Homeગુર્જર નગરીખેડાઃ શહીદ જવાન હરીશસિંહ પરમારનો પાર્થિવ દેહ માદરે વતન લવાયો, શહીદને સલામી...

ખેડાઃ શહીદ જવાન હરીશસિંહ પરમારનો પાર્થિવ દેહ માદરે વતન લવાયો, શહીદને સલામી આપવા લોકો ઉમટ્યા

Team Chabuk-Gujarat Desk: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને ભારતીય સેના વચ્ચે થયેલી અથડામણમાં ગુજરાતના  જવાને શહાદત વ્હોરી લીધી છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના 2500ની વસ્તી ધરાવતા વણઝારીયા ગામના આર્મી જવાને શહાદત વહોરતાં ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. સાથે શહીદ હરીશસિંહ પરમારના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દેશ માટે પોતાનું બલિદાન આપી દેનાર શહીદ હરીશસિંહ પરમારના પાર્થિવદ દેહને આજે તેમના માદરે વતન લવાયો હતો. જ્યાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. ગામમાં શહીદ જવાન હરીશસિંહ પરમારનો પાર્થિવ દેહ પહોંચતા રોકકળથી વાતાવરણ ભારે બની ગયું હતું.

શહીદ થનાર સેનાના જવાન હરીશસિંહ પરમારનો પાર્થિવ દેહ આજે મંગળવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી સીધો તેમના વતન કપડવંજ તાલુકાના વણઝારીયા ગામે લવાતાં વાતાવરણ રોકકળથી દ્રવી ઊઠ્યું હતું. વીર શહીદની યાત્રા કપડવંજના નદી દરવાજા પુલ પરથી વણઝારીયા ગામે આવી પહોંચી હતી. આ સમયે હજારો લોકો આ વીર શહીદની શહાદતને સલામ કરવા માટે યાત્રામાં જોડાયા હતા. ઘણાં લોકો વાહનો મારફતે તો ઘણાં લોકો ચાલતાં હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ આ શહીદની યાત્રામાં જોડાયા છે. ભારત માતા કી જય અને શહીદ જવાન અમર રહોના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

કપડવંજ તાલુકાના નાનકડા ગામ એવા વણઝારીયા ગામના 25 વર્ષીય હરીશસિંહ રાધેસિંહ પરમારે જમ્મુ કાશ્મીર ખાતે આતંકીઓ સાથે બાથ ભીડતાં શહાદત વહોરી લીધી છે. જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ અને સેનાના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં હરીશસિંહ પરમારને ગોળી વાગી જતાં મા મોભની રક્ષા કાજે તેઓ શનિવારે શહીદ થયા હતા. આ વાત વાયુ વેગે હરીશસિંહના વતન સુધી પહોંચતાં સમગ્ર ગામ અને પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

છેલ્લે મે મહિનામાં વતન આવ્યા હતા

શહીદ જવાન હરીશસિંહ પરમાર છેલ્લે મે મહિનામાં પોતાના વતન વણઝારીયા ગામે આવ્યા હતા. જ્યાં એક મહિનાની રજાના સમયગાળામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી પરત જમ્મુમાં હાજર થયા હતા. કપડવંજ ખાતેની સ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. હરીશસિંહને નાનપણથી આર્મીમાં જવાનો શોખ હતો માટે તે પોતાનું શિક્ષણ પૂરું કરી આર્મીમાં જવા અથાગ પ્રયત્નો કર્યા હતા અને વર્ષ 2016માં આર્મીમાં પસંદ થતાં કોલેજ અધૂરી છોડીને તેઓ સેનામાં જોડાઈ ગયા હતા. તેઓની પ્રથમ પોસ્ટિંગ આસામ, બીજી રાજસ્થાન અને હાલ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં આવેલા મછાલ સેક્ટરમાં હતી.

ફેબ્રુઆરી સુધીમાં થવાના હતાં લગ્ન

નજીકના સ્વજનોએ જણાવ્યું છે કે શહીદ થનાર હરીશસિંહ પરમારની 1 વર્ષ અગાઉ સગાઈ થઈ ચૂકી હતી. આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં સુધીમાં લગ્ન પણ થવાના હતા. અને એ દરમિયાન જ શહીદી વહોરી લીધી છે. આ જવાનના શોકમાં પૂરેપૂરો જિલ્લો શોકમગ્ન છે. ત્યારે દેશ પ્રેમીઓ સ્વૈચ્છિક રીતે પોતાના ગામમાં રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments