Team Chabuk- Gujarat Desk: ગુજરાત ફરીથી કોરોનાના ભરડામાં આવી રહ્યું છે. ધીમે ધીમે મેટ્રો સિટી ઉપરાંત ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતાં વધુ ઘાતક સાબિત થઈ રહી છે. કેસ વધતાં લોકોમાં ફરી ફફડાટ ફેલાયો છે અને ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી રહ્યા છે.
સુરત અને અમદાવાદમાં 18 માર્ચથી AMTS બંધ છે. કોરોનાનો કહેર વધતાં તંત્રએ આ સુવિધા બંધ કરી છે. મહાનગરોમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. સુરત અને અમદાવાદ વચ્ચે કોરોના આંકડાઓ મુદ્દે જાણે રેસ લાગી હોય તેમ આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં રાજ્યમાં કોરોનાથી થતાં મૃત્યુના આંકડા પણ વધ્યા છે.
ગામડાઓમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. જામનગરના મોટી બાણુગાર ગામે છેલ્લા એક સપ્તાહમાં 25 કેસ નોંધાતા ગામ લોકોમાં ભયનો માહોલ છે. ખોબા જેવડા ગામમાં સંક્રમણ ફેલાતા સ્થાનિક તંત્રની ચિંતા વધી છે. બીજી તરફ ગામ લોકો પણ ચિંતિત છે. કોરોના પર કાબૂ મેળવવા માટે બાણુગારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. આજે રાત્રે 8 વાગ્યાથી 11 એપ્રિલ સુધી ગામમાં સંપૂર્ણ લોકડાઉન લાગી જશે. આવતીકાલથી સવારે 2 કલાક માટે દૂધની ડેરી ખુલ્લી રહેશે.
આ ઉપરાંત દાહોદના ફતેપુરાના બલૈયામાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. બલૈયામાં કોરોનાનો કહેર રોકવા માટે ગ્રામ પંચાયતે લોકડાઉનનો નિર્ણય લીધો છે. બલૈયામાં આજથી 6 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. 6 દિવસ સુધી સવારે 10 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખી શકાશે. 10 વાગ્યા પછી સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. નિયમનું ઉલ્લંઘન કરનારા વેપારીને 1 હજાર રૂપિયાના દંડની જાહેરાત પણ કરવામાં આવી છે.
મોરબીમાં પણ કોરોના તાંડવ મચાવી રહ્યો છે. કોરોનાની ચેઈન તોડવા માટે મોરબી વેપારી એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. વેપારી એસોસિએશને આવતીકાલથી અડધા દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. અહીં બપોર પછી દુકાનો બંધ રહેશે. બપોરે 2 વાગ્યા બાદ શહેરની દુકાનો પર તાળા જોવા મળશે. કોરોનાનું સંક્રમણ વધતાં આણંદના ઉમરેઠના પણસોરા ગામે પણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. પણસોરા ગ્રામ પંચાયતે જાહેરનામું બહાર પાડ્યું છે. અહીં 15 એપ્રિલ સુધી બપોરે 1 વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. આણંદના કોઠાવી ગામે પણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.
આમ ગુજરાતના ગામડાઓ ફરી લોકડાઉનની સ્થિતિ તરફ વળી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, લોકડાઉનના પગલે વેપારીઓને નુકસાન થશે. લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. પરંતુ કોરોના નામના રાક્ષસનો પ્રકોપ ઓછો કરી શકાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત