Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરના ચુડામાં કોવિડ-19 હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો જ અભાવ, મૃતદેહ છકડામાં લઈ જવાયો

સુરેન્દ્રનગરના ચુડામાં કોવિડ-19 હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો જ અભાવ, મૃતદેહ છકડામાં લઈ જવાયો

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના ચુડામાં બનેલી એક ઘટનાએ સરકારના આટલા વર્ષોના વિકાસના મોટા મોટા દાવાઓની હવા કાઢી નાખી છે. ચુડાની સરકારી કોવિડ-19 હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો અભાવ હોવાના કારણે પરિવારજનોને હવે મૃતદેહ છકડામાં લઈ જવાની ફરજ પડી છે.

રાજ્યમાં કોરોનાએ સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે. એક તરફ મોટા શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે બેડની અછત છે. ઓક્સિજન પણ નથી મળી રહ્યો. ઇન્જેક્શન માટે દર્દીના સગાઓ ભટકી રહ્યા છે ત્યારે નાના શહેરોમાં આરોગ્યલક્ષી પ્રાથમિક સુવિધાઓ પણ ન હોવાનું સામે આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં આવેલા સરકારી કોવિડ-19 હોસ્પિટલની હાલત દયનીય બની છે. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન હોવાના કારણે મૃત્યુ પામેલા દર્દીને છકડામાં લઈ જવાની પરિવારને ફરજ પડી હતી. ચુડાના ગોખરવાડા ગામના એક વ્યક્તિને ચુડા કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન દર્દીનું મોત નિપજ્યું હતું. મોત બાદ જ્યારે મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લઈ જવાની વાત આવી ત્યારે પરિવારને જાણ થઈ કે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ જ નથી. જેના કારણે પરિવાર કફોડી હાલતમાં મૂકાયો હતો.

હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન હોવાથી પરિવારજનોએ મૃતદેહને લઈ જવા માટે છકડાની વ્યવસ્થા કરી હતી અને મૃતદેહને છકડામાં નાખીને લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં સરકારની અવ્યવસ્થાના કારણે મોતનો મલાજો પણ જળવાયો નહતો. ચુડાની કોવિડ-19 હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો અભાવ હોવાના કારણે અત્યાર સુધી આ પ્રકારે અનેક પરિવારજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એમ્બ્યુલન્સ ન હોવાથી પરિવારજનોને જાતે જ કોઈ અન્ય વાહનની વ્યવસ્થા કરીને મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લઈ જવા પડી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં આરોગ્ય તંત્ર ખાડે ગયું

સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર ખાડે ગયું હોય તેવા દ્રશ્યો અવારનવાર સર્જાતા રહે છે. ખાસ કરીને જ્યારથી કોરોના મહામારીની શરૂઆત થઈ છે ત્યારથી સુરેન્દ્રનગરમાં આરોગ્ય સંશાધનોના અભાવે અનેક દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં પણ પૂરતી આરોગ્ય વ્યવસ્થા ન હોવાના આરોપો થઈ રહ્યા છે. મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દર્દીઓને ખુરશી અને બાકડા પર સુવડાવીને ઓક્સિજન બાટલા ચડાવવાની નોબત આવી રહી છે. બીજી તરફ ઘરે આઈસોલેટ છે તેવા દર્દીઓને ઓક્સિજન ન મળતા દર્દીના પરિવારજનોએ ગત મોડી રાત્રે કલેક્ટરના બંગલે જઈને હલ્લાબોલ મચાવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પણ થોડા દિવસ પહેલા જિલ્લા કલેક્ટર સમક્ષ ચીમકી ઉચ્ચારી હતી અને મૃતદેહો લઈને કલેક્ટર કચેરીએ પહોંચવાની વાત કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments