Homeગુર્જર નગરીહે ચાબુક આજે ગુજરાત વિધાનસભામાં ખરી બઘડાટી બોલી

હે ચાબુક આજે ગુજરાત વિધાનસભામાં ખરી બઘડાટી બોલી

ગોવાબાપાઃ ચાબુક આજે ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક રજૂ થયું. વિધાનસભામાં આ વિધેયક અંગે ખૂબ ચર્ચા ચાલી. સરકારે એમનો મત રાખ્યો તો વિપક્ષે પોતાનો મત રજૂ કર્યો. સૌના મતમતાંતર વચ્ચે આ વિધેયક આજે વિધાનસભામાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યું.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બિલ રજૂ કરતાં કહ્યું કે, જેહાદીઓના હાથમાં જતી દીકરીઓને અટકાવવા આ વિધેયક લાવવામાં આવ્યું છે. અમારો કોઈ રાજકીય એજન્ડા નથી. પ્રદીપસિંહે કહ્યું કે, દીકરી તો પારકી થાપણ કહેવાય, જેહાદીના હાથમાં ન જવી જોઈએ. દીકરીઓની રક્ષા કરવી અમારી ફરજ છે.

આ વિધેયક અંગે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પોતાનો મત રજૂ કરતાં જણાવ્યું કે, 1954માં સંસદમાં સ્પેશિયલ મેરેજ એક્ટ લાગુ કર્યો હતો. લવ જેહાદ શબ્દ વર્ષોથી સાંભળતો આવ્યો છું. કોઈને પણ વિશ્વાસઘાત કરવાનો હક નથી. પરેશભાઈએ વધુમાં કહ્યું કે, પ્રેમના સીમાડા નથી હોતા, પ્રેમ એ પ્રકૃતિ છે. પ્રેમ સાથે છેડછાડ કરનારાનો વિનાશ થાય.

‘ગોવાબાપા આ પરેશભાઈ તો ટ્વિટરની જેમ વિધાનસભામાં પણ સાહિત્યિક ભાષામાં વાતો કરે છે હો બાકી.’

ચાબુક એ તો ઠીક પણ પરેશભાઈએ આ વિધેયક અંગે બીજું જે કહ્યું તે સાંભળ. પરેશભાઈએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, બળજબરીથી લગ્નો થાય છે તેની સામે કાર્યવાહી કરવા માટે કલમો છે જ. ભાજપને ચૂંટણી પ્રચાર માટે મુદ્દો જોઈએ છે. ભાજપના નેતાઓના પુત્ર-પુત્રીઓએ પણ મુસ્લિમ સાથે લગ્ન કર્યા છે. શું એવા નેતાઓને ભાજપ કાઢી મૂકશે ? પરેશભાઈ તો આ વિધેયકની ચર્ચામાં અભિનેતા ધર્મેન્દ્ર દેઓલને પણ ઢસડી લાવ્યા.

ખરી જોવા જેવી તો ઇમરાન ખેડાવાલાએ કરી હો ચાબુક, વિધેયકનું કાગળ જ ફાડી નાખ્યું. ઇમરાન ખેડાવાલાનો આરોપ છે કે ભાજપ માત્ર ધર્મના નામે રાજનીતિ કરવા માગે છે. આખા બિલમાં ક્યાંય લવ જેહાદનો ઉલ્લેખ નથી.

ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાની વાત રજૂ કરી કે માતા-પિતાની સહમતિથી લગ્ન થાય એ જરૂરી. ગ્યાસુદ્દીન શેખે પણ વિધેયકનો વિરોધ કરતાં જણાવ્યું કે, ચોક્કસ સમાજને અપમાનિત કરવા માટે બિલ લવાયું છે. તમે કોઈને પ્રેમ ન કરી શકો તો નફરત ન કરશો. ગ્યાસુદ્દીન શેખે તો એમ પણ કહ્યું ચાબુક કે છળકપટ અને વિશ્વાસઘાત કરનારને ફાંસીએ લટકાવી દો.

‘વિધેયક અંગે આ બધાના તો મત જાણ્યા પણ ગોવાબાપા તમારું શું કહેવું છે.’

ચાબુક એક લીટીમાં મારી વાત જણાવું તો, તમારે કોની સાથે લગ્ન કરવા એ મરજી તમારી હોવી જોઈએ.

ઉંચે લોગ ઉંચી પસંદ

ચાબુક મોટા માણસોની ઇચ્છા પણ મોટી હોય છે. વાત એવી છે કે દુનિયાના અમીરોની યાદીમાં અગ્રિમ હરોળમાં રહેલા એવા એલન મસ્કની ગર્લફ્રેન્ડે એક અનોખી ઇચ્છા વ્યક્ત કરી છે. આ ઇચ્છા મારા અને તારા જેવા તો સપનામાંય ન વ્યક્ત કરી શકે. પરંતુ આ તો એલન મસ્કની ગર્લફ્રેન્ડ કહેવાય એટલે એ આવું બધું વિચારી શકે. એલનભાઈની ગર્લફ્રેન્ડ ગ્રિમ્મબેને એક ઇચ્છા વ્યક્ત કરી છે કે તેઓ મંગળ ગ્રહની લાલ માટીમાં મૃત્યુ પામવા માગે છે. ચાબુક પહેલાં તો મંગળ ગ્રહ પર મરવા માટે ત્યાં જવું પડે. અને ત્યાં જવું એ આપણાં જેવાના કામ નહીં એ તો એલન મસ્ક ને એમની ગર્લફ્રેન્ડ જ વિચારી શકે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments