Homeદે ઘુમા કેટોસ હારતા જ અડધી મેચ હારી ગયેલા, બેટરોએ T20માં 54 ડોટ બોલ...

ટોસ હારતા જ અડધી મેચ હારી ગયેલા, બેટરોએ T20માં 54 ડોટ બોલ રમી ટેસ્ટ રમત દાખવી

Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપ 2021માં ભારતીય ટીમ પોતાનો બીજો અને સૌથી મહત્વનો મુકાબલો પણ હારી ચૂકી છે. આંકડાઓ ન્યૂઝીલેન્ડના પક્ષમાં ફરીથી રહ્યા હતા અને ભારતને પરાજય વહોરવાનો વારો આવ્યો હતો. જોકે આંકડા સિવાય પણ કેટલાય ફેક્ટર કામ કરે છે. હવે સેમીફાઈનલમાં પહોંચવાની આશાઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. મેચમાં ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે માંડ માંડ 110 રન બનાવ્યા. ભારતનો કોઈ પણ ખેલાડી વિશ્વસનીય અને વિસ્ફોટક ઈનિંગ ન રમી શક્યો. લક્ષ્ય ટૂંકું હતું, તો ભારતી બોલર્સ પણ કંઈ ખાસ નહોતા ઉકાળી શક્યા. પાવરપ્લેમાં ટીમને ફક્ત એક વિકેટ મળી હતી.

રન ઝડપથી ન બન્યા

મેચમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોતા લાગી રહ્યું હતું કે તેણે પાકિસ્તાન સામેના મેચમાંથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધો નથી. પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી ટીમના બેટરોએ મોટા શોટ ફટકારવાની જગ્યાએ ગેપમાં રમવાની આવશ્યકતા હતી. એવામાં દુબઈના મોટા મેદાનમાં બે રન ભાગવાની પણ જરૂર હતી. ભારતીય બેટરોએ આ બંનેથી વિપરિત રમત દાખવી. તમામ બેટરોએ પહેલા ડોટ બોલ રમ્યા અને પછી મોટો શોટ રમવાની લાલચે આઉટ થઈ ગયા. બોલર્સને પણ મેદાન પર લેન્થની ખબર નહોતી. ન્યૂઝીલેન્ડ માટે આ મેચ વન સાઈડેડ બનીને રહી ગયો હતો.

ટોસમાં હાર

દુબઈના મેદાન પર ટોસ જીતો એટલે અડધી મેચ હાથમાં હોય છે. સુપર-12ના તમામ મેચ બીજા નંબર પર બેટીંગ કરનારી જ ટીમ જીતી છે. આ મેચમાં ફરી એક વખત ટોસ જ વિલન સાબિત થયો. કેપ્ટન વિરાટ કોહલી ટોસ હારી ગયા ત્યાં જ અડધી મેચ હારી ગયા હતા. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પહેલા બેટીંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ ભારતને રન બનાવવામાં સમસ્યા નડી બાદમાં બોલર્સના સમયે ઝાકળ વિલન સાબિત થઈ.

54 ડોટ બોલ

આ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમ પહેલા જ ડોટ બોલ રમીને અત્યાધિક પરેશાન થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય ખેલાડીઓને મેદાન મોટું હોવાનો ફાયદો ઉઠાવવો જરૂરી હતો. મિડલ ઓર્ડરના બેટર્સ પાસે વધારે રનની આશા હતી, જે પણ ઠગારી નીવડી હતી. મેચમાં ભારતીય ખેલાડીઓએ 54 ડોટ બોલ રમી. પરિણામે ભારતનો સ્કોર 110 સુધી આવીને અટકી ગયો. રોહિત અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓએ પણ પહેલા ધીમી બેટીંગ કરી અને પછી સિક્સ મારવાના પ્રયાસમાં આઉટ થઈ ગયા. ભારતની વિરૂદ્ધ સેંટનરે ચાર ઓવર ફેંકી અને માત્ર 15 રન આપ્યા.

બાઉન્ડ્રી પર જ છ બેટ્સમેન આઉટ

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની મેચમાં ભારતીય બેટરોએ કારણ વગરના શોટ રમવામાં વિકેટ ફેંકી દીધી હતી. આ મેદાન પર બોલ હંમેશાં રોકાઈને આવે છે અને સિક્સ મારવાની જગ્યાએ ગેપનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂર પડે છે. જોકે ભારતીય બેટ્સમેનો આવું નહોતા કરી શક્યા. પાવરપ્લેમાં જ્યારે બે ખેલાડીઓ જ ત્રીસ ગજની બહાર હોય છે ત્યારે ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેનોએ ગેપમાં શોટ રમવાની જગ્યાએ બાઉન્ડ્રી પર ઉભેલા ખેલાડીઓના હાથમાં બોલ પકડાવી દીધો. આ શોટ રમવામાં અનુભવી રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ હતા. એક બે નહીં કુલ છ ખેલાડીઓ બાઉન્ડ્રી પર શોટ ફટકારવામાં આઉટ થઈ ગયા હતા.

સરેરાશ કેપ્ટનશીપ

મેચમાં વિરાટ કોહલીની જગ્યાએ ઈશાન કિશનની પાસે ઈનિંગની શરુઆત કરવામાં આવી. જોકે આ પ્રયોગ નિષ્ફળ પૂરવાર થયો હતો અને ઈશાન સસ્તામાં આઉટ થઈ ગયો હતો. બોલિંગ કરતા ભારતીય ટીમને 110 રન બચાવવાના હતા. પણ વિરાટે જાડેજા પાસે બોલિંગ કરાવી હતી. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ તેનો મહત્તમ ફાયદો ઉઠાવ્યો હતો અને પાવરપ્લેમાં જ મોટો સ્કોર ખડકી નાખ્યો હતો.

સામાન્ય બોલિંગ

110 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી કિવી ટીમને રોકવા માટે ભારતની ટીમને પાવરપ્લેમાં રન રોકવા અને વિકેટ લેવી જરૂરી હતી. જોકે મેચમાં આમાંનું કંઈ થયું નહોતું. ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેમાં 44 રન આપી દીધા હતા અને ફક્ત એક વિકેટ પ્રાપ્ત કરી હતી. ફરી એક વખત સ્પીન બોલર્સે લેન્થ પર બોલિંગ નહોતી કરી. જેથી ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને શોટ રમવાની તક મળી ગઈ હતી. પાકિસ્તાન સામેના મેચમાં ભારતીય ટીમે એક પણ વિકેટ ઝડપી નહોતી જ્યારે ન્યૂઝીલેન્ડ સામે બે સફળતા પ્રાપ્ત થઈ.

વરુણની મિસ્ટ્રી છે શું?

વિશ્વકપમાં વરુણ ચક્રવર્તીને મિસ્ટ્રી સ્પિનરના સ્વરૂપે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વિશ્વાસ હતો કે વરુણની બોલમાં વિરોધી ટીમના બેટરો ચકરી ખાઈ જશે પણ એવું કશું થયું નહીં. વરુણે બે મેચમાં એક પણ વિકેટ ઝડપી નથી.

પાકિસ્તાન સ્ટાઈલમાં આઉટ

ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ ભારતીય ઓપનિંગ જોડીઓ ફ્લોપ સાબિત થઈ હતી. ઈશાન કિશન આઠ બોલમાં ચાર રન બનાવી આઉટ થયો હતો. જ્યારે લોકેશ રાહુલ 16 બોલમાં 18 રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો. મેચમાં વિશાળ સ્કોર બનાવવા માટે પાવરપ્લેનો ઉપયોગ કરવો જરૂરી હતો. પણ ભારતીય ટીમે પાવરપ્લેમાં ફક્ત 35 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 13 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ટીમની પ્રથમ વિકેટ પડી ત્યારે ટીમે 11 બોલમાં 17 રન બનાવ્યા હતા. મેચ પહેલા જ ઈશ સોઢી ટીમ માટે ખતરો બનશે તેવી ભવિષ્યવાણી કરી દેવાઈ હતી અને તે સાચું પણ સાબિત થયું. વિરાટ અને રોહિતની બે મહત્વની વિકેટ તેણે લીધી. પાકિસ્તાન સામે પણ શાહીન અફ્રિદીએ બે વિકેટ લઈ ભારતને બેકફૂટ પર ધકેલી દીધું હતું. સ્પષ્ટ દેખાતું હતું કે ભારતની આ ટીમ વિશ્વકપને લાયક નથી રમી રહી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments