Homeગુર્જર નગરીજૂનાગઢની આ સ્કૂલે જે કર્યું એ દરેક સ્કૂલ કરે તો દર્દીઓને બેડ...

જૂનાગઢની આ સ્કૂલે જે કર્યું એ દરેક સ્કૂલ કરે તો દર્દીઓને બેડ શોધવા ન પડે

Team Chabuk-Gujarat Desk: કોરોના વાઇરસના કારણે ગુજરાતમાં દર્દીઓની સ્થિતિ કફોડી બની છે. દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. ઘણી જગ્યાએ બેડ મેળવવામાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. તેવામાં જૂનાગઢની એક ખાનગી શાળાના સંચાલકોએ માનવતાનો ધર્મ નિભાવીને દર્દીઓની મુશ્કેલી હળવી કરવાનું કાર્ય કર્યું છે. જૂનાગઢની સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલના સંચાલકોએ શાળામાં જ કોવિડ સેન્ટર ઉભું કરી દીધું છે. જૂનાગઢની આ એવી પ્રથમ ખાનગી શાળા છે જ્યાં કોરોના દર્દીઓ માટે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હોય.

જૂનાગઢ શહેરમાં રમેશ પઢીયાર અને અમિત બોદર વર્ષોથી સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ નામની સ્કૂલ ચલાવી રહ્યા છે. મહામારીના આ સમયમાં તેમની સ્કૂલ લગભગ એક વર્ષ ઉપરથી બંધ પડી છે. ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ હોવાથી સ્કૂલમાં વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા ત્યારે રમેશભાઈ અને અમિતભાઈએ થોડા દિવસ પહેલાં જ દર્દીઓની દયનીય હાલત જોઈને શાળામાં જ કોવિડ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને રામનવમીના દિવસથી જ સ્કૂલમાં કોવિડ સેન્ટર શરૂ કરી દીધું હતું.

કેવી રીતે આવ્યો વિચાર

ધ ચાબુકને શાળા સંચાલકોએ જણાવ્યું કે, જ્યારે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ત્યારે અનેક સગા-સંબંધી અને મિત્રોના બેડ અને ઓક્સિજન માટે ફોન આવી રહ્યા હતા. પરંતુ ખાનગી કે સરકારી હોસ્પિટલોમાં જગ્યા ન હોવાથી અમે તેઓની મદદ ન કરી શકવા માટે લાચાર હતા. તેથી અમે અમારી બંધ પડેલી સ્કૂલમાં જ કોવિડ સેન્ટર શરૂ કરવાનું નક્કી કર્યું હતું અને માત્ર બે દિવસની અંદર તમામ સુવિધા ઉભી કરીને રામ નવમીના દિવસથી જ આ કોવિડ સેન્ટરનો પ્રારંભ કરી દીધો હતો. આ કોવિડ સેન્ટર શરૂ થતાં અનેક દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

સંચાલકોના જણાવ્યા અનુસાર સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ નામની આ ખાનગી શાળામાં હાલ 50 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાંથી 15 બેડ ઓક્સિજનના છે જ્યારે 35 બેડ ઓક્સિજન વિનાના છે. અત્યાર સુધી આ કોવિડ સેન્ટરમાંથી 40 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે જઈ ચુક્યા છે.

ડોક્ટરની ટીમ ખડેપગે

સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ ખાતે કાર્યરત કોવિડ સેન્ટરમાં હાલ એમ.ડી ડોક્ટર ચાપડીયા અને ડોક્ટર ચુડાસમા ફરજ બજાવી રહ્યા છે જ્યારે એમબીબીએસ તરીકે ડોક્ટર મેહુલ ભાટુ, ભરત ભાટુ અને રાજ ભેંસદડીયા ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત 20 લોકોનો નર્સિંગ અને કેર ટેકર સ્ટાફ ખડેપગે છે.

કોવિડ સેન્ટરમાં સકારાત્મક ઉર્જા પેદા કરવાનો પ્રયાસ

સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ ખાતેના આ કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓને માનસિક શાંતિ મળે અને વાતાવરણ તાજગી ભર્યું રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોવિડ સેન્ટરમાં દરરોજ સાંજે આરતી અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે જેનાથી દર્દીઓને માનસિક શાંતિ મળે છે.

સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી દર્દીઓ આવતા રહેશે ત્યાં સુધી આ કોવિડ સેન્ટર ચાલુ રહેશે. જૂનાગઢમાં રમેશભાઈ પઢીયાર અને અમિતભાઈ બોદર દ્વારા કરવામાં આવેલી આ નવીન પહેલને લોકો બીરદાવી રહ્યા છે. રમેશભાઈ અને અમિતભાઈના આ પ્રયાસ બાદ જૂનાગઢમાં અન્ય શાળા સંચાલકોએ પણ પોતાની શાળામાં આ રીતે કોવિડ સેન્ટર શરૂ કર્યા છે. આમ રમેશભાઈ અને અમિતભાઈએ પોતાની શાળાને કોવિડ સેન્ટરમાં ફેરવીને સાબિત કરી આપ્યું છે કે હાલની પરિસ્થિતિમાં એકબીજાને મદદરૂપ થઈશું તો વિકટ પરિસ્થિતિમાંથી આપણે ઝડપથી બહાર આવી શકીશું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments