Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. ઝેરી દવા પી લેનારા પિતા, પુત્ર અને પુત્રીની હાલત ગંભીર છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
રાજકોટ શહેરના નાના મૌવા રોડ પર શાસ્ત્રીનગર સામેના શિવમ પાર્ક શેરી નંબર 2માં રહેતા અને કર્મકાંડ કરી ગુજરાન ચલાવતા કમલેશ લાબડિયાએ દિકરા અને દીકરી સાથે ઝેરી દવા પી લીધી હતી. કમલેશે દિકરા-દીકરીને કોરોનાની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી દીધી હતી. દિકરા-દીકરીને ઝેર આપતા પહેલાં કમલેશ લાવડિયાએ પોતે પણ ઝેર ગટગટાવી લીધુ હતું. કમલેશ લાબડિયાની પત્ની પણ દવા પીવાની હતી જો કે, દિકરા, દીકરી અને પતિને ઉલ્ટી થવા લાગતા તેણે દવા પીવાનું ટાળ્યું હોવાનો દાવો ખુદ કમલેશની પત્નીએ કર્યો છે.
બીજી તરફ પોલીસને તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ મળી છે. જેમાં કમલેશ લાબડિયાએ કેટલાક નામનો ઉલ્લેખ કરી ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. સુસાઈડ નોટમાં કમલેશ લાબડિયાએ લખ્યું છે કે, “સૌને જય શ્રી કૃષ્ણ, મારા મરવાનું કારણ વોરા તથા દિલીપ કોરાટ જેણે મારૂ મકાન લઈ લીધું અને 65 લાખ રૂપિયાનો મારી ઉપર ખોટો આરોપ મુકેલો. મારી પાસે અત્યારે 5000 રૂપિયા પણ નથી, કાર અને મકાનના ચાર જેટલા હપ્તા પણ ચડી ગયા છે. મારા બે કરોડ અને 12 લાખ દિનેશ અને ભાવિન લઈને જતા રહ્યા છે. ત્યારથી મારી મૂંઝવણ વધી ગઈ છે. મને ખબર છે હું સમજી વિચારીને આ પગલું ભરૂ છું. છેલ્લે 12 લાખની જરૂર હતી તો નરેન્દ્ર પૂજારાને સાટાખત ભરીને 12 લાખનું સાટાખત ભરી આપેલું છે. મારે ઘણું લખવું છે ઉતાવળમાં લખું છું સમય નથી. મને બધા બહુ યાદ આવે છે. મરવું સહેલું નથી પણ મજબુરી છે.
મીડિયા સાથેની વાતચીતમાં કમલેશ લાબડિયાના ભાઈ કાનજી લાબડિયા અને પત્નીએ આક્ષેપ કર્યા હતા કે, દીકરા દીકરીના લગ્ન કરવાના હોવાથી અમે અમારું મકાન વેચવા કાઢયું હતું. જેની જાહેર ખબર પણ અમે આપી હતી. મકાનનો સોદો કરવા વકીલ આર.ડી.વોરા અને તેના સગા કોરાટ આવ્યા હતા. અમે 1.20 કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો જે પેટે અમને માત્ર 20 લાખ આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ અમે જેમને મકાન વેચ્યુ હતું તેમની પાસે બાકીના પૈસા માંગ્યા હતા. જો કે, તેમણે કહ્યું હતું કે તમારા પૈસા અમે વકીલને આપી દીધા છે. જ્યારે વકીલ પાસે પૈસા માંગ્યા તો તેમણે કહ્યું કે, પૈસા કમલેશભાઈને આપી દીધા છે.
કમલેશ લાબડિયાના પરિવારે આરોપ લગાવ્યો કે, એનકેન પ્રકારે કમલેશ વિરુદ્ધ ખોટી અરજી કરવામાં આવી હતી. કમલેશ સાથે છેતરપિંડી થતા તેને લાગી આવ્યું હતું અને પરિવારજનોને દવા પીવડાવી પોતે પણ દવા પી આત્મહત્યાનો પ્લાન ઘડ્યો હતો.
હાલ કમલેશ લાબડિયાના પરિવારે લગાવેલા આરોપ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ કમલેશ લાબડિયાની તબિયત સુધરવાની પણ રાહ જોઈ રહી છે. કમલેશ લાબડિયાની તબિયતમાં સુધારો થયા બાદ તેમનું નિવેદન લેવામાં આવશે. જેમાં સત્ય સામે આવી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત