ્યો. ફોન આવ્યો અને યોમેશભાઈને સાણસામાં લેતા સામેની વ્યક્તિએ અમદાવાદના હનુમાનકેમ્પ ખાતે આર્મીમેન તરીકે નોકરી કરું છું જેવી વાતો કરી હતી. આથી યોમેશભાઈ વિશ્વાસમાં આવી ગયા હતા. તેણે યોમેશભાઈને પોતાની બદલી થઈ હોઈ બાઈક વેચી નાખવાનું જણાવ્યું હતું.
સામેની વ્યક્તિએ એટલી મોકળા મને વાત કરી હતી કે યોમેશભાઈ ફસાતા ગયા હતા. એમાંય આર્મીનું નામ સાંભળતા યોમેશભાઈ આ ઓનલાઈન ગઠિયાએ રચેલા કાદવામાં ખેંચતા ગયા હતા. તેણે યોમેશભાઈના વોટ્સએપ પર બાઈકનાં ફોટા મોકલ્યા હતા. એ પછી અન્ય એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે 26,996 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા. ટ્રાન્સફર કરાવનારાએ કહ્યું કે, મારા સિનિયર અધિકારીઓ તમને ફોન કરશે. અસલી રમત એ પછી શરૂ થઈ.
ફોન પે કસ્ટમર કેરના અધિકારીના નામનો ફોન આવ્યો. તેણે યોમેશભાઈ પાસે એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને 1.53 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ટોટલ 1.86 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ બાદમાં યોમેશભાઈએ જૂનાગઢ રેન્જ સાયબર પોલીસને જણાવતા તેમણે તપાસ આરંભી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત