Team Chabuk-Gujarat Desk: વડોદરાના નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહની દીકરીઓ શીતલ અને વંદનાના આજે લગ્નનો પ્રસંગ યોજાયો હતો. મહિલા અને બાળ કલ્યાણ રાજયમંત્રીશ્રી મનિષાબેન વકીલે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી યુવતીઓ અને તેના પરિવારજનો સાથે વાતચીત કરી તેમના પરિવારનો હિસ્સો હોવાની અનુભૂતિ કરાવી હતી.
મહિલા અને બાળ કલ્યાણ રાજયમંત્રી મનિષાબેન વકીલે જણાવ્યું કે, નારી સંરક્ષણ ગૃહની બે દીકરીઓ શીતલ અને વંદના આશરે ત્રણ વર્ષની હતી ત્યારે તે આ સંસ્થામાં આવી હતી અને તેમની વિશેષ કાળજી લેવામાં આવી. તેમની લગ્ન માટેની વય થતાં તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા.
જીવનની આ સફરમાં નવા પડાવની શરુઆત કરનાર નવયુગલોને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પણ મંત્રીએ પાઠવી હતી. તેમણે લગ્ન કરનાર શુભમ પવાર અને વિવેક વ્યાસ તથા તેમના પરિવારજનોએ લગ્ન માટે સંસ્થાની દીકરીઓનો સ્વીકાર કરી સમાજમાં નવો રાહ ચીંધ્યો હોવાનું જણાવ્યું. મંત્રીએ ઉમેર્યુ કે, સંજોગોવશાત કોઇપણ દીકરીને સંસ્થામાં આશ્રય મેળવવાનો થાય છે ત્યારે તેના જીવનના લગ્ન અને પારિવારિક સ્વીકાર માટે પવાર અને વ્યાસ પરિવારે આ બંને દીકરીઓના નવા જીવનના પ્રારંભમાં અનોખી ભૂમિકા ભજવી છે.
કલેકટર અતુલ ગોરે કહ્યુ કે, બેટી બચાઓ બેટી પઢાઓ સંકલ્પને સાકાર કરતા આજે નારી સંરક્ષણ ગૃહની બે દીકરીઓ શીતલ અને વંદનાના લગ્નપ્રસંગે દાતાશ્રીઓનો સહયોગ સાંપડ્યો છે. જીવનના નવા પડાવની શરુઆત કરનાર આ બંને દીકરીઓને શુભકામનાઓ તેમણે પાઠવી હતી. નારી સુરક્ષા, અભ્યાસ અને તેમને આત્મનિર્ભર બનાવવાના વધુમાં વધુ કાર્યો થાય તે માટે તેમણે વધુ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
આ લગ્ન પ્રસંગે કલાકારોએ સંગીત કાર્યક્રમમાં લગ્નગીતોની રમઝટ બોલાવી હતી. નારી સંરક્ષણ ગૃહના આંગણે યોજાયેલ આ લગ્નપ્રસંગમાં સંસ્થાની યુવતીઓ હોંશેહોંશે જોડાઇ હતી.
સંસ્થાની યુવતીઓ વરરાજાઓને વિધિસર આવકાર્યા અને કન્યાઓને પરંપરાગત રીતે મંડપ સુધી લાવી તેમને ખાસ અનુભૂતિ કરાવી હતી. મનુષ્ય જીવનમાં જન્મ અને લગ્નનું વિશેષ મહત્વ છે ત્યારે સંસ્થાની દીકરીઓએ પોતાની બહેન અને સખીને તેના સાસરી પક્ષના પરિવારમાં જીવનસાથી સાથે સ્થાયી થવા અને નારી સંરક્ષણ ગૃહ, સંસ્થામાંથી વિદાય એમ બંને ઘટનાઓ એકસાથે બનતી હોય. આ પ્રસંગે દીકરીઓમાં ઉમંગ અને હરખના આંસુ, ખુશીનો માહોલ તથા પોતાની સખીને વિદાય સહિતના પ્રસંગોનો સંગમ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, કલેકટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ અધિકારી સુધીર દેસાઇ, અધિક કલેકટર ઝાલા, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોષી, મહિલા અને બાળ અધિકારી માધવી ચૌહાણ, પ્રાંત અધિકારી મકવાણા, નારી સંરક્ષણ ગૃહની દીકરીઓ અને સંચાલકઓ, દાતાઓ અને યુવકના કુટુંબીજનો સહિતના જોડાયા હતા.
વડોદરાના નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહની દીકરીઓ શીતલ અને વંદનાના આજે લગ્નનો પ્રસંગ યોજાયો હતો.આ પ્રસંગે શીતલ અને વંદનાની સખી કોમલ વાઘેલાએ જણાવ્યું કે, અમે એક રુમમાં સાથે જ રહીએ, સાથે મોટા થયા, સાથે ભણ્યા, હસ્યા, રમ્યા અને સ્વનિર્ભર થવાની જુદી-જુદી તાલીમ લીધી. અમે સંસ્થામાં એક સાથે ત્રીસ યુવતીઓ બહેનની માફક એક પરિવારજનની જેમ રહીએ. શીતલ, વંદના અને મેં સંસ્થામાં રહી ગ્લાસ મેકિંગની કામગીરી કરી, માસિક જે આવક થતી તે બધી ખાતામાં જમા થતી અને આજે તે બચત સ્વરુપે એ બંને સાસરે વળે છે ત્યારે તેના ભવિષ્ય માટે ઉપયોગી બનશે.
શીતલના લગ્ન પ્રસંગે શીતલે જણાવ્યું કે, હું નાનેથી મોટી અહીં આ સંસ્થામાં થઈ, પારિવારિક હૂંફ મળી. સંસ્થામાં સર્વગ્રાહી તાલીમ મળી. પગભર થવા વિવિધ વ્યાવસાયિક તાલીમ મળી, તેથી પગભર થવાની મારી ઇચ્છા પૂર્ણ થઇ છે. સંસ્થામાં રહી ગ્લાસ મેકિંગનું કામ કરી હું આત્મનિર્ભર બની. મારો પરિવાર હોય અને આ પરિવારની હું કાળજી લઇ શકું તેવી મારી મનોકામના છે તે પણ આજે પૂર્ણ થવા જઇ રહી છે. સાસરીએ જતાં પહેલા પરિવારજનોને પોતાના કરવા, કઇ રીતે વર્તવુ, વાતચીત કરવી અને હળીમળી જવાની શીખ અને તાલીમ પણ આ સંસ્થામાંથી મળી છે. શીતલના સ્વામી શુભમ અરુણભાઈ પવાર વડોદરાના ન્યુ વીઆઇપી રોડ ખાતે રહે છે અને તે ખાનગી કંપનીમાં કાર્યરત છે. તેના માતા બ્યૂટી પાર્લર અને પિતા ડેરી પાર્લર ચલાવે છે.
વંદનાના લગ્ન પ્રસંગે વંદનાએ જણાવ્યું કે, સંસ્થામાં દીકરીની જેમ સાચવવામાં આવ્યા છે. પરિવારજનની માફક રહ્યા છીએ, પરિવારિક હૂંફ મળી. અમે માંગ્યું તે મળ્યુ છે. પગભર થવાની તાલીમ મળી. વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખવવામાં આવ્યું છે. વંદનાના ભરથાર વિવેક રોહિતભાઈ વ્યાસ ઉમરેઠ ખાતે રહે છે. તે ખાનગી કંપનીમાં કાર્યરત છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત