Team Chabuk Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ખુની ખેલ ખેલાયો છે. જિલ્લાના બોડાવા ગામે ગ્રામ પંચાયતના મહિલા સભ્ય નંદુ સોલંકીની હત્યા થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને લાગ્ય હતું કે હત્યા સ્થાનિક રાજનીતિના કારણે થઈ હોઈ શકે છે. જો કે, ઊંડાણપૂર્વક તપાસ થતાં પોલીસની આ શંકા ખોટી પડી હતી. હત્યાના આરોપીને પોલીસે ઝડપી લીધો છે અને જેલના સળિયા ગણતો કરી દીધો છે. ઝડપાયેલા આરોપીનું નામ દીપક સોસા છે. આરોપીએ કબૂલ્યું છે કે, તેણે જ નંદુની હત્યા કરી છે
હત્યાની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક બોડવા પહોંચી ગઈ હતી. ગ્રામ પંચાયતના મહિલા સભ્ય નંદુ સોલંકીની લાશ ગામના જ એક ખેતરમાંથી મળી હતી. તપાસ કરતાં પોલીસને દીપક સોસા નામના વ્યક્તિ અંગે જાણ થઈ હતી. જેની પૂછપરછ કરતાં મળેલા જવાબના કારણે પોલીસની શંકા હકીકતમાં બદલી ગઈ હતી. ત્યારબાદ પોલીસે સખતાઈથી પૂછતા દીપક પોપટની જેમ સત્ય બોલી ગયો હતો. અને સ્વીકારી લીધું હતું કે તેણે જ નંદુ સોલંકીની હત્યા કરી દીધી છે
શા માટે હત્યાને અંજામ આપ્યો ?
દીપકે પોલીસની પૂછપરછમાં સ્વીકાર્યું કે, તે નંદુને પ્રેમ કરતો હતો અને અવાર-નવાર બંને મળતા હતા. દીપકે કહ્યું કે, નંદુ તેને બ્લેકમેઈલ કરી રહી હોવાથી તેનું ઢીમ ઢાળી દીધુ છે. આરોપી દીપકે નંદુ પર રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો છે. દીપકે કહ્યું કે, નંદુ તેને બદનામ કરવાની ધમકી આપીને રૂપિયાની માગણી કરતી હતી. નંદુના બ્લેકમેઈલથી તે કંટાળી ગયો હતો. જેથી ઘરે બોલાવી તેની હત્યા કરી દીધી હતી. દીપકે નંદુને છરીના અનેક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા બાદ કોઈને શંકા ન જાય તે માટે ઘરેથી લાશને ખેતરમાં ફેંકી દીધી હતી. જોકે, પોલીસે 24 કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો.
હત્યાની રાત્રે શું થયું ?
નંદુ સોલંકી મોડી રાત સુધી ઘરે ન આવતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી. ગામના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે નંદુ સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, સાંજે સાત વાગ્યા પછી તેનું લોકેશન મળ્યું ન હતું. મોડી રાત્રે નંદુના દીકરાના મોબાઈલમાં એક મેસેજ મળ્યો હતો. જેમાં લખ્યું હતું ‘મને બચાવી લો’. ત્યારબાદ શોધખોળનો સિલસિલો રાતભર ચાલ્યો અને સવારે નંદુની લાશ મળી.
હાલ પોલીસે આરોપી પ્રેમીને જેલમાં ધકેલી દઈ વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોની માગણી છે કે, આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત