Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જેલમાં કોઈનો ખૌફ ન હોય એમ, આઠ આઠ કેક કાપી, વીડિયો ઉતારી, ફટાકડા ફોડી જન્મદિવસની આનંદ-પ્રમોદથી ઉજાણી કરનારાઓ માથે આફત આવી પડી છે. ગઈકાલે અમદાવાદ અને રાજકોટ જેલ વિભાગની ટુકડીઓ તપાસ કરવા જૂનાગઢની જેલમાં પહોંચી હતી. જૂનાગઢ જેલમાં જે યુવરાજની બર્થડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી તેનું આખું નામ યુવરાજ માંજરિયા છે. આ આરોપીએ તેની બહેનની વિસાવદરના જેતલવડ પાસે હત્યા કરી હતી.
આ પૂર્વે તે કામચલાઉ જામીન પર છૂટ્યો હતો અને એક વર્ષ સુધી ફરાર રહ્યો હતો. બાદમાં આરોપી યુવરાજને જૂનાગઢની જેલમાં રાખવામાં આવ્યો હતો. યુવરાજ ચર્ચામાં જૂનાગઢની જેલમાં યોજાયેલી અને ભલભલાને ઝાંખા પાડી દેતી બર્થડે પાર્ટીથી ચર્ચામાં આવ્યો હતો. આ મહાનુભવના અવતરણ દિવસની ઉજવણીમાં કંઈ બાકી ન રહી જાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હોય તેવું વીડિયો અને તસવીરો જોતા લાગી રહ્યું હતું. જે પણ લોકો વીડિયો જોતા હતા તે એક જ વાત કરતા હતા કે આ તો જેલ છે કે પછી ફાર્મ હાઉસ.
આઠ-આઠ કેક લાઈનમાં રાખવામાં આવી હતી. તેનું ક્રમબદ્ધ શૂટિંગ કરવામાં આવ્યું હતું. વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ ફિલ્મનાં ડોનના અંદાજવાળા ગીતો સ્ટેટસમાં રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ જ્યારે દિવાળીનો તહેવાર હોય તેમ ફટાકડા ફોડી જેલની શાંતિમાં ભંગ પાડ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ મીડિયામાં પૂરબહારમાં ચાલ્યો હતો. અંતે અમદાવાદથી સ્કવોડ અને રાજકોટથી જેલ આઈજી ઓફિસના ડિવાયએસપીને ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢ જેલ સુધી લાંબા થવું પડ્યું હતું. બર્થડે પાર્ટીની આ ક્ષણિક મૌજની રોનક ઝાંખી પડી ગઈ છે.
આ અંગે જૂનાગઢના ઇન્ચાર્જ જેલ સુપ્રીન્ટેન્ડેડ એલ.જી. પરમારે કહ્યું હતું કે, ‘હું ચાર-પાંચ દિવસથી જ જૂનાગઢ જેલ સુપ્રી.ના ચાર્જમાં છું. અને વીડિયો તો ડિસેમ્બર પહેલાંનો જ હશે. બાકી હું યુવરાજ કે વીડિયોમાં દેખાતા બીજા કોઇને ઓળખતો પણ નથી. તપાસ ટીમે કેદી, જેલના કર્મચારીઓના અને મારું પણ નિવેદન લીધું છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
