Team Chabuk-Gujarat Desk: કોરોનાને આપણી સાથે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. ગત વર્ષે શરૂ થયેલી આ હાડમારી આજેય જવાનું નામ નથી લેતી. ઉલટાની ચિંતા વધવા લાગી છે. કોરોના અજગર ભરડો લઈને આપણી માથે બેસી ગયો છે. વેક્સિન આવી છતાં આ કાળમૂખો કોરોના ડરવાની જગ્યાએ માનવજાતને ડરાવી રહ્યો છે. ઘટી ગયેલા કોરોનાના કેસ સ્પ્રિંગમાંથી છૂટે એમ બમણી ગતિથી વધી રહ્યા છે.
કોરોનાની પ્રથમ લહેરમાં ગુજરાતમાં 1500-1600એ દૈનિક કેસ પહોંચતા લોકોના મોં ફાટી જતાં, આરોગ્ય તંત્ર દોડવા લાગતું. પરંતુ આજે આ કેસ 3000 હજારે પહોંચવા આવ્યા છે. છતાં પહેલા જેટલી તકેદારી આપણે કે સરકાર હવે નથી રાખી રહ્યા. આવું કેમ તેના કારણો તપાસવા પડે.
ચૂંટણી નડી ગઈ
માર્ચ મહિના બાદ કોરોના કેસમાં આવેલો ઉછાળો ચૂંટણીના કારણે આવ્યો હોવાનું લોકો અને વિપક્ષ માની રહ્યા હતા. સરકારે આ વાતને નકારી કાઢી. પરંતુ વાતને થોડી ઘણી તો સ્વીકારવી પડે. ચૂંટણીઓમાં નેતાઓએ મનફાવે તેમ પ્રચાર કર્યા, જેવી રીતે હાલ આસામ, કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં થઈ રહ્યો છે. ચૂંટણીઓ જીતવા નેતાઓએ જનતાને કહ્યું, અમારી સભામાં આવો, અમારા વિજય સરઘસમાં જોડાવ. કોરોનાની ચિંતા ન કરો.
તંત્રની ઉદાસિનતા
ચૂંટણીમાં કોરોનાની ગાઈડલાઈનનો ઉલાળિયો કરીને બેફામ પ્રચાર કરી રહેલા નેતાઓ સામે પોલીસ તંત્ર વામણું સાબિત થયું. બાપડી બિચારી જનતા સામે કાયદાની ઓથ લઈને ધોકા પછાડતી પોલીસ નેતાઓની પગચંપી કરતી રહી. પરિણામે કોરોનાને પણ મોકળું મેદાન મળી ગયું. કોરોના વધેલા કેસ પાછળ આ પણ એક કારણ હોઈ શકે છે.
આરોગ્ય વિભાગે હથિયાર હેઠા મૂક્યા ?
2020માં કોરોનાની એન્ટ્રી થયા બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ જે રીતે એક્શનમાં આવીને કાર્ય કરતું હતું તેમાં થોડી ઢીલ આવી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. જે આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર કોરોના પોઝિટિવ દર્દીના ઘરની બહાર પહેરો રાખીને રાત-દિવસ નજર ગોઠવીને બેસતું હતું તેવી કાર્યવાહી હવે નથી થઈ રહી. પહેલા કોરોનાગ્રસ્ત વ્યક્તિના ઘરે સ્ટીકર મારી દેવામાં આવતા, દિવસમાં આરોગ્ય વિભાગની ટીમ ઘરે આવીને દર્દીની તપાસ કરતી, દવા આપતી, ઘરને સેનેટાઈઝ કરવામાં આવતું. પરંતુ શું હવે આવું બધું પહેલાંની જેમ થઈ રહ્યું છે ? થતું હશે પરંતુ તેમાં હવે તંત્રની ઉદાસિનતા ભળી ગઈ છે. આરોગ્ય વિભાગે પણ જાણે હવે હથિયાર હેઠાં મૂકી દઈ જનતાને છુટ્ટો દોર આપી દીધો હોય તેમ લાગી રહ્યું છે.
આજે અનેક એવા પણ કિસ્સા સાંભળવા મળે છે કે કોરોના પોઝિટિવ દર્દી ઘરમાં કે હોસ્પિટલમાં રહેવાને બદલે બેફિકર થઈને બજારોમાં ટહેલવા નીકળી પડે છે. એટલે કે હોમ આઈસોલેશનના નિયમોનું પણ પાલન ઘણા કિસ્સાઓમાં નથી થઈ રહ્યું.
વેક્સિન આવતા લોકો બેજવાબદાર બન્યા
કોરોનાના કેસ વધવા પાછળનું એક કારણ એ પણ છે કે વેક્સિન આવી જતાં લોકોના મનમાં કોરોનાનો જે ભય હતો તે ઉડી ગયો. લોકોને લાગ્યું કે વેક્સિન આવી ગઈ છે હવે કોરોના ગ્યો સમજો. કોરોના આપડું કઈ નહીં બગાડી શકે. આમ વેક્સિનેશન શરૂ થવાથી પણ લોકો કોરોનાની ચિંતા છોડીને મનફાવે તેમ વર્તવા લાગ્યા.
કોરોનાની નવી સ્ટ્રેઈન વધુ ઘાતક હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. ઘરમાં એક વ્યક્તિ સંક્રમિત થાય એટલે આખું ઘર કોરોનાની ઝપેટમાં આવી જતું હોવાના કિસ્સા સામે આવ્યા છે. ઓફિસોમાં પણ એકને ચેપ લાગે એટલે આખી ઓફિસ ઝપટે ચડી ગયાના બનાવો સામે આવ્યા છે. આવા સમયે લોકોએ વધુ સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર છે. પોતાનું અને પરિવારનું ધ્યાન જાતે જ રાખવાનો આ સમય છે. થોડી પણ બેદરકારી મુશ્કેલીમાં મૂકી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત