Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં કોલેજ બાદ હવે સ્કૂલમાં રેગિંગનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને તેના સિનિયર વિદ્યાર્થીઓએ જબરદસ્તીથી યુરિન પીવડાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે, આ મુદ્દે સ્કૂલ તંત્રએ કોઈ પગલાં ન લેતા હવે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ વસ્ત્રાપુરમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં 20 એપ્રિલે શિક્ષકો ફેરવેલ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. આ દરમિયાન વોશરૂમમાં 9માં ધોરણના વિદ્યાર્થી સાથે કોઈ બાબતે 12માં ધોરણમાં ભણતા ત્રણ વિદ્યાર્થી સાથે સામાન્ય તકરાર થઈ. ત્યારબાદ 12ના ત્રણ વિદ્યાર્થીઓ તેને ખેંચીને બાથરૂમમાં લઈ ગયા. જ્યાં અગાઉથી જ એક ડબ્બીમાં યુરિન કાઢીને રાખ્યું હતું, જે યુરિન 9માં ધોરણના વિદ્યાર્થીને પીવડાવવાનો પ્રયાસ કર્યો. જો કે, આ દરમિયાન જેમ તેમ કરીને વિદ્યાર્થી ભાગી ગયો. વિદ્યાર્થીઓના આવા વર્તન અંગે ભોગ બનનારા વિદ્યાર્થીએ સ્કૂલમાં શિક્ષકો અને પ્રિન્સીપાલને પણ જાણ કરી હતી પરંતુ 12માં ધોરણના વિદ્યાર્થી સામે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આરોપ છે. એટલું જ નહીં સ્કૂલ તંત્રએ સીસીટીવી ફૂટેજ પણ ન આપ્યા હોવાનો વાલીનો દાવો છે. વાલીએ આ અંગે કહ્યું કે, તેમના બાળક સાથે આટલી મોટી ઘટના બની હોવા છતાં બાળકે ડરના માર્યે ઘરે કહ્યું ન હતું. તેમને અન્ય વાલીઓ દ્વારા જાણ થઈ હતી.

વિદ્યાર્થીએ સ્કૂલમાં કરેલી ફરિયાદ અંગે કોઈ પગલાં લેવાયા નહોતા જેથી વાલી આ અંગે સ્કૂલમાં રજુઆત કરવા ગયા હતા છતાં સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. જેથી વાલીએ 23 એપ્રિલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યારે પોલીસે સ્કૂલમાં જઈને તપાસ કરી હતી. ત્યારે સ્કૂલ તરફથી વાલીને લેખિતમાં માફી આપવા જણાવ્યું હતું પરંતુ વાલી જ્યારે સ્કૂલમાં ગયા ત્યારે તે જ વિદ્યાર્થીઓએ પણ વાલી સાથે યોગ્ય વર્તન કર્યું નહોતું.
આ અંગે ભોગ બનનારા વિદ્યાર્થીના વાલીએ કહ્યું કે, જ્યાં ઘટના બની ત્યાં બાથરૂમ બહાર CCTV કેમેરા છે. જે જોવાથી સ્પષ્ટ થશે પરંતુ સ્કૂલ દ્વારા CCTV કેમેરાના ફૂટેજ બતાવવામાં કે આપવામાં આવ્યા નથી. અમે પોલીસમાં અરજી કરી છે અને ઘટનાએ ફોજદારી ગુનો છે જેથી અમે ફરિયાદ નોંધાવીશું. તો બીજી તરફ સ્કૂલના પ્રિન્સીપાલે દાવો કર્યો છે કે, સ્કૂલમાં આવી કોઈ પ્રકારની ઘટના બની જ નથી. એટલું જ નહીં તેમણે તો ભોગ બનનારા વિદ્યાર્થીને જ તોફાની ગણાવ્યો છે. આ તરફ હવે કોંગ્રેસે આ મામલે તપાસની માગણી કરી છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, આ ખૂબ ગંભીર મુદ્દો છે. આવી ઘટનાથી બાળકના માનસ પર ગંભીર અસર થઈ શકે છે. જેથી યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. જરૂર પડે તો બાળકને સાયકોલોજિસ્ટને પણ બતાવવું જોઈએ અને સ્કૂલ તથા ઘરમાં સારું વાતાવરણ ઉભું કરવું જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત