Team Chabuk-Gujarat Desk: વલસાડના ઉમરગામના જાણીતા બિલ્ડર જીતુ પટેલનો અપહરણ બાદ છુટકારો થયો છે. જીતુ પટેલના અપહરણના આ હાઈ-પ્રોફાઈલ કેસમાં વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત એટીએસની ટીમે સોનાર ચંદન ગેંગના સાત સભ્યોને ઝડપી લીધા છે. આરોપ છે કે, સોનાર ચંદન ગેંગનું નેટવર્ક માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું છે. જીતુ પટેલનું અપહરણ કરી આરોપીએ 30 કરોડની ખંડણી માંગી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ઘટનાની નોંધ લીધી છે. અને આરોપીને ઝડપી લેનારી બહાદુર ટીમને 10 લાખ રૂપિયાના પ્રોત્સાહક ઈનામની જાહેરાત કરી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું અપહરણ કરી રૂ. 30 કરોડની ખંડણીની માંગણી કરનારા ગુનાહિત તત્વોને ઝબ્બે કરી ગુનાનો ભેદ ઉકેલનારી પોલીસ ટીમને રૂ.10 લાખનું પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરી.
— Vijay Rupani (@vijayrupanibjp) April 1, 2021
કારમાં કર્યું હતું અપહરણ
વલસાડ જિલ્લાના ઉમરગામના જાણીતા બિલ્ડર જીતું પટેલનું 22મી માર્ચે રાત્રે તેમના ઘર નજીકથી જ અપહરણ થયું હતું. બે કારમાં આવેલા હથિયારબંધ શખ્સોએ બંદુકની અણીએ જીતુ પટેલને બંધક બનાવ્યા હતા. ઘટનાના બે દિવસ બાદ 24 તારીખે બિલ્ડર જીતુ પટેલના જ સીમ કાર્ડનો ઉપયોગ કરી અને જીતુ પટેલની પત્નીના મોબાઈલ પર ફોન કરી રૂપિયા 30 કરોડની ખંડણી માંગી હતી.
બિલ્ડરને છોડાવવા માટે વલસાડ જિલ્લા પોલીસે મહારાષ્ટ્ર પોલીસની પણ મદદ લીધી હતી. વલસાડ જિલ્લા પોલીસની પ્રાથમિક તપાસમાં એક સીસીટીવી ફૂટેજ આવ્યા હતા. જે ફૂટેજમાં અપહરણકારો કારમાં બિલ્ડરને લઈ જતાં જોવા મળ્યા હતા.અપહરણકારો સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસ અને એટીએસની ટીમે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ ધામા નાખ્યા હતા.
પહેલાં બે શંકાસ્પદની અટકાયત
આ તપાસમાં વલસાડ પોલીસને સફળતા મળી હતી અને મહારાષ્ટ્રના એક રેલવે સ્ટેશનથી 2 શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી. શંકાસ્પદ વ્યક્તિ પાસેથી પોલીસને અપહરણકારો જે મોબાઈલનો ઉપયોગ કરીને બિલ્ડરના પરિવારનો સંપર્ક કરી ખંડણી માંગી રહ્યા હતા તે સીમકાર્ડ મળી ગયું હતું. ત્યારબાદ અપહરણકારો સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.
કાર પણ દિલ્હીથી ચોરી હતી
જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ અપહરણકારો અંગે પોલીસને જાણકારી મળતી ગઈ હતી. આખરે પોલીસને ધ્યાને આવ્યું હતું કે જે લોકોએ બિલ્ડરનું અપહરણ કર્યું છે તે કોઈ સામાન્ય શખ્સો નહીં પરંતુ સોનાર ચંદન ગેંગના સભ્યો હતા. જે કારમાં બિલ્ડરનું અપહરણ થયું હતું તે બંને કાર પણ દિલ્હીથી ચોરી કરાયેલી હતી. આ બંને કાર પણ પોલીસે કબજે કરી
એક હજાર CCTV ફૂટેજ તપાસ્યા
વલસાડ પોલીસ અને ગુજરાત એટીએસની ટીમે અપહરણકારો સુધી પહોંચવા એક હજારથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. સાથે જ આરોપીઓ સુધી પહોંચવા વલસાડ પોલીસ અને એટીએસની ટીમે મહારાષ્ટ્રના રત્નાગીરીના જંગલ વિસ્તારમાંથી જીતુ પટેલને છોડાવ્યા હતા.
કોણ કોણ ઝડપાયું ?
પપ્પુ ચૌધરી
દિપક ઉર્ફે અરવિંદ યાદવ
અજમલ હુસૈન અન્સારી
ઐયાઝ મોમીન ઉર્ફે ટકલ્યા
ઇશાક મુંજાવર
જીગ્નેશ કુમાર ઉર્ફે બબલુ કુમાર યાદવ
ફોન માટે લાંબુ અંતર કાપતા
ગેંગ લીડર પપ્પુ ચૌધરી પણ એટલો સાતીર હતો કે તેણે બિલ્ડર જીતુ પટેલના પરિવારની સાથે મોબાઇલથી વાત કરવા જીતુ પટેલના જ સીમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તે 30 કરોડ રૂપિયાની ખંડણી માંગવા માટે દર વખતે 150 કિલોમીટરથી 300 કિલોમીટર સુધીનો પ્રવાસ કરી પોલીસને ચકમો આપતો હતો.
ચંદન સોનાર સૂત્રધાર
ગેંગનો મુખ્ય સૂત્રધાર ચંદન સોનાર થોડા દિવસ પહેલાં અન્ય રાજયની પોલીસના હાથે ઝડપાઇ ચૂકયો છે. તે જેલમાં બેઠા બેઠા જ રેકેટ ચલાવતતો હતો. જેલમાંથી તેણે દોઢ લાખ રૂપિયા મોકલાવ્યા હતા અને પપ્પુ ચૌધરીને લીડરશીપ સોંપી હતી. આ કેસમાં પોલીસે એક પિસ્તોલ, 2 મેગેઝિન, 8 મોબાઈલ, 2 કાર, 6 નકલી નંબર પ્લેટો સહિત અન્ય ઘાતક હથિયારો જપ્ત કર્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત