Homeગુર્જર નગરીજામનગરઃ હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના એટલા ઉંચા ભાવ બોલાયા કે અન્ય ખેડૂતો...

જામનગરઃ હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના એટલા ઉંચા ભાવ બોલાયા કે અન્ય ખેડૂતો હાપા તરફ આવવા લાગ્યા

Team Chabuk-Gujarat Desk: ચાલુ વર્ષે વધુ વરસાદના કારણે અનેક ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. જો કે આ વર્ષે કપાસ અને મગફળીના સારા ભાવ ખેડૂતોને મળતા થોડી ઘણી રાહત થઈ છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસથી મુહૂર્ત સાથે ઓપન માર્કેટમાં હરરાજીની શરૂઆત થઈ છે. જેમાં મગફળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરરાજી દરમિયાન નવો વિક્રમ સર્જાયો છે. આજે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં મગફળીના ભાવનો વિક્રમ સર્જાયો છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી ઉંચા મગફળીના પ્રતિ મણના રૂપિયા 1665 રૂપિયા બોલાયા છે. આ ભાવ ઓલ ટાઈમ હાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઓલ ટાઈમ હાઈ ભાવે સોદો થતાં ખેડૂતો પણ ખુશ નજરે પડી રહ્યા છે.

હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના સારા ભાવ મળતાં અન્ય પંથકના ખેડૂતો પણ પોતાનો મગફળીનો પાક વેચવા માટે હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભપાંચમના દિવસથી મુહૂર્તના સોદા કરીને મગફળી સહિતની જુદી-જુદી જણસની હરરાજીનો પ્રારંભ કરાયો છે. પ્રથમ દિવસે જ મગફળીની દસ હજાર ગુણ યાર્ડમાં ઠલવાઈ હતી. જે માંથી ગઈકાલે બુધવાર સુધીમાં પાંચ હજાર મગફળીની બોરીઓના સોદા થઈ ગયા હતા, જ્યારે બાકીની પાંચ હજાર મગફળીની બોરીના બાકી સોદા પૈકી આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બારાડી પંથકના ખેડૂતોની મગફળીની સારી જાતની હરરાજીની પ્રક્રિયા દરમિયાન નવો કિર્તીમાન સ્થપાયો હતો. તામિલનાડુથી આવેલા વેપારીઓ સહિત 150થી વધુ વેપારી હરરાજીની પ્રક્રિયામાં જોડાયા હતા અને મગફળીનો ભાવ રૂપિયા 1665 સુધી બોલાયો હતો. જે સમગ્ર ગુજરાત રાજ્યનો ઊંચામાં ઊંચો ભાવ છે, જેથી ખેડૂતો ખુશખુશાલ છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જામનગર તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ગોંડલ, અમરેલી, સહિતના ખેડૂતો પણ પોતાની મગફળી લઈને હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આવી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. બે દિવસ માટે મગફળીની નવી આવક બંધ કરવામાં આવી હતી. પરંતુ આજે મોડી રાતથી ફરી મગફળીની આવક શરૂ કરાશે અને ત્યારપછી તેના નવા સોદા થશે. જેના માટે ખેડૂતોને મોડી રાતથી મગફળીનો જથ્થો લાવવા માટે હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી ઉપરાંત લાલ મરચાં, લસણ, કપાસ સહિતના અન્ય પાકોની પણ હરરાજી થઈ રહી છે. તેમાં પણ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments