Team Chabuk Gujarat Desk: ગીરના જંગલમાંથી વધુ એક ચોંકવાનારો મામલો સામે આવ્યો છે. ગેરકાયદે ચાલી રહેલા લાયન શો અટકી નથી રહ્યા. એવામાં હવે સિંહનો શિકાર કરતી ટોળકી ઝડપાઈ છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 38 લોકોને 15 જેટલા ફાંસલા સાથે ઝડપી લેવાયા છે. જેમાંના મુખ્ય આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. વન વિભાગે આરોપીના 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા જો કે, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. આ પહેલાં 9 આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચુક્યા છે. હવે જે આરોપીના 4 દિવસના રિમાન્ડ મળ્યા છે તેનું નામ હબીબ શમશેર પરમાર હોવાનું સામે આવ્યું છે. ટોળકીનો સૂત્રધાર તે જ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ટોળકી ઝડપાતા ફરી એકવાર ગીરના સિંહની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઉઠ્યા છે. આ ઘટના પરથી સાબિત થયું છે કે, જંગલમાં સિંહબાળ સુરક્ષિત નથી. સિંહબાળ પર એક ટોળકીની નજર હતી. જો કે, સિંહબાળને ફસાવવા આવેલા વ્યક્તિ પર સિંહણે હુમલો કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જો સિંહણે હુમલો ન કર્યો હોત તો આ ઘટના કદાચ સામે આવતા હજુ મહિનાઓ પસાર થઈ જાત. કદાચ સામે આવેત પણ નહીં.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના ખાંભા વિસ્તારની આ ઘટના છે. જ્યાંથી સિંહનો શિકાર કરતી એક પરપ્રાંતીય ટોળકી ઝડપાઈ છે. થોડા દિવસ પહેલાં સિંહણે ટોળકીના સૂત્રધાર પર હુમલો કરી દીધો હતો જેને લઈને સમગ્ર મામલો સામે આવ્યો હતો.
સિંહબાળને કેવી રીતે ફસાવતા ?
સિંહબાળને ફસાવવા માટે આરોપીએએ ફાંસલાં ગોઠવ્યા હતા. વન વિભાગે કહ્યું કે, આરોપીએ ગોઠવેલા ફાંસલામાં સિંહબાળ ફસાઈ પણ ગયું હતું. જો કે, પોતાના બચ્ચાંને બચાવવા માટે સિંહે આરોપી પર તરાપ મારી હતી જેમાં એક આરોપી ઈજાગ્રસ્ત થયો હતો. વન વિભાગને સૂત્રાપાડા નજીકથી ત્રણ ફાંસલા મળી આવ્યા હતા જેમાં ઉંદર, શિયાળ અને સિંહબાળ ફસાયેલા હતા. હજુ આ કેસમાં વધુ વિગતો બહાર આવી શકે છે. આરોપીઓ ક્યાંના છે ? તેમને કોણે આ કામ સોંપ્યું છે ? સિંહબાળનો શિકાર કરીને તેઓ શું કરવાના હતા ? જો સિંહબાળને વેચી દેવાના હતા તો કેટલા રૂપિયામાં વેંચવાના હતા ? જંગલ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યા ? કેટલા સમયથી તેઓ આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે ? આ તમામ બાબતોનો આગામી સમયમાં ખુલાસો થઈ શકે છે.

2007માં પણ પકડાઈ હતી એક ટોળકી
2007માં ઝડપાયેલા આરોપીઓની એક ખાસ મોડસ ઓપરેન્ડી રહેતી. તેઓ પહેલાં સિંહ અને સિંહની સુરક્ષામાં રહેતાં વન વિભાગના કર્મચારીઓની રેકી કરતા. 2007 કુલ 40 લોકો ઝડપાયા હતા જેમાં મોટા ભાગના લોકો કટનીના હતા. આ લોકો સિંહ ક્યારે, ક્યાં વિસ્તારમાં આવે છે ? પેટ્રોલિંગ કેવું થાય છે ? પેટ્રોલિંગ ક્યાં સમયે થાય છે ? આ તમામ બાબતોની એક મહિના સુધી રેકી કરતા ત્યારબાદ શિકારનો પ્લાન બનાવતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ફાંસલો ગોઠવી આ ટોળકી માત્ર 15થી 20 મીટર દૂર જ છુપાઈને બેસી રહેતા. જેવો સિંહ કે સિંહણ ફસાય તો તેના મોઢામાં ભાલાથી હુમલો કરતા. ત્યારબાદ સિંહના માથાના ભાગે ઈજા કરી તેને મારી નાખતા.
હવે ફરીથી ફાંસલાથી સિંહબાળનો શિકાર કરવાની ઘટના સામે આવતા વન વિભાગની ઊંઘ હરામ થઈ છે. વન વિભાગે પેટ્રોલિંગ વધારી દીધુ છે. તેમજ જંગલમાં અન્ય શંકાસ્પદ ઘટનાઓ પર પણ વન વિભાગની સતત નજર છે.
તો બીજી તરફ પ્રકૃતિ અને સિંહપ્રેમીઓમાં પણ આ ઘટનાને લઈને રોષ છે. સિંહપ્રેમીઓ સિંહનો શિકાર કરતાં તમામ લોકો વિરુદ્ધ કડકમાં કડક સજાની માગણી કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત