ઝાલાવાડી જલજીરા: દસ એપિસોડ સુધીની એક સિઝન. એ પછી બીજી સિઝન. એ પછી ત્રીજી સિઝન. થોડુ હજુ લંબાવવું હોય તો ચોથી સિઝન અને પછી લાગે કે અંત કરી જ દેવો છે તો પાંચમી સિઝન સાથે પૂર્ણવિરામ મૂકવામાં આવે. આવી લાંબી સિરીઝોની સામે એક નવો વિકલ્પ ઊભો થયો છે કે પચાસ મિનિટનાં એપિસોડની સાથે એ વાર્તા જ આખી પૂરી. ખાધુ, પીધું ને રાજ કર્યું. અનુરાગ કશ્યપ, દિબાકર બેનર્જી, કરણ જોહર, ઝોયા અખ્તરે ટૂંકી ટૂંકી કથાઓનાં મિશ્રણ સાથે ઘોસ્ટ સ્ટોરીઝ, લસ્ટ સ્ટોરીઝ, બોમ્બે ટોકિઝ જેવી ફિલ્મો બનાવી જ છે. આ તેનાથી થોડું મોટું સ્વરૂપ થઈ ગયું. જેમાં વિસ્તૃત દેખાડવામાં આવે.
વાત થાય છે વેબ સિરીઝ રેની. સત્યજીત રે જેવા ક્લાસિક દિગ્દર્શક તો ઠીક પણ ફિક્શન રાઈટરે જ્યારે લખેલું હોય તો એ પડદા પર કેવું લાગે? કોઈ પણ દિગ્દર્શક પર રે એ લખેલી કથા પડદે ઉતારવાનું કામ આકરું રહેવાનું. જવાબદારી રહેવાની. સસ્પેન્સ, સાઈકોલોજીકલ થ્રિલર, સાયન્સ ફિક્શન…. વાર્તાઓ વાંચનારને અપેક્ષા તો હોય જ કે છે એનાં કરતા વધારે મળશે. મળે છે?
ચાર એપિસોડની સિરીઝ છે. સફળથી નિષ્ફળ તરફ જઈએ તો એપિસોડને 3-2-1-4નો ક્રમાંક આપવો હિતાવહ રહેશે. ત્રીજો એપિસોડ ખૂબ જ સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યો છે. સૌથી ભંગાર ચોથો એપિસોડ છે. જેમાં અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન ફિલ્મ સ્ટાર બન્યા છે. હકીકતે બને કે નહીં અહીં તો લ્હાવો મળ્યો! ટેકનિકલી સૌથી મજેદાર અને રોમાંચ ઉત્પન્ન કરતો બીજો એપિસોડ છે. પ્રથમ એપિસોડ હવે શું થશે? હવે શું થશે? હવે શું થશે? તેની રાહ જોવડાવનારો છે.
આ તમામ એપિસોડ 2021માં લઈ જાય છે. જ્યાં મોબાઈલ છે, લેપટોપ છે, વિકાસ છે. વાર્તાઓમાં આવું કંઈ નથી. ઘણી વેબસાઈટો એ વાતનો તફાવત દર્શાવી જ ચૂકી છે કે મૂળ વાર્તા અને ચારે એપિસોડમાં કેટલો તફાવત રહેલો છે. પહેલા એપિસોડમાં અલી ફઝલ ખૂબ જ હેન્ડસમ લાગે છે. એ આખો એપિસોડ કૌશલ્યનાં અભિમાન, બદલો અને લાલચના પાયા ઉપર ઊભો છે. બીજો એપિસોડ પણ ઘમંડ, બદલો લેવાની ભાવના અને પૈસા આવતા માણસ કેવો છકી જાય તેના પર છે. ત્રીજો એપિસોડ ધારણા, ચોરી અને ખોટું બોલવા પર છે. ચોથો એપિસોડ ધર્મ પર કરવામાં આવેલ કટાક્ષ છે. એ ખૂબ આકરો એપિસોડ છે. અંતમાં તો કાંઈ સમજી જ નથી શકતા કે આ શું થઈ ગયું?
ત્રીજા એપિસોડને છોડવામાં આવે, જેમાં વાત ઉર્દુ ગઝલ પેશ કરતા મનોજ બાજપેયીની છે અને તેમનો લુક પણ ગુલામ અલીને ધ્યાનમાં રાખીને જ ક્રિએટ કરવામાં આવ્યો છે તો બાકીના તમામ એપિસોડ 65 ટકા અંગ્રેજી ભાષાના સંવાદો પર નભેલા છે. ઈઝી છે. એ બહાને અંગ્રેજી શીખવાનો લ્હાવો મળશે. પ્રથમ એપિસોડમાં તો હિન્દી ક્યાં ક્યાં આવે છે એ નોટ કરીને રાખો તો માંડ પચ્ચીસ ત્રીસ લીટી થતી હશે.
બીજી અને ચોથા નંબરની વાર્તા વચ્ચે ધર્મને લઈ ખૂબ મોટો વિરોધાભાસ દર્શાવ્યો છે. એ બંને નાસ્તિકમાંથી આસ્તિક બનાવતી કથા છે. કે.કે.મેનનની વાર્તામાં ભગવાનને વારંવાર દોષ આપતો વ્યક્તિ છે જેને પરચો મળે છે. ચોથી વાર્તા સ્પોટલાઈટ જે હર્ષવર્ધન કપૂરની છે તે અંધશ્રદ્ધાના પાયા પર રચાયેલી છે. હીરો સિવાય તમામ લોકો ઢોંગી દીદીમાં માને છે. હવે તે ઢોંગી છે કે સુપરનેચરલ પાવર ધરાવે છે એ આપ ખૂદ જોઈને ચકાસી લેજો.
સૌથી ઉમદા વાર્તા જેનું પિક્ચરાઈઝેશન અદભુત છે. જેની કથા બેમિસાલ છે. પ્રોટોગોનિસ્ટનું નેરેશન પુલકિત કરી દે છે. એ કથા છે મનોજ બાજપેયી અને ગજરાજ રાવની. અભિનયથી ઉત્તમ. ખારીશિંગનો એક પણ દાણો બગડેલો આડો ન આવે અને ખાવાની મજા જ આવ્યા રાખે એવી આ વાર્તા છે. બીજી અને ચોથા નંબરની વાર્તા જેમ ધર્મને કેન્દ્રસ્થાને લાવી ટેલેન્ટનાં ઘમંડની વાત કરે છે તેનાથી અલગ ત્રીજા નંબરની વાર્તા નસીબની વાત કરે છે. મનોજ બાજપેયીની વાર્તાના અંતમાં તો સત્યજીત રે પણ છે. કેવી રીતે? એ તમે જોઈને તપાસ કરજો.
ચારે એપિસોડના નાયકમાંથી પ્રથમ ત્રણનાં નાયકો નંબરના ચશ્મા પહેરે છે. ચોથા એપિસોડ સ્પોટલાઈટનો નાયક સનગ્લાસીસ પહેરે છે. ચારેય ટેલેન્ટેડ છે. ચારેયની કોઈને કોઈ નબળાઈ છે. એક ખૂદમાં માને છે, બીજો ભગવાનમાં નથી માનતો, ત્રીજો ભગવાનમાં માને છે, ચોથો વ્યક્તિ પૂજામાં નથી માનતો. આ ચારે એપિસોડના નાયકો બે-બે હાથ કરવામાં સક્ષમ ન હોવા છતાં કરવા માટે તલપાપડ થાય છે. કોઈને પૈસાનું એડિક્શન, કોઈને ટેલેન્ટ બતાવવાનું એડિક્શન, કોઈને લોકપ્રિયતાનું એડિક્શન.
બીજી, ત્રીજી અને ચોથીની વાત તો થઈ પણ પ્રથમ નંબરની વાર્તા એ ગોબેલ્સના પ્રચાર જેવી છે. જુઠ્ઠુ બોલો, વારંવાર બોલો અને જોરથી બોલો તો સામેની વ્યક્તિ અસત્ય પકડાઈ ન જાય ત્યાં સુધી તો માનવાની જ માનવાની. પ્રથમ વાર્તા અંધારામાં કાળું કુંડાળું કરે છે અને કુંડાળું બરાબર જગ્યાએ ફિટ બેસે છે. ત્રીજી વાર્તાને છોડતાં બધી વાર્તાઓ ડાર્ક છે. ત્રીજી વાર્તા હાસ્યપ્રધાન છે બાકીની સમસ્યાપ્રધાન છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત