Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊના તાલુકાનું નાનું એવું ગામ છે કંસારી. કંસારીમાં એક 28 વર્ષીય યુવાન રહે છે જેનું નામ છે મહેશ સરવૈયા. મહેશ સાથે ગત 2 વર્ષમાં એવી ઘટના બની છે જે સાંભળીને કોઈ પણ આશ્ચર્યમાં મુકાય જાય. પોતાની સાથે બનેલી ઘટના અંગે ખુદ મહેશ અને તેનો પરિવાર પણ આશ્ચર્યમાં છે. એક ખાનગી અખબારમાં છપાયેલા અહેવાલ બાદ ટીમ ચાબુકે મહેશનો સંપર્ક કર્યો. મહેશે જે વાત કહી તે જાણીને અમારી ટીમ પણ ચોંકી ગઈ.

મહેશે કહ્યું કે, છેલ્લા 2 વર્ષમાં તેને સાપે 9-9 વાર ડંખ માર્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, સાપે તમામ વાર મહેશના જમણા પગની ત્રીજી આંગળીમાં જ ડંખ માર્યો. એટલું જ નહીં જ્યારે મહેશ કંસારીથી વાવરડા પોતાના મામાના ઘરે રહેવા જતો રહ્યો તો ત્યાં પણ સાપે તેનો પીછો ન મુક્યો અને એ જ આગળી પર ડંખ મારીને જતો રહ્યો.
કંસારી ગામે મહેશ પરબતભાઈ સરવૈયા (ઉં.વ.28) તેના પરિવાર સાથે મજૂરીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. સાપે ડંખ મારતા 9 વાર તે મોતને હાથતાળી દઈને પાછો આવ્યો છે. કેટલીય વાર તો ખાનગી હોસ્પિટલના તબીબોએ હાથ હેઠા મૂકી દીધા હતા. અંતે, સરકારી હોસ્પિટલમાં તેને જીવનદાન મળ્યું હતું.

ક્યારે ક્યારે માર્યો ડંખ ?
જ્યારે મહેશ ઘરમાં કામ કરતો હોય ત્યારે જ સાપ ડંખ મારે છે. એક વખત મહેશના ઘરમાં ચૂલાની અંદર સાપ બેઠેલો હતો અને ઘરના સભ્યો કામ કરતા હતા. પરંતુ સાપે મહેશને જ ડંખ માર્યો. જે બાદ સાપ પકડનારાને બોલાવી સાપને દૂર મુક્ત કરી દેવામાં આવ્યો. મહેશ પણ સારવાર પૂરી થયા બાદ કામે લાગી ગયો. પરંતુ પરિવારજનોને ચિંતા હતા. પરિવારજનોએ વિચાર્યુ કે, સાપ મહેશને ઘરની આસપાસ જ સાપ ડંખ મારે છે, એટલે તેને ઘરથી દૂર સંબંધીની વાડીએ મોકલી દીધો અને રાહતનો શ્વાસ લીધો.

પરંતુ આ રાહત થોડા સમય પૂરતી જ હતી, કારણ કે એક દિવસ અચાનક વાડીમાં આરામ કરતા મહેશને ફરી એક વખત સાપે ડંખ મારતાં સારવાર અર્થે લઈ જવો પડ્યો. મહેશ ફરી સ્વસ્થ થયો. હવે પરિવારજનોએ વિચાર્યું કે, સાપ મહેશને ગામમાં જ ડંખ મારે છે. જેથી મહેશને કંસારીની બાજુના વાવરડા ગામે મામાના ઘરે મોકલવાનો નિર્ણય કરાયો. જો કે, છતાંય સાપે મહેશનો પીછો ન મૂક્યો. એક દિવસ મહેશ વાવરડા તેમના મામાના ઘરે હતો, ત્યારે સાપ બાથરૂમમાંથી બહાર નીકળ્યો અને ડંખ મારી જતો રહ્યો. ત્યાર બાદ ફરી એક વખત મહેશને સારવાર માટે ખસેડવો પડ્યો.મહેશ સાથે આવું કેમ બન્યું તે રહસ્ય છે. કારણ કે, ઘરમાં અન્ય સભ્યો હોવા છતાં સાપે નવ વાર મહેશને જ ડંખ માર્યો.

આમ છેલ્લે પરિવારે મહેશને સુરત સ્થાયી થવા જણાવ્યું. હાલ મહેશ ઊનાથી 550 કિલોમીટર દૂર સુરત પહોંચી ગયો છે. મહેશે જણાવ્યું કે, છેલ્લા 2 મહિનાથી તે રોજગારી માટે સુરત આવ્યો છે. હાલ તે હીરા ઘસવાનું કામ કરી રહ્યો છે. સાથે જ તેણે જણાવ્યું કે, નવ વાર મારી સાથે જે ઘટના બની છે તેમાં એક જ સાપ છે એવું હું ચોક્કસ ન કહી શકું.
આટલા વર્ષમાં મે આવી ઘટના પહેલીવાર સાંભળી છે. જો કે, આની પાછળનું કોઈ ચોક્કસ કારણ નથી. દર વખતે મહેશ જ સાપની ઝપેટમાં આવ્યો એ જોગાનુજોગ જ હોઈ શકે- ડૉ.દાફડા, પ્રકૃતિ પ્રેમી
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
