Team Chabuk-Gujarat Desk: ગત અઠવાડિયે સુરતના વરાછા વિસ્તારની એક સી.એ.નો અભ્યાસ કરતી યુવતી ઘરેથી બુક લેવાના બહાને ગયા પછી ગુમ થઈ હતી. આખરે આ યુવતી પોતાના પ્રેમી સાથે દિલ્હીથી ઝડપાઈ ગઈ છે. પોલીસે યુવક અને યુવતીને દિલ્હીમાં બસમાંથી ઝડપી લીધા છે. યુવકે યુવતીના પરિવારને ગેરમાર્ગે દોરવા માટે યુવતીના પિતાને ફોન કરીને 10 લાખની ખંડણી માંગી હતી. બન્નેએ ભાગ્યા પછી પોલીસ ટ્રેસ ન કરી શકે તે માટે 5 સીમકાર્ડ અને પાંચ સાદા ફોન પણ ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે. આ યુવક અને યુવતીએ એવું ભેજું પણ વાપર્યું હતું કે કોઈ લોકેશન શોધી ન લે તે માટે એક જગ્યાએ 12 કલાકથી વધુ રોકાતા પણ ન હતા.
ઘટનાની વિગતે વાત કરીએ તો, સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી સી.એ.નો અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતી ગત અઠવાડિયે સાંજના સમયે ઘરેથી બુક લેવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ ચાલુ કરી હતી. આ દરમિયાન યુવતીના પિતાને અજાણ્યા નંબર પરથી ત્રણ વખત ફોન આવ્યા હતા અને દીકરીને પાછી જોઈતી હોય તો 10 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. જેથી યુવતીના પિતાએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ યુવતી કાપોદ્રા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી અને આ યુવક પણ ઘરેથી ગુમ હતો. તેથી પોલીસને પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે, આ યુવતી પોતાના પ્રેમી સાથે જ ભાગી ગઈ છે અને યુવતીના પિતાને ફોન કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો પ્રેમી જ છે.
આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં વરાછાની યુવતી તેના કાપોદ્રાના પ્રેમી સાથે દિલ્હીમાં આગ્રા-મથુરા રોડના ટોલનાકા પર ચાલુ બસમાંથી પકડાઈ ગયા હતા. પોલીસની પુછપરછમાં યુવક અને યુવતીએ જણાવ્યું કે, યુવતી જ્યાં સી.એ.નો અભ્યાસ કરતી હતી ત્યાં જ યુવકનો એક મિત્ર પણ અભ્યાસ કરતો હોવાથી યુવક તેને મળવા માટે ત્યાં જતો હતો. આ દરમિયાન યુવક અને યુવતીની આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. અઢી વર્ષ બાદ બન્નેએ પરિવારજનોને લગ્નની વાત કરતાં ઘરેથી મંજૂરી મળી ન હતી. આથી યુવક અને યુવતીએ પરિવારની મરજીની વિરુદ્ધમાં જઈને લગ્ન કરવા માટે ઘરેથી ભાગવા માટે 3 મહિના પહેલા પ્લાન બનાવ્યો હતો.
યુવકને 21 વર્ષ પૂર્ણ થવામાં હજુ દોઢ મહિનો બાકી હોવાથી મૈત્રી કરાર કરીને ભાગવાનું નક્કી કર્યું હતું. યુવક અને યુવતી પકડાઈ ન જાય તે માટે પણ અનેક યોજનાઓ બનાવી હતી. પોલીસ મોબાઈલ ટ્રેસ કરીને તેઓ સુધી પહોંચી ન શકે તે માટે તેમણે 5 સીમકાર્ડ અને 5 સાદા ફોન ખરીદ્યા હતા. આ ઉપરાંત બન્ને એક જગ્યાએ 12 કલાકથી વધુ રોકાતા ન હતા.
યુવક અને યુવતી સુરતથી ભાગીને બસમાં ચિત્તોડગઢ ગયા હતા, ત્યાંતી મંદસોર થઈને ઈન્દોર અને ત્યાંથી આગ્રા થઈને દિલ્હી પહોંચ્યા હતા. પોલીસ પકડે નહીં તે માટે બન્ને લાંબા અંતરની મુસાફરી કરતાં હતા. ભાગીને લગ્ન કરીને તેઓ ગુજરાત પરત ફરવા માંગતા ન હતા. થોડો સમય અલગ-અલગ શહેરમાં રહીને કાયમ માટે રાજસ્થાનના જ કોઈ ગામમાં વસી જવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ આખરે યુવક અને યુવતી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત