Homeગુર્જર નગરીજૂનાગઢનો શિવરાત્રીનો મેળો બંધ રહે તો કેટલું નુકસાન ?

જૂનાગઢનો શિવરાત્રીનો મેળો બંધ રહે તો કેટલું નુકસાન ?

Team Chabuk-Gujarat Desk: વર્ષે એક વખત આવતો અને લાખો કરોડોની કમાણી કરાવી જતો શિવરાત્રીનો મેળો આ વખતે જૂનાગઢમાં ન યોજાવાના કારણે વેપારીઓને ભારે નુકસાન થશે. કોરોનાના કારણે આ વખતે મેળો નહીં ભરાય પણ મેળાનાં કારણે જ આજુબાજુના વેપારીઓને મોટી માત્રામાં નુકસાન થશે તે નક્કી છે.

જૂનાગઢની આસપાસના વેપારીઓને તો ઠીક પણ જૂનાગઢ રાજ્યનું મોટું પ્રવાસનધામ હોવાનાં કારણે પ્રવાસનને પણ ખરા ટાણે જ વેગ નહીં મળે. કારણ કે ભવનાથના મેળાનો આનંદ લૂંટ્યા બાદ લોકો વિવિધ પ્રવાસન સ્થળોએ જતા હોય છે. જેમાં સક્કરબાગ, ઉપરકોટ, ગિર અભ્યારણ્ય, મકબરો, અશોકનો શિલાલેખ અને હવે તો રોપ-વે ને ગિરનાર સિંહ સદનને પણ મૂકી શકાય. જેથી જૂનાગઢમાં જો શિવરાત્રીનો એક મેળો ન થાય તો સામાન્ય વેપારીઓને તો જશે ને જશે જ પણ સરકારને પણ મસમોટું નુકસાન જશે.

શા માટે રાખવામાં આવ્યો બંધ ?

કોરોનાના કારણે શિવરાત્રીનો મેળો બંધ રાખવો એ આમ પણ હિતાવહ ભર્યું પગલું છે કારણ કે દર વર્ષે થતા મેળામાં મુલાકાતીઓની સંખ્યા રેકોર્ડબ્રેક હોય છે. ઉપરથી જૂનાગઢના મેળાની મજા માણવા માટે જૂનાગઢની આસપાસના ગામડાથી લઈને વિદેશ વસવાટ કરતા લોકો પણ તૂટી પડે છે. જૂનાગઢમાં કોરોનાનો વિસ્ફોટ નથી થયો, એમાં આયોજન કરવામાં આવે અને અચાનક સંખ્યા વધી જાય તો તંત્ર માટે પણ માથાના દુખાવા સમાન સ્થિતિ સર્જાય. આવામાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ થવાની શક્યતા હોવાથી શિવરાત્રીનો મેળો બંધ રાખવો એ ઉચિત છે.

નુકસાન કેટલું ?

જૂનાગઢના ભવનાથનાં મેળામાં કેટલાક વેપારીઓને વર્ષે એક વખત ભરપૂર કમાણી કરવાની તક મળે છે. જેમાં ખાણી પાણીથી લઈને રમકડાંના સ્ટોલ અને વિવિધ દુકાનોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં લોકો ભવનાથ મેળામાં લટાર માર્યા પછી ત્યાંથી જૂનાગઢની બજારમાં પણ જાય છે અને ખરીદી કરે છે. જેથી જૂનાગઢ માટે કમાણીનો આ જ એક તહેવાર અને ઉત્સવ ગણો તો ઉત્સવ છે, પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ન યોજાઈ રહેલા શિવરાત્રીના મેળામાં 50 કરોડથી વધારેની આવક મેળવતા વેપારીઓને ખોટ જશે.

સોનાપુરી સ્મશાને પોલીસનો મેળો

સોનાપુરી સ્મશાનની પાસે જ પોલીસે સઘન ચેકિંગની કાર્યવાહી આરંભી દીધી છે. જેમાં તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. ભવનાથ તરફ જતા માર્ગો પર પ્રવેશ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. અહીં આવતા વાહનોનું પણ થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવે છે અને બાદમાં જ પ્રવેશ કરવા દેવામાં આવે છે. એટલું જ નહીં જે લોકો અન્નક્ષેત્રમાં સેવા આપવાનું કાર્ય કરી રહ્યા છે તેમના આધાર પૂરાવા યોગ્ય રીતે તપાસીને જ અંદર જવા દેવામાં આવે છે. જેથી શિવરાત્રીના વર્ષ 2021નાં મેળામાં પ્રવેશવાળા વાહનો અને લોકોને જ જવા દેવાની અનુમતિ છે. બાકીનાઓ માટે પ્રવેશ નિષેધ.

રોપ-વે પણ બંધ

ગિરનારની તળેટી પર યોજાતા ભક્તિ અને ભોજનના સમન્વય સમાન શિવરાત્રીના પાવનપર્વે યોજાતો મેળો તો બંધ રહેશે જ પણ તેની આડઅસર ગિરનાર રોપ-વેને પણ થઈ છે. તારીખ 12 માર્ચ સુધી રોપ-વે બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. જેના કારણે આશરે પચાસ લાખનું નુકસાન જવાની સંભાવના છે. રોપ-વેની દૈનિક આવક 7થી8 લાખ રૂપિયા ગણવામાં આવે છે. એવામાં જો શિવરાત્રીના મેળા દરમિયાન રોપ વે ખુલ્લો મુકવામાં આવે તો જનતા બેઉં જગ્યાએ લટાર મારે. આ કારણે પાંચ દિવસ રોપ-વે પણ બંધ રાખવામાં આવ્યો છે.

પહેલી વખત નથી

ગુજરાતની જનતાને એવું લાગતું હશે કે શિવરાત્રીનો મેળો પ્રથમ વખત બંધ થયો છે. એવું નથી. આ પહેલા 1945 અને 1946ની સાલમાં પણ મેળો બંધ રહ્યો હતો. એ વખતે અનાજની અછત તથા શીતળા રોગની મહામારીએ હેરાન કરી દીધાં હતાં. આ કારણે મેળાને બંધ કરવાની ફરજ પડી હતી. આ વખતે કોરોના મહામારી મેળા પર ગ્રહણ બનીને ત્રાટકી છે. 1944-45ની સાલમાં તો વિશ્વમાં બીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ વાગતા હતા. આખરે જાપાનના હિરોશીમા અને નાગાસાકીમાં અમેરિકાએ પરમાણુ બોમ્બ ફોડ્યો ત્યાર પછી યુદ્ધનો અંત આવ્યો હતો. જોકે એ વખતે અનાજની અછતના પગલે મેળો બંધ રાખવાની ફરજ પડી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments