Team Chabuk- Political Desk: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શોર-બકોર શાંત થઈ ગયો છે. હવે જ્યાં બહુમતિ મળી ગઈ છે ત્યાં હોદ્દાઓ માટેનું મનોમંથન ચાલી રહ્યું છે. ઘણી તાલુકા પંચાયત એવી પણ છે જ્યાં ભાજપ કે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ નથી મળી અથવા તો અપક્ષો કિંગમેકરની ભૂમિકામાં છે. આવી પંચાયતોમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને સત્તા માટે તાકાત લગાવી રહી છે. આવી જ એક તાલુકા પંચાયત એટલે ભેંસાણ તાલુકા પંચાયત.
જૂનાગઢ જિલ્લાની ભેંસાણ તાલુકા પંચાયતમાં મતદારોએ કોંગ્રેસને બહુમતિ આપી છે. ચૂંટણીના પરિણામોમાં કુલ 15 બેઠકોમાંથી 9 કોંગ્રેસના ફાળે ગઈ હતી જ્યારે 7 બેઠક ભાજપને મળી હતી. પરંતુ પરિણામના બે દિવસ બાદ કોંગ્રેસના જીતેલા બે ઉમેદવારોએ ભાજપ કાર્યાલયે જઈને કેસરીયો ધારણ કરી લેતાં કોંગ્રેસના હાથમાંથી તાલુકા પંચાયત ભાજપના હાથમાં ચાલી ગયાનો ઘાટ સર્જાયો હતો. જો કે ભાજપમાં ગયેલા બે ઉમેદવારોએ બીજા જ દિવસે કોંગ્રેસમાં જ હોવાનું કહેતા ભેંસાણ કોંગ્રેસના જીવમાં જીવ આવ્યો હતો.
સમગ્ર રાજકીય ખેલની વિસ્તારથી વાત કરીએ તો, ભેંસાણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 15 બેઠકોમાંથી 9 બેઠક કોંગ્રેસને અને 7 બેઠક ભાજપને મળેલી. કોંગ્રેસ પાસે બહુમતિ હતી. પરંતુ ભાજપનો ડોળો સત્તા હાંસલ કરવા પર હતો. તેથી તેને ગમે તે ભોગે બે કોંગ્રેસના ઉમેદવારોને ભાજપમાં ભેળવવાનો મનસુબો ઘડી કાઢ્યો હતો. આ પ્લાનમાં ભાજપ સફળ પણ થયું.

ભેંસાણ તાલુકા પંચાયતની રાણપુર-2 બેઠકના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર દીલુભાઈ દેવાયતભાઈ વાંક અને ગળથ બેઠકના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર રવજીભાઈ ઠુમ્મર શુક્રવારે ભાજપ કાર્યાલયે ગયા હતા. ત્યાં તેઓને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કેસરીયો ખેસ પહેરાવી દીધો. કેસરીયો પહેરીને બન્ને ઉમેદવારોએ હાથ ઉંચા કરીને વિક્ટ્રીની નિશાની પણ દર્શાવી. આ સમાચાર મળતાં જ કોંગ્રેસમાં ભુકંપ આવી ગયો. જ્યારે તડજોડની નીતિથી ભાજપને બહુમતિ મળી ગયાનો આનંદ થયો.
પરંતુ ભાજપનો આ ઉન્માદ 24 કલાક પણ ન ટક્યો. ભાજપનો કેસરીયો ધારણ કરનાર બન્ને વિજેતા કોંગી ઉમેદવાર ફરી ગયા અને પાછા શનિવારે કોંગ્રેસમાં જોડાઈ ગયા. ભાજપનો કેસરીયો ધારણ કરનાર દીલુભાઈ વાંક અને રવજીભાઈ ઠુમ્મરે ફરી પાછા કોંગ્રેસમાં આવી જતાં કોંગ્રેસને પાછી ભેંસાણ તાલુકા પંચાયતમાં બહુમતિ મળી ગઈ છે. જ્યારે ભાજપના સત્તામાં બેસવાના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં અને ફરી પાછા કોંગ્રેસમાં જોડાનાર વિજેતા ઉમેદવાર દીલુભાઈ વાંક અને રવજીભાઈ ઠુમ્મરે દાવો કર્યો છે કે, તેઓ ભાજપ કાર્યાલયે મળવા માટે ગયા હતા. પરંતુ ત્યાં અમોને ભાજપના નેતાઓએ ખેસ પહેરાવી દીધા હતા. અમે કોંગ્રેસમાં જ છીએ અને કોંગ્રેસમાં જ રહીશું.
મહત્વનું છે કે જૂનાગઢ જિલ્લામાં કુલ 9 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી જૂનાગઢ, માણાવદર, વિસાવદર, કેશોદ, માળિયા અને માંગરોળ તાલુકા પંચાયતમાં ભાજપને બહુમતિ મળી છે. જ્યારે ભેંસાણ અને મેંદરડામાં કોંગ્રેસને બહુમતિ છે તો વંથલી તાલુકા પંચાયતમાં ભજપ અને કોંગ્રેસને એક સમાન 8-8 બેઠકો મળી છે. આ સંજોગોમાં ભાજપ બાકી રહેલી તાલુકા પંચાયતોમાં તડજોડની નીતિ અપનાવીને સત્તા હાંસલ કરવાના પ્રયત્નો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત