Team Chabuk-Gujarat Desk: મહીસાગર જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યા કરી દેવાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાલ્લા ગામમાં રહેતા જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રિભોવનભાઈ પંચાલ અને તેમની પત્ની જશોદાબેન પંચાલની હત્યા કરી દેવામાં આવી છે. ભાજપના કારોબારી સભ્ય ત્રિભોવનભાઈ પંચાલની લાશ ઘરના બગીચામાંથી મળી આવી છે જ્યારે તેમના પત્નીની લાશ ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવી છે. ઘટના અંગે જાણકારી મળતાં જ લુણાવાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મહીસાગરમાં અજાણ્યા શખ્સોએ પંચાલ પરિવારના બે લોકોની હત્યા કરી છે. આ મામલે જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે વાતચીત કરીને અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
મહીસાગર જિલ્લાના પાલ્લા ગામે રહેતા જિલ્લા ભાજપના કારોબારી સભ્ય એવા ત્રિભોવનભાઈ પંચાલ અને તેમના પત્ની જશોદાબેનની ઘરમાં જ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. બન્નેને માથામાં પાઈપ અથવા તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. ગામ લોકોને ત્રિભોવનભાઈ અને તેમની પત્ની જશોદાબેનની હત્યા અંગેની જાણ સવારે થઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરાતાં મહીસાગર જિલ્લા એસપી, લુણાવાડા પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય જિજ્ઞેશ સેવક સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આરોપીઓએ તિક્ષ્ણ હથિયાર વડે દંપતી પર હુમલો કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. દંપતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં બન્નેના મોત નિપજ્યા છે. ત્રિભોવનભાઈ પંચાલની લાશ ઘરના બગીચામાં પડી હતી અને તેમના પત્ની જશોદાબેનની લાશ ઘરની અંદર લોહીલુહાણ હાલતમાં પડી હતી. હાલ આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે. મૃતક ત્રિભોવનભાઈ પંચાલનો મોબાઈલ ફોન પણ ગુમ છે. ફોન કરતાં રિંગ વાગી રહી છે પરંતુ ફોન રિસીવ નથી થઈ રહ્યો.
ત્રિભોવનભાઈ પંચાલ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. ત્રિભોવનભાઈ મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય હોવા ઉપરાંત પંચાલ સમાજના પણ આગેવાન હતા. ગામ લોકોનું કહેવું છે કે ત્રિભોવનભાઈ ખૂબ જ શાંત સ્વભાવના હતા. તેઓ ભાજપના જુના કાર્યકર છે. તેમનું કોઈ દુશ્મન ન હોઈ શકે તેવું ગામ લોકો માની રહ્યા છે આથી હત્યા ક્યા કારણોસર કરવામાં આવી તે જાણવું મહત્વનું બની રહેશે.
કોરોનામાં એક પુત્ર ગુમાવ્યો હતો
મળતી માહિતી પ્રમાણે ત્રિભોવનભાઈ પંચાલ તેમના પત્ની સાથે પાલ્લા ગામમાં રહેતા હતા. તેઓને ત્રણ દીકરા છે. જેમાંથી એક દીકરો હાલ કેનેડા રહે છે. અન્ય એક દીકરો આણંદ ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છે અને ત્રીજા દીકરાનું કોરોના મહામારીમાં જ નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત