Homeગુર્જર નગરીજૂનાગઢની હોટલમાં સિંહણની 40 સેકન્ડની મહેમાનગતિ

જૂનાગઢની હોટલમાં સિંહણની 40 સેકન્ડની મહેમાનગતિ

Team Chabuk Gujarat Desk:  જૂનાગઢ અને ગીર સોમનાથ એવો પંથક છે જ્યાં વન્ય પ્રાણીઓ જંગલમાં પણ જોવા મળે અને રહેણાંક વિસ્તારમાં પણ નજરે ચડી જાય. અવાર નવાર સિંહ, દીપડો જેવા વન્ય પ્રાણીઓ જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયાના દાખલા છે. જો કે, ગીર પંથકમાં આ સામાન્ય બાબત છે. અહીંના લોકો પણ વન્ય જીવોના આંટાફેરાથી ટેવાય ગયા છે. ઘણી વખત મનુષ્ય કે અન્ય પ્રાણીઓ પર થતાં હુમલાને કારણે લોકોમાં ડર પણ છે. ત્યારે જૂનાગઢમાં વધુ એક વખત સિંહણ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યાની ઘટના સામે આવી છે.

ઘટના 8 ફેબ્રુઆરીની એટલે કે બે દિવસ પહેલાંની જ છે. જૂનાગઢ શહેરની આ ઘટના છે. જેમાં એક સિંહણ વહેલી સવારે એક હોટેલમાં આવી ચડે છે. અને કોઈને પણ ભનક ન લાગે તે રીતે આટો મારીને બહાર ચાલી જાય છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

જૂનાગઢ શહેરની જાણીતી સરોવર પોર્ટિકો હોટલની આ ઘટના છે. ઘટનાના સીસીટીવી જોતા ખ્યાલ આવે છે કે, 8 ફેબ્રુઆરીએ વહેલી સવારના 5 વાગીને 4 મિનિટનો સમય છે. વહેલી સવાર હોવાથી હોટલમાં કોઈ અવર-જવર નથી. તેવામાં હોટલના મેઈન ગેટ પાસે આવેલી સિક્યુરિટીની કેબિન પાસેનો દરવાજો કુદીને સિંહણ હોટલમાં પ્રવેશે છે. સિંહણ દરવાજો કુદીને પ્રવેશતા દરવાજાનો અવાજ કેબિનમાં રહેલા સિક્યુરિટીને સંભળાય છે. સિક્યુરિટી ઉભો થઈને જુએ છે પરંતુ ત્યાં સુધીમાં સિંહણ હોટલમાં પ્રવેશી ચૂકી હોય છે. સિંહણ હોટલમાં આગળ જાય છે પરંતુ તેને બહાર નીકળવાનો રસ્તો ન મળતાં 40 સેકન્ડમાં જ તે જ્યાંથી પ્રવેશી હતી તે જ દરવાજો કુદીને હોટલની બહાર ચાલી જાય છે.

સિંહણ જ્યારે બહાર નીકળવા હોટલનો દરવાજો કુદે છે ત્યારે સિક્યુરિટીનું ધ્યાન તેના પર પડે છે. પરંતુ સિંહણ હોટલ બહારના હાઈવે પરથી ચાલી જાય છે. આ સમગ્ર ઘટના સરોવર પોર્ટિકો હોટલના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સિંહણ હોટલમાં પ્રવેશીને માત્ર 40 સેકન્ડમાં જ બહાર નીકળી જાય છે.

મહત્વનું છે કે, જે સરોવર પોર્ટિકો હોટલમાં સિંહણ પ્રવેશી હતી તે રેલવે સ્ટેશન રોડ પર જ આવેલી છે. આ વિસ્તાર શહેરનો ગીચ વિસ્તાર છે. ત્યાંથી દરરોજ હજારો લોકો નીકળતા હોય છે. હોટલની અંદર પણ અનેક લોકો રાત્રિ રોકાણ કરેલું હતું. હોટલની નજીકમાં જ રેલવે સ્ટેશન આવેલું છે. પરંતુ સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી લોકોની અવર-જવર ઓછી હતી. તેથી કોઈ જાનહાનીની ઘટના સામે આવી નથી. સિંહણ દ્વારા કોઈને નુકસાન પહોંચાડ્યાનું પણ સામે આવ્યું નથી.

અનેક વખત વન્ય પ્રાણીઓ આ પ્રકારે રહેણાંક વિસ્તારમાં પ્રવેશી જાય છે. તાજેતરમાં જ અમદાવાદ નજીકથી દિપડાનો મૃતદેહ મળ્યો હતો. તો રાજકોટ શહેરની ભાગોળ સુધી સિંહ પહોંચી ગયો હોવાની વાત સામે આવી હતી. વન્ય પ્રાણીઓ હવે ધીમે ધીમે જંગલમાંથી શહેરો સુધી પહોંચી ગયા છે. જે મનુષ્ય જગત માટે ચિંતાનો વિષય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments