Team Chabuk-Gujarat Desk: દેખાવમાં ખૂબ આકર્ષક અને પોષણથી સમૃદ્ધ થોરના ફળ કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટની ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે અમદાવાદમાં ફાર્મ ફ્રેશ – કમલમ અને ફળ મહોત્સવ શરૂ કર્યો છે. આ ફળની નવી ખેતીની વાત કરીએ તો રાજ્યમાં હાલમાં 25 જિલ્લાઓમાં કમલમ ફળના બગીચા 1200 હેકટર જેટલી જમીનમાં ઉછેરવામાં આવ્યાં છે.
આ ફળ હાલમાં મુખ્યત્વે આયાત કરવામાં આવે છે જેની સ્થાનિક બજારોમાં ખૂબ સારી માંગ છે અને તેની ખેતી અને ઉત્પાદન વધે તો નિકાસની પણ વ્યાપક તકો છે. તેને અનુલક્ષીને રાજ્ય સરકારે બાગાયત ખાતાના માધ્યમ થી ડ્રેગન ફ્રૂટની ખેતી વધારવા, મહત્તમ બે હેકટરની મર્યાદામાં, પ્રતિ હેક્ટર રૂપિયા 1.25 લાખની વાવેતર સહાયની યોજના પહેલીવાર અમલમાં મૂકી છે. વડોદરા જિલ્લામાં કમલમ ફળની ખેતીની વાત કરીએ તો રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની સરખામણીમાં ધીમા વેગે પરંતુ મક્કમ ડગલે આ ગુણોની ખાણ જેવા થોરના વેલા પર લાગતા ફળની ખેતી વિસ્તરી રહી છે.
નાયબ બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી યોગેશ ખાંટે જણાવ્યું કે, પહેલીવાર ડ્રેગન ફ્રૂટ માટે અમલી બનેલી વાવેતર સહાય યોજનાનો લાભ પહેલા વર્ષે જ મેળવવા જિલ્લાના 30થી વધુ ખેડૂતોએ અરજી કરી છે જેમના વાવેતર વિસ્તાર સહિત જરૂરી ચકાસણી કરી અરજીઓની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે.જિલ્લાના અંદાજે 15 જેટલાં ખેડૂતોને પ્રમાણમાં સારી કહેવાય એવી સફળતા મળી છે.

વાત એમ છે કે આ ફળની ખેતીના ભાગરૂપે એ પ્રજાતિના થોરના વેલા ચઢાવવા માટે સિમેન્ટની થાંભલીઓનો માંડવો બનાવવો જરૂરી છે એટલે આ ખેતીની શરૂઆતમાં સારો એવો ખર્ચ કરવો પડે છે. જેને પહોંચી વળવામાં વાવેતર સહાય યોજના ખેડૂતોને ઉપયોગી બનશે. કમલમનું ગર યુક્ત એટલે કે માવાદાર ફળ બારમાસી ફળ છે.આ ફળ પોષક તત્વો, ઔષધીય ગુણો,ખનીજો અને વિટામિનોથી સમૃદ્ધ છે. કેન્સર,ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલના દર્દીઓને આરોગ્ય પ્રદાન કરનારું હોવાથી તબીબો તેના સેવનની ભલામણ કરે છે.
કમલમના ખેડૂત હરમાનભાઈ કરશે નવો પ્રયોગ
ડભોઇ તાલુકાના હબીપુરા ગામના હરમાનભાઇ એ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં નોંધપાત્ર સફળતા મેળવી છે અને અન્ય જિલ્લાઓના રસ ધરાવતા ખેડૂતો તેની ખેતી અંગે જાણવા અને નિહાળવા તેમના ખેતરની મુલાકાત લે છે. તેઓ હાલમાં આ નવી ખેતીમાં એક નવો પ્રયોગ કરવા વિચારી રહ્યાં છે. તેઓ કહે છે કે આપણા વિસ્તારમાં ઉનાળામાં તાપમાન 40 ડિગ્રીથી ઊંચું જાય છે જેના કારણે આ ફળના વેલા કરમાઈ કે બળી જવાની શક્યતા રહે છે. તેનાથી છોડને રક્ષણ આપીને સાચવવા તેમણે, જ્યારે તાપમાન 40 ડિગ્રીથી ઊંચું જાય ત્યારે છોડવા પર પાણીનો છંટકાવ કરી, છોડને રક્ષણ આપવા માટે ફોગર અથવા સ્પ્રિંકલરની વ્યવસ્થા જળ છંટકાવ માટે લગાવવા વિચાર કર્યો છે. હાલ તેઓ તેનું આયોજન વિચારી રહ્યાં છે.
આદિવાસી વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટની ખેતી
છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની ભરતભાઈ ગોવિંદભાઈ રાઠવાએ તેમની જમીનમાં ડ્રેગન ફ્રૂટના 1700 જેટલા છોડ ઉછેર્યા છે અને છેલ્લા બે વર્ષથી ઉત્પાદન મેળવી રહ્યાં છે. કવાંટના આદિજાતી વિસ્તારમાં કદાચ આ એક નવી પહેલ છે.તેઓ કહે છે કે,મારા ખેતર પાસેથી નસવાડીથી કવાંટનો મુખ્ય રસ્તો પસાર થાય છે.એટલે મારે ઉતારેલા ફળો વેચવા બજાર સુધી લાંબા થવું પડતું નથી. ખેતરની બહાર સ્ટોલ પરથી પસાર થતાં પ્રવાસીઓ આ ફળ ખરીદી જાય છે અને સારી આવક મળી રહી છે. આ ફળમાં આકર્ષક રંગ,રૂપ અને ગુણોનો સમન્વય થયો છે. તેનામાં ખેડૂતોની આર્થિક તંદુરસ્તી સુધારવાની પણ તાકાત છે તેવું લાગી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત